________________ પ્રભુનો દીક્ષા સમય નજીક આવ્યો. સ્વયંબુદ્ધ પ્રભુ સંસાર-સ્થિતિ વિચારવા લાગ્યા. મનુષ્યજન્મની દુર્લભતા અને ભોગકર્મની નિ:સારતાનો પ્રભુએ વિચાર કર્યો. પ્રભુનો નિષ્ક્રમણકાળ જાણી લોકાંતિક દેવો દોડી આવ્યા. વિનંતિ કરી - પ્રભુ ! આપ તીર્થ પ્રવર્તન કરો !" તિર્યર્જુભક દેવોએ ધનદ દેવની આજ્ઞાથી સર્વસ્થાનોમાંથી ધન લાવી લાવીને પ્રભુના રાજભવનને ભરી દીધું. પ્રભુએ પણ પ્રતિદિન એક કરોડ આઠ લાખ સોનૈયા પ્રમાણ ધન દાનરૂપે આપ્યું. એક વર્ષ સુધી આ ક્રમ ચાલ્યો માટે આ દાનનું નામ વર્ષીદાન પડ્યું. શ્રી સંભવપ્રભુની દીક્ષાનો માહોલ પ્રભુની દીક્ષાનો મહામહોત્સવ યોજવા ઇન્દ્રો દેવ-દેવી પરિવાર સાથે ભૂમિ પર અવતર્યા. દેવતાઓએ આણેલા તીર્થોદકથી પ્રભુનો અભિષેક કરાયો. અંગરાગ થયો. અંગોપાંગને આભૂષણોથી ભૂષિત કરાયાં. સિદ્ધાર્થી નામની શિબિકા રાજાઓએ બનાવી. ઇન્દ્રના આદેશથી દૈવી શિબિકા તેમાં સમાઈ અને શિબિકા તેજસ્વી બની. પ્રભુ શિબિકામાં સિંહાસનાધીન થયા. પ્રથમ રાજાઓએ ત્યારબાદ ઇન્દોએ શિબિકા ઉપાડી. નાચ, ગાન, સ્તુતિ-સ્તવ, ધવલ-મંગલ પ્રવર્તી. પુષ્પવૃષ્ટિ થવા લાગી. દેવતાઈ વાજિંત્રોના નાદથી આકાશ ભરાયું. જગદાનંદ પ્રભુ શ્રાવસ્તી નગરીના મધ્યમાંથી પસાર થઈ સહસામ્રવનમાં આવ્યા. હજારો આંબાનાં ઝાડ જ્યાં હોય તે ઉદ્યાનને સહસામ્રવન કે સહસાવન તરીકે ઓળખવામાં આવે છે. પ્રભુ સ્વયં શિબિકામાંથી નીચે ઉતર્યા. સ્વયં આભરણો, વસ્ત્રોનો ત્યાગ કર્યો. ઇન્દ્ર દેવદૂષ્ય ખભા પર સ્થાપ્યું. પ્રભુને છનો નિર્જલ તપ હતો. માગસર સુદ પૂનમનો એ દિવસ હતો. દિવસ ઢળવા તરફ હતો. પ્રભુએ ક્લેશને ઉખેડવારૂપ કેશલોચ કર્યો. પાંચ જ મુઠ્ઠીઓથી કરેલા લોચ બાદ પ્રભુના વાળને ઇન્દ્ર આદરથી લઈ ક્ષીરસમુદ્રમાં તેનું વિસર્જન કર્યું. ક્ષણમાં પાછા આવી ઇન્દ્ર સર્વત્ર શાંતિ પ્રસરાવી. પ્રભુએ સર્વસામાયિકની મહાપ્રતિજ્ઞા કરી. ત્યાં ત્યારે જ પ્રભુને ચોથું મન:પર્યવ જ્ઞાન ઉત્પન્ન થયું. અઢી દ્વીપમાં રહેલા સર્વ સંજ્ઞી પંચેન્દ્રિય મનુષ્યો અને તિર્યંચો આદિના મનને જોવા-જાણવાની પ્રત્યક્ષ શક્તિ પ્રભુ પામ્યા. પ્રભુ સાથે એક હજાર રાજાઓએ પણ સંસાર ત્યાગ્યો. ઇન્દ્ર પ્રભુની સ્તવના કરી. પ્રભુએ સ્તવના સાંભળી; વૈરાગી પ્રભુને ન રાગ થયો, ન દ્રષ. એ સ્વભાવમાં મગ્ન રહ્યા. 120 અંજનશલાકાનાં રહસ્યો