________________ પ્રતિષ્ઠા અંજનશલાકાનો પ્રભાવ શાંત-દાંત-ત્યાગી-તપસ્વી વિશુદ્ધ પ્રરૂપક સચ્ચારિત્રપાત્ર સૂરિવરોના વરદ હસ્તે શુભ મુહૂર્તે ઉલ્લાસ ઉમંગપૂર્વક ઉજવાયેલ અંજનશલાકા-પ્રતિષ્ઠા વિધિ એ પ્રદેશમાં રહેલ ભવ્યાત્માઓ ઉપર અજબ-ગજબનો ઉપકાર કરે છે. જૈનાચાર્યોના નાભિના નાદ પૂર્વકના મંત્રોચ્ચાર સમગ્ર વાયુમંડળને પ્રભાવિત કરે છે, દેવી-દેવતાઓનું સંવિધાન પ્રાપ્ત કરાવે છે, પુણ્ય પરમાણુઓનો પ્રચાર-પ્રસાર કરે છે, જ્યાં સુધી જિનબિંબ અને જિનાલય વિદ્યમાન રહે ત્યાં સુધી કલ્યાણની વણથંભી પરંપરાનું સર્જન કરે છે, જૈનોના આધ્યાત્મિક વિકાસની પંક્તિઓ ખુલ્લી મૂકે છે, જગતની આધિ-વ્યાધિ અને ઉપાધિઓનું શમન કરે છે, નિષ્કામ ભક્તિ કરનાર જિનભક્તને ઊંચામાં ઊંચા ભૌતિક સુખોનું પ્રદાન કરે છે, ઊંચામાં ઊંચા ભૌતિક સુખોમાં પણ આત્માના વૈરાગ્યને જીવતો ને જાગતો રાખે છે, જીવનમાં સદ્ગણોની સુરસરિતા અને શાંતિનો સમુદ્ર સર્જી આપે છે, કર્મોદયે જીવનમાં તૂટી પડતા દુ:ખના ડુંગરામાં ય જીવને દુઃખી બનતાં અટકાવે છે, સાગરની જેમ છલકાતા સુખમાં ય જીવને મલકાતા અટકાવે છે, સુખ અને દુઃખ, શત્રુ અને મિત્ર, સંપત્તિ અને આપત્તિ, અનુકૂળતા અને પ્રતિકૂળતા આ દરેક પરિસ્થિતિમાં સમાન ધી સમાધિ અપાવે છે. એટલું જ નહિ, પરંતુ મરણ સમયની અસહ્ય વેદના વચ્ચે પણ માંગવાનું મન થઈ જાય તેવી સમતા-સમાધિ પંડિતમરણ આપવા દ્વારા પરલોક-સદ્ગતિની પરંપરાને ઉજળી બનાવી આપે છે અને પ્રાંતે અનાદિકાળથી ચાલી આવતી રઝળપાટનો અંત લાવી અનંત દુ:ખથી મુક્તિ આપવા સ્વરૂપ - અનંત અક્ષય શાશ્વત સુખની પ્રાપ્તિ કરાવવા સ્વરૂપ પરમપદમોક્ષપદ આપે છે.