________________
૨૧૬
ઉપદેશમાળા
સાંભળીને આશ્ચર્ય પામેલી રાણીએ પૂછ્યું કે ‘હે સ્વામી! શું આપે પણ એવું સ્વપ્ન જોયું છે કે જેથી મેં સ્વપ્નમાં જેવાં નરકનાં દુઃખો જોયાં હતાં તેવાં જ આપે કહ્યાં?” આચાર્યે કહ્યું કે ‘અમે સ્વપ્નમાં તો જોયાં નથી, પણ આગમના વચનથી તે જાણીએ છીએ.' પછી રાણીએ પૂછ્યું કે ‘કયા કર્મથી એવાં દુઃખો પ્રાપ્ત થાય છે?’ ગુરુએ કહ્યું કે ‘પાંચ આસ્રવના સેવનથી અને કામ-ક્રોધ વગેરે પાપાચરણથી પ્રાણીઓને નરકનાં દુઃખો પ્રાપ્ત થાય છે.’ ઇત્યાદિ કહીને ગુરુ પોતાને સ્થાનકે ગયા.
ફરી બીજે દિવસે પુષ્પચૂલાની માતાનો જીવ જે દેવ હતો તેણે રાણીને સ્વપ્નમાં દેવતાઓનાં સુખ બતાવ્યાં. પ્રાતઃકાળે રાણીએ તે સ્વપ્નની હકીક્ત રાજાને કહી. તેથી રાજાએ અન્ય દર્શનીઓને બોલાવીને પૂછ્યું કે ‘સ્વર્ગનાં સુખ કેવાં હોય છે?' તેઓએ કહ્યું કે ‘હે રાજન્! ઉત્તમ પ્રકારનાં ભોજન, શ્રેષ્ઠ વસ્ત્રપરિધાન, પ્રિયજનસંયોગ, ઉત્તમ અંગનાઓ સાથે વિલાસ ઇત્યાદિ સ્વર્ગનાં સુખો છે.’ ત્યારે રાણીએ કહ્યું કે ‘જે સ્વર્ગનાં સુખો મેં સ્વપ્નમાં જોયાં છે તેમની સાથે સરખાવતાં તમે કહેલાં સુખો અસંખ્યાતમે ભાગે પણ આવી શકતાં નથી.’ પછી અર્ણિકાપુત્ર આચાર્યને બોલાવીને સ્વર્ગસુખનું સ્વરૂપ પૂછ્યું. તેણે રાણીએ સ્વપ્નમાં જોયેલાં સુખો જેવાં જ સ્વર્ગના સુખો કહી બતાવ્યાં. રાણીએ પૂછ્યું કે ‘એવાં સુખો કેવી રીતે મેળવાય ?’ ગુરુએ કહ્યું કે ‘યતિધર્મ પાળવાથી મેળવી શકાય.’ પછી ધર્મનું સર્વ સ્વરૂપ જાણવાથી પુષ્પચૂલાને વૈરાગ્ય ઉત્પન્ન થયો, તેથી તેણે ચારિત્ર ગ્રહણ કરવા માટે પતિની આજ્ઞા માગી. ત્યારે રાજાએ કહ્યું કે ‘તું મને અતિ પ્રિય છે. મારાથી તારો વિયોગ સહન થઈ શકશે નહીં, તેથી હું તને દીક્ષા ગ્રહણ કરવાની આશા કેવી રીતે આપી શકું?’ રાણીએ ઘણા ઉપદેશ વડે રાજાને વાળ્યો, ત્યારે રાજાએ કહ્યું કે જો દીક્ષા ગ્રહણ કરી અહીં જ રહે અને મારા ઘરની ભિક્ષા લે તો હું તને દીક્ષા ગ્રહણ કરવાની આજ્ઞા આપું.' રાણીએ એ બાબત કબૂલ કરી અને અર્ણિકાપુત્ર આચાર્ય પાસે દીક્ષા લીધી. પછી તે ત્યાં જ રહીને રાજાને ઘેરથી દ૨૨ોજ ભિક્ષા લે છે અને શુદ્ઘ ચારિત્રધર્મ પાળે છે.
એક દિવસ અર્ણિકાપુત્ર આચાર્યે બાર વર્ષનો દુષ્કાળ પડવાનું જ્ઞાનવર્ડ જાણી સર્વ યતિઓને જુદી જુદી દિશાઓમાં મોકલી દીધા અને પોતે નહીં ચાલી શકાવાથી ત્યાં જ રહ્યા. પુષ્પચૂલા સાધ્વી દરરોજ ગુરુને આહાર લાવી આપે છે અને પોતાના પિતાની જેમ તેમની સેવા કરે છે. એ પ્રમાણે પ્રતિદિન ગુરુભક્તિપરાયણ રહેતાં પુષ્પચૂલાને શુભ ઘ્યાનના યોગથી કેવળજ્ઞાન ઉત્પન્ન થયું તો પણ તે ગુરુને આહાર વગેરે લાવી આપે છે.
એક વખત મેઘ વરસતો હતો, છતાં પણ પુષ્પચૂલા સાધ્વી ભિક્ષા લઈને આવી. તેને ગુરુએ કહ્યું કે ‘હે વત્સે ! તું આ શું કરે છે ? એક તો હું એકસ્થાનવાસી