________________
ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-૪૨૫ થી ૪૨૮
૭૧
ફળ ચારિત્ર નથી, તેથી તે કષ્ટ આચરણા નિરર્થક છે, પરંતુ જેમને જિનવચનનો પારમાર્થિક બોધ છે, છતાં પ્રમાદવશ સ્વભૂમિકાની ઉચિત સંયમની પ્રવૃત્તિ કરતા નથી, તેથી તેઓ સંયમના પરિણામના સુખને પ્રાપ્ત કરી શકતા નથી માટે તેમનો બોધ નિરર્થક છે.
વળી તેઓ સાધુવેષને ગ્રહણ કરીને સંયમની થોડી કંઈક આચરણાઓ કરે છે, તે લિંગનું ગ્રહણ પણ સમ્યગ્દર્શન રહિત છે, કેમ સમ્યગ્દર્શન રહિત છે ? એથી કહે છે . જે જીવોનો બોધ ઉચિત પ્રવૃત્તિમાં દૃઢ યત્ન કરાવતો નથી, તે બોધ ૫૨માર્થથી તત્ત્વને જોવામાં શૂન્ય છે. આથી જ જે સાધુ સૂક્ષ્મ બોધને પામવા છતાં પ્રગટ પ્રતિસેવા કરે છે અર્થાત્ સંયમની વિપરીત આચરણા કરે છે અને જેઓ પૃથ્વીકાય આદિના રક્ષણને અનુકૂળ ઉદ્યમ કરતા નથી અને મહાવ્રતોમાં સમ્યગ્ ઉદ્યમ કરતા નથી. આથી જ તેઓ આગમનું લાઘવ કરનારા છે; કેમ કે આગમમાં જે નિષિદ્ધ છે, તેને સેવનારા છે માટે તેમનું સમ્યક્ત્વ નિઃસાર છે અર્થાત્ સમ્યગ્દર્શન જીવને હંમેશાં તત્ત્વનો યથાર્થ બોધ કરાવે છે અને જેમને સ્પષ્ટ તત્ત્વ દેખાય છે કે સંયમમાં ઉત્થિત થઈશ તો મને વર્તમાનમાં ઉપશમનું સુખ પ્રાપ્ત થશે. આમ છતાં જેઓ સંયમમાં ઉત્થિત થતા નથી, તેમનું સમ્યગ્દર્શન અસાર છે, તેથી તેમનો સંયમનો વેષ કે સંયમની આચરણા સમ્યગ્દર્શન રહિત હોવાથી આત્મહિતનું કારણ બનતી નથી.
વળી જેઓ સમ્યજ્ઞાનવાળા નથી અને કષ્ટકારી આચરણા કરે છે, તેમનામાં તો જ્ઞાન અને ચારિત્ર બન્ને નથી, તેથી તેમનું લિંગનું ગ્રહણ સમ્યગ્દર્શન શૂન્ય જ છે, પરંતુ શાસ્ત્રના સૂક્ષ્મ બોધવાળા પણ પ્રમાદી સાધુનું લિંગનું ગ્રહણ સમ્યગ્દર્શનથી શૂન્ય છે.
વળી જેઓ સમ્યબોધ હોવા છતાં સંયમની આચરણામાં હીન છે અને તપનાં કષ્ટો વેઠે છે અર્થાત્ સંયમની ઉચિત યતનાને ગૌણ કરીને ચાર મહિનાના ઉપવાસ વગેરે કરે છે, તેઓ તેલને ખરીદનારા કાંસિકબોદ્ર જેવા છે અર્થાત્ ઘણા તલ આપીને થોડું તેલ મેળવે તેવા મૂર્ખ પુરુષ જેવા છે; કેમ કે જે સાધુ તપનું ઘણું કષ્ટ વેઠે છે તેના દ્વારા અલ્પ ફળને મેળવે છે, તેના બદલે જો તે મહાત્મા સંયમમાં ઉદ્યમશીલ થાત તો ચારિત્રના પરિણામના બળથી તેમનું જ્ઞાન પણ મોક્ષનું સાધક થાત, છતાં તે મહાત્મા ચારિત્રના શ્રમને છોડીને તપની આચરણાનાં કષ્ટોને કરે છે તે તેમની અજ્ઞાનતાનું કાર્ય છે. જો કે સમ્યજ્ઞાનવાળા પુરુષો હંમેશાં તત્ત્વને જોનારા હોય છે, તેથી તેમને મોક્ષનો ઉપાય સંયમ જ દેખાય છે અને તે સંયમને અતિશય કરવા માટે તપ છે પ્રાયઃ તેવો બોધ હોય છે. આમ છતાં જ્ઞાની પુરુષને પણ ક્યારેક કોઈક વિષયમાં તથા પ્રકારનો ઊહ પ્રવર્તતો નથી, ત્યારે તપ પ્રત્યે અતિશય વલણ થાય છે, તેના કારણે સંયમનો યત્ન છોડીને કઠોર તપ કરે છે. જેમ બાહુબલી મહાત્મા સૂક્ષ્મ બોધવાળા હતા અને કેવળજ્ઞાન માટે ધ્યાનમાં દૃઢ યત્ન કરવા તત્પર થયા, છતાં કેવલી એવા પોતાના નાના ભાઈઓને નમસ્કાર કરવામાં બાધક માન-કષાય ઉત્પન્ન થયો અને તે ત૨ફ ઉપયોગ નહિ જવાથી તેની ઉપેક્ષા કરીને ધ્યાનમાં યત્ન કર્યો, તેમ શાસ્ત્રના સૂક્ષ્મ બોધવાળા પણ મહાત્મા કોઈક નિમિત્તથી અત્યંત તપને અભિમુખ થાય છે ત્યારે સંયમની આચરણા ગૌણ કરે છે, તેઓ પણ ઘણા વ્યયથી અલ્પ ફળને પ્રાપ્ત કરે છે અર્થાત્ ચારિત્રના મહાફળનો નાશ કરીને તપના અલ્પ ફળને પ્રાપ્ત કરે છે.