________________
ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-૩૯૭
૨૫ વિરમણ વગેરે ચારના અને રાત્રિભોજનવિરમણ વ્રતના અતિચારો કઈ રીતે પ્રાપ્ત થાય છે તે બતાવે છે – ઉત્કૃષ્ટ, મધ્યમ અને જઘન્ય અતિચારો થાય છે. જેમ કોઈ સાધુ મૃષાવાદાદિ દોષોના પરિવાર માટે શક્ય યતના કરતા હોય છતાં અનાભોગ કે સહસાત્કારથી ક્યારેક કોઈક અસત્ય વચનપ્રયોગ થાય અને તે સાધુ તરત જ તે ભાવથી નિવર્તન પામે તો જઘન્ય અતિચાર થાય, કોઈક વાર જાણવા છતાં સંયોગને અનુરૂપ મૃષા બોલે તો મધ્યમ અતિચાર થાય અને જો વ્રતની મર્યાદાનું સ્મરણ કર્યા વગર જે વખતે જે બોલવું ઉચિત જણાય તે બોલે તો ઉત્કૃષ્ટ અતિચાર થાય; કેમ કે મૃષાવાદ વિરમણ વ્રત પ્રત્યે નિરપેક્ષ ઇચ્છાનુસારે બોલે છે.
વળી મૃષાવાદ વિરમણ આદિ વ્રતોના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવને આશ્રયીને અતિચારો પ્રાપ્ત થાય અર્થાત્ જે દ્રવ્ય, ક્ષેત્રાદિ જે પ્રમાણે હોય તેનાથી વિપરીત કહે તો મૃષાવાદ થાય. વળી તેના અવાંતર ભેદો તરતમતાના યોગથી અનેક પ્રકારે પ્રાપ્ત થાય છે, તે પ્રમાણે સાધુને કર્મબંધ થાય છે.
આ રીતે પાંચ મહાવ્રત અને છઠું રાત્રિભોજન વિરમણ વ્રત એ મૂલગુણવિષયક અતિચારો કહ્યા પછી ઉત્તરગુણના અતિચારો અનેક પ્રાપ્ત થાય છે તે બતાવે છે; કેમ કે પિંડવિશુદ્ધિ વગેરે વિષયક જે અતિચારો છે તે ઉત્તરગુણવિષયક છે. આથી જે સાધુ ભિક્ષા, વસતિ કે ઉપકરણ વગેરે માટે ઉચિત ગવેષણા કરતા હોય, છતાં આય-વ્યયનો વિચાર કર્યા વગર અથવા આય-વ્યયનો પોતાની મતિ પ્રમાણે જેમતેમ વિચાર કરીને દોષિત ભિક્ષા વગેરે ગ્રહણ કરે તેમને ઉત્તરગુણવિષયક અતિચાર લાગે છે અને તે ઉત્તરગુણ અનેક હોવાથી અનેક પ્રકારના અતિચારો થાય છે. તેથી આહારાદિ ગવેષણામાં કે સમિતિગુપ્તિ વગેરેમાં જે કંઈ સ્કૂલના થાય તે ઉત્તરગુણના અતિચાર છે.
વળી ચારિત્રના અતિચારો કહ્યા પછી દર્શન-જ્ઞાનના અતિચારો કહે છે; કેમ કે ચારિત્રની મોક્ષની સાક્ષાત્ કારણતા છે તેથી મોક્ષના અર્થી સાધુ માટે તેના અતિચારનું જ્ઞાન અત્યંત આવશ્યક માટે પ્રથમ બતાવેલ છે, ત્યારપછી દર્શન-જ્ઞાનના આઠ આઠ અતિચારો બતાવે છે, તેથી જે સાધુ જિનવચન વિષયક નિઃશંકિત વગેરે ભાવો વૃદ્ધિ પામે તે પ્રકારે સર્વજ્ઞએ કહેલા પદાર્થોને સ્થિર સ્થિરતર કરે છે, તેઓ દર્શનાચારના આચારોને સેવનારા છે અને તેને સેવવામાં જે કંઈ પ્રમાદ કરે છે, તે દર્શનના અતિચારો છે. વળી સુસાધુ મોક્ષના અર્થી છે, તેથી જ્ઞાનના કાલ-વિનય વગેરે આઠ આચારપૂર્વક સૂત્ર-અર્થ ભણવા સતત યત્ન કરે છે, તેઓ જ્ઞાનાચારને સેવે છે અને જેઓ વિદ્યમાન શક્તિને કાલ-વિનયાદિ આચારોમાં ફોરવતા નથી, તેઓ જ્ઞાનના અતિચાર સેવે છે. આ રીતે ચારિત્રાચાર, જ્ઞાનાચાર કે દર્શનાચારની વિપરીત પ્રવૃત્તિ જે સાધુ કરે છે તેમને અતિચાર લાગે છે અને રત્નત્રયની સમ્યગુ પ્રવૃત્તિ ઇચ્છતા સાધુએ નવું નવું જ્ઞાન ભણવા યત્ન કરવો જોઈએ અર્થાતું માત્ર ગ્રંથવાંચનથી સંતોષ માનવો જોઈએ નહિ, પરંતુ સંસારના ઉચ્છેદને અનુકૂળ માર્ગાનુસારી સૂક્ષ્મ બોધ થાય તે રીતે ભગવાનના વચનના પરમાર્થને જાણવા યત્ન કરવો જોઈએ; કેમ કે જ્ઞાનશૂન્ય સાધુની પ્રવૃત્તિ મોટા અનર્થ માટે છે અર્થાત્ દુરંત સંસારની પ્રાપ્તિનું કારણ છે. II૩૯ળા