________________
ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-૪૧૭–૪૧૮, ૪૧૯ ઇચ્છા અનુસાર પ્રાયશ્ચિત્ત આપે છે, તેવા સાધુ કઈ રીતે સંયમવૃદ્ધિમાં યત્ન કરી શકે ? અર્થાત્ કરી શકે નહિ. જેમ કોઈ મુસાફર સામાન્યથી નગરનો માર્ગ જાણતો હોય, વિશેષ ન જાણતો હોય તો ક્લેશ પામે છે, તેમ આવા ગુણથી રહિત સાધુ સર્વ પ્રવૃત્તિ કરીને મોહધારાની વૃદ્ધિ કરે છે, તેથી ક્લેશને પામે છે.
વળી દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવોના ગુણમાં સુંદર-અસુંદર દ્રવ્યાદિ હોય, તેમાં શું વિધિ છે તે સમગ્રને જાણતા નથી તે સાધુ કઈ રીતે સંયમવૃદ્ધિમાં યત્ન કરી શકે ? જેમ વિપરીત દ્રવ્યાદિ હોય ત્યારે કઈ રીતે સંયમના પરિણામોનું રક્ષણ કરવું જોઈએ અને સુંદર દ્રવ્યાદિ હોય ત્યારે કઈ રીતે ઉચિત પ્રયત્ન કરવો જોઈએ, જેથી સંયમની વૃદ્ધિ થાય તેનો જેને બોધ નથી, તેઓ સુંદર દ્રવ્યાદિમાં રાગ કરે છે અને અસુંદરમાં દ્વેષ કરે છે, જેનાથી સંયમનો વિનાશ થાય છે.
વળી દીક્ષાદાનનો ક્રમ શું છે, વ્રત આરોપણની મર્યાદા શું છે, સાધ્વીઓનું પ્રતિપાલન કયા ક્રમથી કરવું જોઈએ, તેની સમગ્ર વિધિ જાણતા નથી તેઓ દીક્ષા આપીને, વ્રત આરોપણ કરીને કે સાધ્વીઓનું પાલન કરીને પણ સ્વ-પરનો વિનાશ કરે છે; કેમ કે દીક્ષા આપવા માત્રથી કે વ્રત આરોપણ માત્રથી તેમનું કલ્યાણ થતું નથી, પરંતુ તેમનો સંયમનો પરિણામ જે રીતે વૃદ્ધિ પામે તે રીતે દીક્ષા આપવી જોઈએ, વ્રત આરોપણ કરવું જોઈએ અને સાધ્વીના સંયમપાલનની ચિંતા કરવી જોઈએ, તેવો બોધ નથી તેઓ દીક્ષા પ્રદાનથી કે વ્રત આરોપણથી તેનો વિનાશ કરે છે, સાધ્વીઓ પાસે પોતાનું કાર્ય કરાવીને સ્વપરનું અહિત કરે છે, તેનાથી સ્વ-પરનો મોહ વધવાથી સંસારના પરિભ્રમણની પ્રાપ્તિ થાય છે.
વળી, ઉત્સર્ગ-અપવાદને જાણતા નથી અર્થાત્ વિશેષ દ્રવ્યાદિ ન હોય તે વખતે સંયમજીવનની વૃદ્ધિ માટે શું કર્તવ્ય છે તે રૂપ ઉત્સર્ગને જાણતા નથી અને પ્રતિકૂળ દ્રવ્યાદિ હોય ત્યારે પણ ઉત્સર્ગ માર્ગના સેવનથી નિષ્પાદ્ય ભાવોનું કઈ રીતે રક્ષણ થાય, તેનો નિર્ણય કરીને અપવાદનું યોજન કરતા નથી, તેવા અજ્ઞ સાધુઓ મોક્ષમાં જવું છે તેવો સામાન્યથી બોધ હોવા છતાં તે માર્ગે જવાનાં અંતરાલ સ્થાનોનો બોધ નહિ હોવાથી માર્ગમાં અનેક બાધાઓ પામીને ક્લેશોને પ્રાપ્ત કરે છે, જેથી ઇષ્ટ સ્થાનની પ્રાપ્તિ અતિદુર્લભ બને છે. I૪૧૭-૧૮ અવતરણિકા :
तस्मात् ज्ञाने यत्नो विधेय इति, तदर्थिना च गुरुराराधनीयो यत आहઅવતરણિકાર્ય :
તે કારણથી=સામાન્ય માર્ગ જાણનાર વિશેષ માર્ગ ન જાણતા હોય તો માર્ગમાં ક્લેશ પામે છે માટે મોક્ષમાર્ગનો બોધ કરવા માટે યત્ન કરવો જોઈએ. તે કારણથી, જ્ઞાનમાં યત્ન કરવો જોઈએ અને તેના અર્થીએ=જ્ઞાનના અર્થી સાધુએ, ગુરુની આરાધના કરવી જોઈએ, જે કારણથી કહે છે –