________________ મહાભાગ (!) પણ છે. પણ ખરેખર જેને હૈયે પ્રભુ હોય તેને પ્રભુને મળ્યા વગર ચેન પડે ? પ્રભુને ઓળખવાની મહેનત કોણે કરી ? એ મહેનત જ કરી નથી તો પ્રભુની આજ્ઞાને ક્યાંથી જાણી હોય ? આજ્ઞા ન જાણીએ તો પ્રભુની ભક્તિ કેવી રીતે કરશું ? પ્રભુની આજ્ઞાનું પાલન એટલે જ પ્રતિપત્તિપૂજા. એ જ શ્રેષ્ઠ પૂજા છે. અંગપૂજાથી અગ્રપૂજા, અગ્રપૂજાથી ભાવપૂજા અને ભાવપૂજાની પરાકાષ્ટા એટલે પ્રતિપત્તિપૂજા, જે પરમાનંદની ભેટ આપે છે. જેનું તાત્ત્વિક રીતે પરમાત્મા સાથે જોડાણ થઈ ગયું, તેનો સંસાર છૂટ્યો, વૃત્તિમાંથી સંસાર છૂટ્યો, તેને અહીં જ આ સંસારમાં જ પરમાનંદની સંપદા પ્રાપ્ત થાય છે. ચાર પ્રકારના યોગ છે. પ્રીતિયોગ, ભક્તિયોગ, વચનયોગ અને અસંગયોગ. પ્રભુની અંગપૂજા, અગ્રપૂજા અને ભાવપૂજા એ પ્રીતિ અને ભક્તિયોગમાં સમાય છે. પ્રભુની પ્રતિપત્તિપૂજા એ વચનયોગમાં સમાય છે. એના દ્વારા પ્રભુ સાથે સધાતું તાદાભ્ય, તદાકારતા એ અસંગયોગમાં સમાય છે. જેના પરિણામે આત્મા પરમાત્મરૂપ બની પરમાનંદનો અધિકારી બને છે. પહેલા એનો આસ્વાદ ચાખવા મળે છે અને પછી સંપૂર્ણ શાશ્વત અખંડ સહજ પરમાનંદ મેળવવા-ભોગવવા એ આત્મા મોક્ષે ચાલ્યો જાય છે. પ્રશમરતિમાં વાચકશ્રેષ્ઠ કહે છે - निर्जितमदमदनानां, वाक्कायमनोविकाररहितानाम् / विनिवृत्तपराशानां, मोक्षोऽत्रैव महात्मनाम् / / અર્થ : જેણે અહંકાર અને કામને હરાવી દીધા છે, જે વાણી, કાયા અને મનના વિકારો રહિત બન્યા છે, જેણે પારકી આશા-અપેક્ષાને હઠાવી દીધી છે, તેવા મહાત્માઓને અહીં - આ સંસારમાં જ મોક્ષ પ્રાપ્ત થાય છે.' એ જ જીવનમુક્તાવસ્થા. એ જ સંસારમાં મળતી પરમાનંદ અવસ્થા. પ્રભુની નિષ્કપટ ભક્તિના યોગે આવી પરમાનંદની સંપદા તમે-અમે આપણે સહુ પામીએ એ જ શુભાભિલાષા. 114 અંજનશલાકાનાં રહસ્યો