________________
ઉપદેશમાળા
રાજકન્યાને ત્યાંથી સેવકો તેના માતાપિતા પાસે લાવ્યા. પુત્રી સ્નેહથી મોહિત થયેલા રાજાએ તેની ઘણી ચિકિત્સા કરાવી. અનેક માંત્રિકો અને વૈદ્યોને બોલાવ્યા, પરંતુ કંઈ ફેર પડ્યો નહીં; તેથી વૈદ્યો ખિન્ન થયા.
૯૮
પછી યક્ષે પ્રત્યક્ષ થઈને કહ્યું કે ‘હે રાજન્ ! પોતાના રૂપથી ગર્વિત થયેલી આ તારી પુત્રીએ મારા પૂજ્ય મુનિનો ઉપહાસ કરેલો છે, તેથી જો તે જ મુનિની તે થાય તો જ હું તેને મુક્ત કરું; બીજો કોઈ ઉપાય નથી.’ તે સાંભળી રાજાએ વિચાર કર્યો કે‘આ પ્રમાણે થવાથી મારા પ્રાણથી પણ વધારે વહાલી એવી આ કન્યાને હું જીવતી તો જોઈશ; માટે આ કન્યા મુનિરાજને અર્પણ કરવી.’ એ પ્રમાણે વિચાર કરી પરિજનો સાથે સુભદ્રાને તે મુનિ પાસે મોકલી. તે કન્યાએ પણ પોતાના પિતાની આજ્ઞાથી યક્ષમંદિરમાં જઈને મુનિને વાંદીને કહ્યું કે ‘હે મહર્ષિ! આપના હાથવડે મારો હાથ ગ્રહણ કરો. હું સ્વયંવરા થઈને આપની પાસે આવેલી છું.' મુનિએ કહ્યું કે ‘હે ભદ્રે ! મુનિઓ વિષયસંગથી રહિત હોય છે. માટે આ વાત સાથે મારે કાંઈ પણ પ્રયોજન નથી.' મુનિએ આ પ્રમાણે કહ્યા છતાં કુતૂહલમાં પ્રીતિવાળા હિંદુક યક્ષે મુનિના શરીરમાં દાખલ થઈ તે કન્યાનું પાણિગ્રહણ કર્યું અને તેને વિટંબણા કરીને છોડી દીધી. તે બધું સ્વપ્ન જેવું જોઈને નિસ્તેજ થઈ પિતા પાસે આવી, અને સ્વપ્ન જેવું સઘળું રાત્રિનું સ્વરૂપ કહી બતાવ્યું, તે સમયે રુદ્રદેવ પુરોહિતે કહ્યું કે હે સ્વામિન્! આ કન્યા ઋષિપત્ની થયેલી છે; અને અમારા શાસ્ત્રમાં કહ્યું છે કે ‘તજાયેલી ઋષિપત્ની બ્રાહ્મણને આપવી' આવો વેદનો અર્થ છે, માટે આ કન્યા બ્રાહ્મણને અર્પણ કરવી જોઈએ. એ પ્રમાણે સાંભળી રાજાએ તે રુદ્રદેવ પુરોહિતને જ તે કન્યા આપી.
એકવાર રુદ્રદેવ પુરોહિતે યજ્ઞ કરતાં સુભદ્રાને યજ્ઞપત્ની કરી. યજ્ઞમંડપમાં ઘણા બ્રાહ્મણો આવેલા હતા. યજ્ઞકર્મમાં કુશલ યાજ્ઞિકો યજ્ઞ કરવા લાગ્યા હતા અને તેઓને યોગ્ય પુષ્કળ ભોજન વગેરે તૈયાર કર્યું હતું. તે સમયે માસખમણના પારણે હરિકેશીબલમુનિ યજ્ઞમંડપમાં દાખલ થયા. તેમને સન્મુખ આવતાં જોઈને બ્રાહ્મણોએ કહ્યું કે ‘અરે! આ પ્રેત જેવો, મલથી મલિન દેહવાળો અને નિંદ્ય વેષ ધારણ કરવાવાળો કોણ યજ્ઞમંડપને મલિન કરવા આવેલો છે ?’ તે વખતે મુનિએ આવીને ભિક્ષા માટે બ્રાહ્મણો પાસે યાચના કરી. તે સાંભળીને અનાર્ય બ્રાહ્મણોએ કહ્યું કે ‘અરે દૈત્યરૂપ! યજ્ઞમંડપમાં તૈયાર કરેલું અન્ન બ્રાહ્મણોને દેવા યાગ્ય છે, શુદ્ર કરતાં પણ અધમ એવા તને એ અન્ન કેમ અપાય? વળી જે અન્ન બ્રાહ્મણોને અપાય છે તેનું પુણ્ય તો સહસ્રગણું થાય છે, અને તને આપેલું અન્ન તો રાખમાં ઘી હોમવા જેવું છે, માટે અહીંથી ચાલ્યો જા. તું અહીં શા માટે ઊભો છે ?’ એ પ્રમાણે બ્રાહ્મણોએ મુનિનો ઉપહાસ કર્યો.