________________ સાધનાનો પણ એક માર્ગ છે, ઉપાસનાનો પણ એક માર્ગ છે, સેવાનો પણ એક માર્ગ છે. ત્યાગ અને તિતિક્ષાનો પણ એક માર્ગ છે. આમ અનેકવિધ માર્ગો વિદ્યમાન હોવા છતાં એ બધા જ માર્ગમાં સર્વોત્કૃષ્ટ માર્ગ ‘પરમાત્મ ભક્તિનો માર્ગ છે. જેના જીવનમાં તાત્ત્વિક પરમાત્મભક્તિ છે, તે સાધક પરમાત્મભક્તિના પ્રભાવે સ્વયં પરમાત્મ સ્વરૂપ પ્રાપ્ત કરે છે. જીવાત્માને પરમાત્મા બનાવવાનો જો કોઈ સરળ માર્ગ હોય તો તે પરમાત્મભક્તિ છે. બોધને કારણે, સામર્થ્યને કારણે, ગુણસંપત્તિ પ્રગટવાને કારણે, યોગદૃષ્ટિના વિકાસને કારણે કે, ગુણસ્થાનકની અપેક્ષાએ જીવોની કક્ષા વિધવિધ પ્રકારની હોય છે. તેથી પરમાત્મ-ભક્તિના પણ અનેક માર્ગ આગમાદિ શાસ્ત્રોમાં બતાવેલા છે. સાવ અજ્ઞાન-અલ્પજ્ઞ એવો સાધક પણ પરમાત્મપદ સુધી પહોંચી શકે તેવો ય પરમાત્મ-ભક્તિનો માર્ગ બતાવ્યો છે. મધ્યમ કક્ષાના સાધક માટે ય પરમાત્મ-ભક્તિનો માર્ગ બતાવ્યો છે. પ્રબુદ્ધ કક્ષાના સાધકો હોય કે અત્યંત વિશુદ્ધતાને વરેલા, સર્વ સંગને ત્યાગ કરી ચૂકેલા એવા શ્રેષ્ઠ શ્રમણ ભગવંતો હોય, દરેક માટે પરમાત્મ ભક્તિનો માર્ગ બતાવ્યો છે. કોઈ પણ વ્યક્તિ પરમાત્મ-ભક્તિ કરી પરમાત્મા સાથે મિલન કરી શકે છે, શરતો બે છે : 1 - પરમાનંદ મેળવવો છે અને એ માટે 2 - પરમાત્મમય બનવું છે. તેને માટે જે છોડવું પડે તે છોડવું છે ? મારા અને પરમાત્મા વચ્ચે કોઈ જ ન જોઈએ. પરમાત્મભક્તિ માટે પરમાત્માને પરમાત્મા સ્વરૂપે ઓળખાવા જોઈએ. જે એ રીતે ઓળખતા નથી તે પરમાત્માની ભક્તિ ક્યારેય કરી શકતા નથી. સાધકના જીવતરનો પ્રારંભ પરમાત્માને ઓળખવાથી થાય છે. જેમ બાળકના જીવનનો પ્રારંભ માને ઓળખવાથી થાય છે, તેમ સાધકના જીવનનો પ્રારંભ પરમાત્માને ઓળખવાથી થાય છે. બાળકને ખબર છે, મારી સલામતી માતાના હાથમાં છે, માતાના ખોળામાં છે, માતાની દૃષ્ટિમાં છે, માટે બાળક માને પ્રતિપળ ઝંખે છે. એને મા મળી તો બધું મળ્યું. મા ન મળી તો કશું જ ન મળ્યું. આ અનુભૂતિ હોય તે જ “મા”ને આરાધી શકે. પરમાત્મા પણ અધ્યાત્મ-જગતની “મા” છે. પરમાત્મા શબ્દમાં પણ છેલ્લો અક્ષર “મા” છે. રોજ દેરાસર ગયા, આંગી કરી, પૂજા ભણાવી, સ્નાત્ર ભણાવ્યું, પ્રભુ સામે બેસી ભક્તામરના પાઠ પણ ગણ્યા, સ્તોત્ર ગણ્યાં પણ પ્રભુને પ્રભુ તરીકે ઓળખવાનો પ્રયત્ન ક્યારે ય ન કર્યો. પ્રભુ સાથે નાતો બાંધવાનો પ્રયત્ન ક્યારે ય ન કર્યો. આ એક યોગસાધના છે. તેને માટે સમ્યક્ પુરુષાર્થ કરવો જરૂરી છે. પરમાનંદનું બીજ પરમાત્મભક્તિ 103