________________
૩૦૮
ઉપદેશમાળા હે સાઘુ! આ તારી કંથા બહુ શ્લથ (જીણ) કેમ છે?” “હે રાજા! આ કંથા નથી, પણ મત્સ્યને મારવા માટે પકડવાની જાળ છે.” “અરે! શું તું મત્સ્ય પણ ખાય છે?” “હા, મદિરાના ઉપદંશથી તે (મસ્યો) ખાઉં છું.” “અરે! શું મદ્ય પણ પીએ છે?” “હા, વેશ્યા સાથે પ્રીતિ હોવાથી તેની સાથે પીવું પડે છે.” “ત્યારે શું તું વેશ્યાગમન પણ કરે છે?” “હા, શત્રુઓના ગળા ઉપર બે પગ મૂકીને વેશ્યા પાસે જાઉં છું.” “અરે! શું તારે શત્રુઓ પણ છે કે?” “હા, રાત્રે ચોરી કરું છું, તેથી. શત્રુઓ પણ છે.” “અરે! તું ચોરી પણ કરે છે?” “હા, દ્યુત (જુગાર) રમું છું, તેથી પૈસાને માટે ચોરી પણ કરું છું.” “અરે! ત્યારે શું તું જુગારી પણ છે પણ જુગારી થવાનું કારણ શું?” “હે રાજા! હું દાસીપુત્ર છું તેથી જુગારી થયો છું.”
આવાં અનેક ઉત્તરો આપવા વડે ઘણી રીતે રાજાની પરીક્ષા કરી, પણ રાજા સમ્યકત્વથી ચલિત થયો નહીં અને સાધુ ઉપરના રાગથી ભ્રષ્ટ થયો નહીં, ત્યારે તે દેવ ગર્ભવતી સાધ્વીનું રૂપ ગ્રહણ કરી, સર્વ અલંકારો પહેરી, માથે ગૂંથી, તેલ નાંખી કપાળે ચાંદલો કરી રાજાની સન્મુખ આવ્યો. તેને જોઈ રાજાએ પૂછ્યું કે “તું સાધ્વી છે, છતાં આ ગર્ભ વગેરે ક્યાંથી?” તેણે ઉત્તર આપ્યો કે “સર્વ સાધ્વીઓ આવાં જ કામો કરે છે. ત્યારે રાજાએ કહ્યું કે “તારે જ આવો માઠો કર્યોદય વર્તે છે, બીજા કોઈ પણ સાધુ સાધ્વી સર્વથા તારા જેવા હોતી જ નથી. આ પ્રમાણે ઉત્તર મળવાથી, રાજાનું ચિત્ત જરા પણ ચલિત થયું નથી એમ જાણીને. દર્દીરાંકદેવે પ્રત્યક્ષ થઈ રાજાની પ્રશંસા કરી, અને રાજાને એક હાર અને બે ગોળા આપી તે દેવ સ્વર્ગે ગયો. રાજાએ હાર ચેલણા દેવીને આપ્યો અને બે ગોળા નંદા રાણીને આપ્યાં. નંદાએ, ચેલણાને હાર આપ્યો ને પોતાને માત્ર બે ગોળા આપ્યા તે જોઈ, ક્રોઘ પામીને તે બન્ને ગોળા ઈર્ષાથી થાંભલા સાથે અફળાવ્યા. એટલે તે ફૂટી જવાથી એક ગોળામાંથી બે કુંડલ નીકળ્યા અને બીજામાંથી બે દિવ્ય વસ્ત્રો નીકળ્યાં. તે જોઈ નંદા રાણી અત્યંત હર્ષ પામી.
રાજાએ કપિલા દાસીને બોલાવીને કહ્યું કે “તું સાધુઓને દાન આપ.” તેણે કહ્યું કે “હે રાજા! મને એ કામ બતાવશો નહીં, હું બીજું બધું કામ કરીશ, પણ એ કામ કરીશ નહીં.” તે સાંભળી રાજાએ બળાત્કારથી તેને હાથે દાન અપાવ્યું, ત્યારે તે દાન આપતી આપતી બોલી કે “આ દાન હું આપતી નથી, પણ શ્રેણિક રાજાનો આ ચાટવો દાન આપે છે. પછી તેને તજી દઈને રાજાએ કાલસૌકરિકને બોલાવીને કહ્યું કે તું પાડા મારવાનું કામ મૂકી દે.” તે બોલ્યો કે હે રાજા! હું પ્રાણથી પણ પ્રિય એવી હિંસાનો ત્યાગ નહીં કરું.” તે સાંભળીને રાજાએ તેને એક અંઘકપમાં નાંખ્યો. ત્યાં પણ તેણે કાદવની માટીના પાંચસો પાડા ચીતરીને માર્યા. તે જાણીને રાજાએ વિચાર્યું કે ખરેખર જિનેશ્વરનું વચન સત્ય છે, તે મિથ્યા થાય જ નહીં.”