________________
૨૧૪
ઉપદેશમાશ “આ કોલસા છે એવું નહીં જાણવાથી પશ્ચાત્તાપ કરવા લાગ્યા કે “અરે! અંઘકારમાં અમે અજાણતાં કોઈ જીવને ચાંપી નાંખ્યા એ પ્રમાણે કહી પુનઃ પુનઃ મિથ્યા દુષ્કૃત દેવા લાગ્યા અને પછી સંથારામાં જઈને સુઈ ગયા. એવામાં રુદ્રદેવાચાર્ય પોતે લઘુ શંકા કરવા ઊડ્યા, તેના ચરણથી પણ કોલસા દબાયા એટલે તેનો શબ્દ સાંભળી વઘારે વઘારે ચાંપવા લાગ્યા અને મુખેથી બોલ્યા કે “આ અહંતના જીવો દબાયાથી પોકાર કરે છે. એવું વચન વિજયસેનસૂરિએ સાંભળ્યું. તેથી તેમણે પ્રાતઃકાળે રુદ્રદેવના શિષ્યોને કહ્યું કે “આ તમારા ગુરુ અભવ્ય છે, માટે તમારે તેને છોડી દેવા જોઈએ. તે સાંભળી તેઓએ રુદ્રદેવને ગચ્છની બહાર કર્યા પછી તે પાંચસો શિષ્યો નિરતિચાર સંયમ પાળી પ્રાંતે સમાધિથી મૃત્યુ પામી દેવપણે ઉત્પન્ન થયા.
ત્યાંથી અવીને તેઓ વસંતપુર નગરમાં દિલીપ રાજાને ઘેર પાંચસો પુત્રો થયા. અનુક્રમે તેઓ યુવાવસ્થા પામ્યા. એક વખત તે પાંચસો રાજપુત્રો ગજપુર નગરમાં કનકધ્વજ રાજાની પુત્રીના સ્વયંવરમાં ગયા હતા. તે વખતે અંગારમકાચાર્યનો (રુદ્રદેવનો) જીવ સંસારમાં પરિભ્રમણ કરતાં ઊંટપણે ઉત્પન્ન થયો હતો, તે પણ ત્યાં આવ્યો હતો. અત્યંત ભારના આરોપણથી દુઃખી થતો તે ઊંટ મોટેથી બરાડા પાડતો હતો. “આણે પૂર્વ ભવમાં શું અશુભ કર્મ કર્યું હશે?” આ પ્રમાણે વારંવાર ચિંતવન કરતાં તે પાંચસો રાજપુત્રોને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. તેથી તેઓએ પોતાના પૂર્વ ભવનું સ્વરૂપ જોયું, એટલે તેઓ બોલ્યા કે “અરે! આ અમારો પૂર્વ ભવનો અભવ્ય ગુરુ ઊંટપણે ઉત્પન્ન થયો છે. કર્મની ગતિ વિચિત્ર છે. આણે પૂર્વ ભવમાં જ્ઞાન મેળવ્યું હતું, પણ શ્રદ્ધા વિનાનું હોવાથી તે નિષ્ફળ થયું તેથી તે આવી અવસ્થાને પામ્યો છે, અને હજુ તે અનંતા જન્મમરણ કરશે.' એ પ્રમાણે કહી દયા આવવાથી તે ઊંટને તેના માલિક પાસેથી છોડાવ્યો.
પછી તે પાંચસો રાજપુત્રો વિચારવા લાગ્યા કે “આ સંસાર અનિત્ય છે. કિંપાકના ફુલ જેવા અને ચિરપરિચિત એવા ભોગથી સર્યું. હસ્તીના કર્ણ જેવી ચંચળ આ રાજ્યલક્ષ્મીને ધિક્કાર છે!” આ પ્રમાણે વૈરાગ્યપરાયણ થઈ તેઓએ ચારિત્ર ગ્રહણ કર્યું. પ્રાંતે સર્વે સદ્ગતિના ભાજન થયા.
આ પ્રમાણે સુશિષ્યો બીજા ભવમાં પણ ઉપકારી થાય છે, એવો આ કથાનો ઉપદેશ છે.
* संसारवंचणा न वि, गणंति संसारसूअरा जीवा।
सुमिणगएण वि केई, बुझंति पुष्फचूलाव्व ॥१७॥ અર્થ–“સંસારમાં આસક્ત શૂકર જેવા જીવો સંસારની વંચનાને ગણતા નથી (વિષયાસક્ત જીવો વિષયને જ સારભૂત ગણે છે); અને કેટલાક (લઘુકર્મી જીવો) સ્વપ્નમાં દેખવા માત્રથી પણ પુષ્પચૂલાની જેમ પ્રતિબોઘ પામે છે.”