________________
૨૫૮
ઉપદેશમાળા
કરાવ્યો. તે જોઈને ચેલણા હર્ષ પામી. તે વાડીમાં સર્વ (છયે) ઋતુઓનાં ફળ અને પુષ્પો હતા. રાજાના સુભટો તેની રક્ષા કરવા માટે રાત્રિદિવસ ત્યાં રહેતા હતા. તેથી તે વાડીમાંથી એક પાંદડું પણ લેવા કોઈ શક્તિવાન થતું નહોતું.
હવે તે નગરમાં કોઈ એક વિદ્યાવાન ચંડાલ રહેતો હતો. તેની સ્ત્રીને ગર્ભના પ્રભાવથી કાર્તિક માસમાં આમ્રફળનું ભક્ષણ કરવાનો દોહદ થયો. તેણે તે દોહદ પોતાના ઘણીને જણાવ્યો. ચંડાલે વિચાર્યું કે “આજ અકાળે આમ્રફળ માત્ર રાજાના દેવનિર્મિત ઉદ્યાનમાં જ છે, બીજે કોઈ પણ સ્થાને નથી.’ એમ વિચારીને રાત્રિને વખતે તે ચંડાળ તે ઉદ્યાન તરફ ગયો. કિલ્લાની અંદર ચોકી હોવાથી તે કિલ્લાની બહાર જ ઊભો રહ્યો. પછી તેણે અવનામિની વિદ્યાના બળથી આમ્રવૃક્ષની શાખા નીચે નમાવી ફળો તોડી લીધાં, અને પછી ઉન્નામિની વિદ્યા વડે પાછી હતી તેમ શાખા ઊંચી કરી દીધી. એ રીતે ફળો લઈને તે વડે પોતાની સ્ત્રીનો દોહદ તેણે પૂર્ણ કર્યો. પ્રાતઃકાળે આમ્રફળ વિનાની શાખા તથા તેની નીચે કિલ્લાની બહાર માણસનાં પગલાં જોઈને રક્ષકોએ તે વૃત્તાંત રાજાને નિવેદન કર્યું. રાજાએ સર્વત્ર ચોરની શોઘ કરાવી, પણ ચોર હાથ લાગ્યો નહીં; એટલે રાજાએ અભયકુમારને બોલાવીને કહ્યું કે “આમ્રફળના ચોરને પક્ડી લાવ.” અભયે કહ્યું કે ‘બહુ સારું, લાવું છું,' એમ કહીને અભયકુમાર ચૌટામાં ગયો. ત્યાં ઘણા લોકો નટની રમત જોવા એકઠા થયેલા હતા. તેમની પાસે જઈને અભયે કહ્યું કે “હે લોકો ! આ નટ જ્યાં સુધીમાં નાટક શરૂ કરે નહીં તેટલામાં હું એક કથા કહું તે સાંભળો.’” બધા લોકો સાંભળવા લાગ્યા, એટલે અભયકુમારે નીચે પ્રમાણે કથા કહી.
“પુણ્યપુર નગરમાં ગોવર્ધન નામે શ્રેષ્ઠી રહેતો હતો. તેને યુવાવસ્થાએ પહોંચેલી સુંદરી નામની કુમારિકા પુત્રી હતી. તે સુંદરી રૂપ અને યૌવનથી અત્યંત સુંદર લાગતી હતી. તે હંમેશાં યોગ્ય વરની પ્રાપ્તિ માટે કોઈ એક વાડીમાંથી છાની રીતે પુષ્પો લઈને તે વડે કામદેવ નામના યક્ષની પૂજા કરતી હતી. એકદા તે વાડીના માળીએ તેને પુષ્પો ચૂંટતી જોઈ. એટલે તેનો હાથ પકડી, તેને માથે ચોરીનું કલંક મૂકી માળી બોલ્યો કે ‘હે સ્ત્રી! જો તું મારું કહેવું કરે તો તને છોડી દઉં, નહીં તો રાજા પાસે લઈ જઈશ.’ ત્યારે તે બોલી કે ‘હે મિત્ર! કહે.’ માળી બોલ્યો કે ‘તારે મારી કામક્રીડા સંબંધી વાંચ્છા પૂર્ણ કરવી.’ કન્યા બોલી કે ‘સાંભળ, હજુ સુધી હું કુમારિકા છું. આજથી પાંચમે દિવસે મારા લગ્ન થવાના છે. તે દિવસે હું પરણ્યા પછી તરત જ તારી પાસે આવી પછી મારા સ્વામી પાસે જઈશ.' માળીએ તે વાત કબૂલ કરી, એટલે તે સુંદરી પ્રતિજ્ઞાપૂર્વક વચન આપીને પોતાને ઘરે આવી.
પાંચમે દિવસે પાણિગ્રહણ થયું. પછી તે સુંદરી પતિ પાસે ગઈ. ત્યારે પ્રથમ તેણે માળી પાસે કરેલી પ્રતિજ્ઞા પોતાના સ્વામીને નિવેદન કરી. તે સાંભળીને તેના