________________ ભગવન્! હું તો સાવ નાનો છું. છતાં વિશાળ એવા તમારા મનમાં તમે મને સમાવી શકતા નથી. કારણ આપ મને સ્થાન આપતા નથી. જ્યારે તે જગગુરુ ! અર્થાત્ જગતમાં સૌથી શ્રેષ્ઠ-મહાન એવા પણ તમને હું મારા મુઠ્ઠીભર હૈયામાં સમાવું છું. આ રીતે પ્રભુને આપણે હૈયામાં સમાવવાના છે - પ્રતિષ્ઠિત કરવાના છે. પરમાત્માએ આપણા કલ્યાણ માટે ટાઢ-ગરમી, ઉપદ્રવ-ઉપસર્ગ, પરીષહ બધું જ સહીને આપણને તરવાનો માર્ગ આપ્યો. આપણે પણ પરમાત્માની ભક્તિ માટે એ બાહ્ય પરિબળો - ઠંડી, ગરમી, વગેરેનો વિચાર કરવાનો નથી. દિવસો તો જોતજોતામાં વીતી ગયા. કાલે પ્રસંગ પણ પૂરો થઈ જશે. પરમ દિવસે દ્વારોદ્ઘાટન થશે. એની સાથોસાથ બધાના હૈયાંનાં બીડેલા દ્વારો ઉઘડી જવાં જોઈએ. ભગવાનના મંદિરમાં પેસતાં પહેલાં કાજો લઈ બધી સાફસૂફી કર્યા પછી જ પ્રવેશ કરાશે. તેમ દરેકે પોતપોતાના હૈયામાં રહેલ મિથ્યાત્વ- અવિરતિ-કષાયોઈન્દ્રિયોની ગુલામી-પ્રમાદ વગેરે રૂ૫ કચરો કાઢવાનો છે. જે ચડતા રંગે આ અવસરને માણ્યો છે તો દરેક પ્રણિધાન કરી લેવું જોઈએ કે આ ભવમાં સર્વવિરતિ પામ્યા વિના તો મરવું જ નથી. કેવળજ્ઞાન અને નિર્વાણની બાબતમાં આ ભવમાં આપણે ભગવાનની સાથે રહી શકીએ તેમ નથી. કેમ કે તે શક્ય નથી. પણ ઇચ્છીએ તો એ જ ભગવાને કહેલી-આદરેલી દીક્ષા સુધી તો જરૂર પહોંચી શકીએ. આજે આ મનોરથ કરો અને કદાચ દસ દિવસે હૈયું બંધ પડીને મરી પણ જશો તોય એ મનોરથની એવી તાકાત છે કે તમને મહાવિદેહ ક્ષેત્રમાં લઈ જઈ જરૂર સંયમ અપાવશે. ભગવાનના માતા-પિતાદિક બનેલા પુણ્યાત્માઓએ પણ હમણાં સુધી તો અનુકરણ કર્યું છે. આવતીકાલે દીક્ષાના પ્રસંગે તો દીક્ષા લેવા માટે એ કદાચ પહોંચી ન શકે એમ માની લઉં. પણ છેવટે આ ભવમાં તો દીક્ષા સુધી પહોંચી જ જવું છે, એમ નક્કી થઈ જવું જોઈએ. અહીં બેસેલી દરેક વ્યક્તિએ છેવટે એ માટે કોઈ નાનામાં નાનો પણ સંકલ્પ-નિયમ કરવો જ જોઈએ. ઘણાને મોટા નિયમની બીક લાગે માટે નાના નિયમની વાત કરી. મારા ગુરુદેવ પાસે એક ભાઈએ એવી જ માંગણી કરી. “સાહેબ ! મોટા નિયમ પળી શકે તેમ નથી. કોઈ નાનો હોય તો આપો ? ગુરુદેવે કહ્યું, “પળાશે ?' તો એક વાત કર. આજથી કોઈ પણ ચીજમાં મીઠું નહીં વાપરવું એવો નિયમ કરી લે. સમજ્યા ? છે નિયમ નાનો પણ કામ એનાથી ઘણું મોટું થઈ જાય. માટે સૌ કોઈ પ્રસંગના હાર્દને પામી પ્રભુના જીવનના ઊંચા આદર્શો આંખ સામે રાખી નાના-મોટા સંકલ્પો દ્વારા જીવનને સાર્થક કરી પરમપદના ભોક્તા બનો એ જ અભિલાષા. અંજનશલાકાનાં રહસ્યો પ૪