________________
૧૮૫
(૪૩) ચૂલણી રાણીનું દ્રષ્ટાંત
ચૂલણી ગણીનું દ્રષ્ટાંત કાંપિલ્યપુર નગરમાં બ્રહ્મ નામે રાજા હતો. તેને ચૂલણી નામે રાણી હતી. તેની કુક્ષિથી ચૌદ સ્વપ્નવડે સૂચિત પુત્ર જન્મ્યો. તેનું બ્રહ્મદત્ત નામ પાડવામાં આવ્યું. હવે બ્રહ્મરાજાને બીજા ચાર રાજાઓ મિત્ર હતા–પહેલો કુરુદેશનો રાજા કણેરદત્ત, બીજો કાશીદેશનો અઘિપતિ કટકદત્ત, ત્રીજો કોશલપતિ દીર્ઘ રાજા અને ચોથો અંગપતિ પુષ્પચૂલ રાજા. પાંચમો પોતે હતો. એ પાંચને પરસ્પર અતિ ગાઢ મૈત્રી હતી. તેઓ ક્ષણમાત્ર પણ એકબીજાનો વિયોગ સહન કરી શકતા નહોતા. તે પાંચે જણા પ્રતિવર્ષ અનુક્રમે એક એકના શહેરમાં જઈને સાથે રહેતા હતા.
એ પ્રમાણે એક વખત પાંચે રાજાઓ કાંપિલ્યપુરમાં એકઠા મળ્યા હતા. તે વર્ષે બ્રહ્મ રાજા મસ્તકના વ્યાધિથી પરલોક્વાસી થયા. તે વખતે બ્રહ્મદત્ત કુમાર બાર વર્ષ જેવી લઘવયનો હતો. તેથી ચારે મિત્રોએ વિચાર્યું કે “આપણા પ્રીતિપાત્ર પરમમિત્ર બ્રહ્મરાજા પંચત્વ પામ્યા છે અને તેનો પુત્ર નાનો છે, માટે આપણામાંથી એકેક જણે દરવર્ષે આ રાજ્યની રક્ષા કરવા માટે અહીં રહેવું.” એ પ્રમાણે વિચાર કરી દીર્ઘ રાજાને ત્યાં મૂકી બીજા ત્રણ રાજાઓ પોતપોતાને નગરે ગયા.
દીર્ઘ રાજાએ ત્યાં રહેતા સતા બ્રહ્મરાજાના કોઠાર અને અંતઃપુરમાં જતાંઆવતાં એક દિવસે નવયૌવના ચૂલણી રાણીને જોઈ, તેથી તે કામરાગથી પરાધીન થયો. ચૂલણી પણ દીર્ઘ રાજાને જોઈને રાગવતી થઈ. બન્નેને પરસ્પર વાતચીત થતાં મહાન કામરાગ ઉત્પન્ન થયો, તેથી તે બન્નેને પરસ્પર શરીરસંબંધ થયો. અનુક્રમે દીર્ઘ રાજા પોતાની સ્ત્રીની માફક ચલણી રાણીની સાથે ભોગ ભોગવવા લાગ્યો. તેણે કોઈનો ભય ગણ્યો નહીં. લોકાપવાદનો ડર પણ તજી દીઘો.
ઘનુ નામના વૃદ્ધ મંત્રીએ આ બધી હકીકત જાણી, તેથી તે મનમાં વિચારવા લાગ્યો કે “અરેરે! આ દુષ્ટ દીર્ઘ રાજાએ બહુ જ અવિચારી કામ કર્યું. બીજા ત્રણ મિત્રોએ પણ શો વિચાર કરીને એને રાજ્યનો અધિકાર સોંપ્યો હશે? એમણે પણ વિપરીત કાર્ય કર્યું. આ દીર્ઘ રાજા પોતાના મિત્રની સ્ત્રી સાથે વ્યભિચાર કરતાં લજ પણ પામતો નથી.” એ પ્રમાણે વિચારી ઘેર આવી પોતાના પુત્ર વરધનુને આ હકીકત જણાવી. તેણે જઈને બ્રહ્મદત્તને આ વાત કહી. તે સાંભળી બ્રહ્મદત્ત અતિ ક્રોધિત થઈ રક્ત નેત્રવાળો થયો. . પછી દીર્ઘ રાજા સભામાં બેઠો હતો ત્યાં જઈને કોકિલા ને કાગડાનો સંગમ કરાવી તે કહેવા લાગ્યો કે “અરે દુષ્ટ કાગ! તું કોકિલની સ્ત્રી સાથે સંગમ કરે છે એ 'અતિ અયુક્ત છે. આ તારું અયોગ્ય આચરણ હું સહન કરીશ નહીં.' એમ કહી કાગડાને હાથમાં પકડી મારી નાંખ્યો અને લોક સમક્ષ કહ્યું કે “જે કોઈ આવું દુષ્ટ કાર્ય મારા નગરમાં કરે છે અથવા કરશે તેને હું સહન કરીશ નહીં.” એ સાંભળીને