________________
પાતંજલ યોગસૂત્ર ભાગ-૧ | સંકલના
પાતંજલયોગસૂત્ર ભાગ-૧ની સંકલના
મોક્ષમાર્ગને માનનારા સર્વદર્શનકારોને મોક્ષમાં વિવાદ નથી, પરંતુ મોક્ષના ઉપાયોમાં તે તે દર્શનનો કાંઈક ભેદ પણ છે અને કાંઈક સામ્ય પણ છે.
પતંજલિઋષિએ મોક્ષમાર્ગ બતાવવા અર્થે ચાર વિભાગમાં યોગસૂત્રની રચના કરેલ છે : (૧) સમાધિપાદ, (૨) સાધનપાદ, (૩) વિભૂતિપાદ અને (૪) કૈવલ્યપાદ.
સમાધિપાદમાં યોગનું લક્ષણ બતાવીને કઈ રીતે યોગમાં યત્ન થઈ શકે તેનું વિસ્તારથી વર્ણન સાધનપાદમાં કરેલ છે. સમાધિપાદમાં યોગનું લક્ષણ કર્યા પછી યોગ ચિત્તવૃત્તિના નિરોધરૂપ હોવાથી ચિત્તની વૃત્તિઓનું સ્વરૂપ બતાવેલ છે અને ચિત્તની વૃત્તિઓનો નિરોધ કઈ રીતે થઈ શકે તેનું વિસ્તારથી વર્ણન કરેલ છે, જેથી ચિત્તવૃત્તિઓનો યથાર્થ બોધ કરીને તેના નિરોધ માટે યત્ન કરવાની દિશા પ્રાપ્ત થઈ શકે છે.
વળી જેમ ચિત્તવૃત્તિનિરોધરૂપ યોગ છે તેમ પાતંજલમતાનુસાર સંપ્રજ્ઞાતસમાધિ અને અસંમજ્ઞાતસમાધિ પણ મોક્ષનું કારણ છે, તે સંપ્રજ્ઞાતસમાધિની પ્રાપ્તિ કઈ રીતે થઈ શકે અને તે સંપ્રજ્ઞાતસમાધિની પ્રાપ્તિમાં વિનો કયા કયા છે અને તે વિનોનો જય કરવા શું શું કરવું જોઈએ તેનું વિસ્તારથી વર્ણન પ્રથમ સમાધિપાદમાં કરેલ છે.
આ સમાધિપાદ ઉપર જૈનદર્શનની માન્યતાનુસાર ક્યાં ક્યાં સામ્ય છે અને ક્યાં ક્યાં વિરોધ આવે છે તેનો કાંઈક બોધ કરાવવા અર્થે કેટલાંક સૂત્રો ઉપર પૂજય મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ સાહેબે ટિપ્પણી બનાવી છે, જેના બળથી યુક્તિ અને અનુભવ અનુસાર મોક્ષના ઉપાયભૂત સમાધિનાં સ્વરૂપનો યથાર્થ બોધ થાય છે.
પ્રથમ સમાધિપાદમાં અંતરંગ મોક્ષને અનુકૂળ પરિણામસ્વરૂપ સમાધિનું વર્ણન કરેલ છે, તે સમાધિની પ્રાપ્તિનો ઉપાય ક્રિયાયોગ છે, તેથી બીજા સાધનપાદમાં પતંજલિઋષિએ ક્રિયાયોગનું વર્ણન કરેલ છે. આ ક્રિયાયોગનું સેવન સમાધિને અનુકૂળ આત્માને ભાવિત કરવા માટે કરવાનું છે અને સંસારી આત્માઓમાં વર્તતા ક્લેશોને ક્ષીણ કરવા માટે કરવાનું છે, તેથી ક્રિયાયોગથી ક્ષીણ કરવા યોગ્ય ક્લેશોનું વિસ્તારથી સ્વરૂપ બીજા સાધનપાદમાં બતાવેલ છે.
વળી પાતંજલમતાનુસાર ક્લેશોનું મૂળ કર્ભાશય છે અને તેનાથી કઈ રીતે જન્મની પ્રાપ્તિ થાય છે, ભોગોની પ્રાપ્તિ થાય છે તેનું કાંઈક વિસ્તારથી સ્વરૂપ બીજા સાધનપાદમાં કરેલ છે.
વળી જીવ દ્વારા બંધાતું કર્મ પુણ્યાપુણ્યરૂપ છે, તે સર્વ કર્મનું ફળ પરમાર્થથી જીવની વિડંબણા જ છે તે બતાવવા અર્થે પુણ્યથી પ્રાપ્ત થતું ફળ કઈ રીતે દુ:ખરૂપ છે તેની વિસ્તારથી ચર્ચા બીજા સાધનપાદમાં કરેલ છે.