________________
૧૭૪
ઉપદેશમાળા
કુમકનું દૃષ્ટાંત
રાજગૃહ નગરમાં કોઈએક ઉત્સવમાં સર્વ લોકો વૈભારગિરિ ઉપર ઉજાણીએ ગયા હતા. તે વખતે કોઈ ભિક્ષુક ભોજનની ઇચ્છાથી નગરમાં ભમતાં ભોજન નહીં મળવાથી વનમાં આવ્યો. ત્યાં પણ તે સર્વત્ર ભટક્યો, પણ અંતરાય કર્મના ઉદયથી તેને કોઈએ ભિક્ષા આપી નહીં; તેથી તે બધા પર ગુસ્સે થઈ વિચારવા લાગ્યો કે “અરે ! આ નગરના લોકો અતિ દુષ્ટ છે. કારણ કે તેઓ ખાય છે, પીએ છે, ઇચ્છા મુજબ ભોજન કરે છે, પરંતુ મને જરા પણ ખાવાનું આપતા નથી. તેથી હું વૈભારગિરિ ઉપર ચડી મોટી શિલા ગબડાવીને આ સર્વ દુષ્ટોને ચૂર્ણ કરી નાંખું.”
એ પ્રમાણે વિચાર કરતો તે રૌદ્રધ્યાનથી વૈભારગિરિ પર ચડ્યો અને ત્યાંથી એક મોટી શિલા ગબડાવી. તે શિલાને પડતી જોઈ બધા લોકો દૂર ભાગી ગયા. પરંતુ તે જ ભિક્ષુક દુર્ભાગ્યને લીધે તે ગબડતી શિલાની નીચે આવી ગયો અને તેના ભારથી દબાઈ તેનું આખું શરીર ચૂર્ણ થઈ ગયું અને તે રૌદ્ર ધ્યાનવડે મૃત્યુ પામી સાતમી નરકે ગયો. અહો ! મનનો વ્યાપાર કેવો બળવાન છે! કહ્યું છે કે
मनोयोगो बलीयांश्च भाषितो भगवन्मते । यः सप्तमी क्षणार्द्धेन नयेद्वा मोक्षमेव च ॥
“સર્વ યોગોમાં મનનો યોગ બળવાન છે, એ પ્રમાણે ભગવાને કહ્યું છે, કારણ કે તે મનનો યોગ અર્ધ ક્ષણમાં સાતમી નરકે લઈ જાય છે અથવા મોક્ષે પણ લઈ જાય છે.’' વળી—
मन एव मनुष्याणां कारणं बन्धमोक्षयोः । यथैवालिंग्यते भार्या, तथैवालिंग्यंते स्वसा ॥
“મનુષ્યોને બંધ તથા મોક્ષનું કારણ મન જ છે. કારણ કે જેવી રીતે ભાર્યાનું આલિંગન કરાય છે તેવી જ રીતે (મળતી વખતે) બહેનને પણ આલિંગન કરાય છે.’’ (પરંતુ તેમાં મનના વિચારનો જ તફાવત છે.)
.
એવી રીતે જેમ તે ભિક્ષુકે રૌદ્રધ્યાનથી નરકનું દુઃખ મેળવ્યું તેવી રીતે બીજા પણ નરકનું દુઃખ મેળવે છે; માટે મનથી પણ ભોગની ઇચ્છા ન કરવી, એવો આ કથાનો ઉપદેશ છે.
भवसयसहस्स दुलहे, जाइजरामरण सागरुत्तारे ।
जिणवयणम्मि गुणायर, खणमवि मा काहिसि पमायं ॥ १२३ ॥
અર્થ—‹à ગુણાકર (જ્ઞાનાદિ ગુણોના ભંડાર)! લાખો ભવે પણ પામવા દુર્લભ અને જન્મજરામરણરૂપ સમુદ્રથી પાર ઉતારનાર એવા જિનવચનમાં ક્ષણ માત્ર પણ પ્રમાદ ન કરીશ.’’ અર્થાત્ પ્રમાદ તજીને જિનવચન આરાધવા યોગ્ય છે.