________________ પાલન, એ પ્રતિપત્તિપૂજા છે. એક કરતાં એક ચડિયાતી છે, એક એક કર્યા વિના બીજીમાં પ્રાયઃ ભલીવાર ન આવે. અંગપૂજા સાચી ન થાય. ત્યાં સુધી અગ્રપૂજા સાચી ન થાય. અગ્રપૂજા સાચી ન થાય. ત્યાં સુધી ભાવપૂજા સાચી ન થાય. ભાવપૂજા સાચી ન થાય ત્યાં સુધી પ્રતિપત્તિપૂજા સાચી ન થાય. મને હૃદયથી કહો કે શું તમારાં આંગણે પ્રભુની જરૂર નથી ? તમારાં આગણે પ્રભુ પધારે તે ગમતું નથી ? તમે કોના ? પરમાત્માના નહિ ? તમારા મા-બાપના ય નહિ ? માટે જ તો મા-બાપને પણ ઘરમાંથી કાઢ્યા ! કેટલા નગુણા પાક્યા ? આ સ્થિતિમાં પરમાનંદ તો નહીં મળે, આનંદ પણ નહીં મળે; એ લખી રાખો ! એક “કૃતજ્ઞતા' ગુણ પણ તમારામાં પ્રગટ્યો હોય તો પણ ભક્તિ કરતાં આવડી જાય. બાર મહિનામાં પ્રભુ ભક્તિના તમારા કલાકો કેટલા ? પ્રભુપૂજામાં તમારું પોતાનું - ગાંઠનું દ્રવ્ય કેટલું વપરાય? પત્નીને જે કંઈ આપો તે પોતાની મૂડીમાંથી આપો છો અને પ્રભુપૂજાનું દ્રવ્ય પોતાનું નહિ ? એ માટે પારકા દ્રવ્યનો ઉપયોગ ? જેને આટલી વસ્તુ સમજાઈ જાય તેને “પ્રભુભક્તિ-પ્રભુપૂજા દેવદ્રવ્યમાંથી કેમ ન થઈ શકે ? બીજાના દ્રવ્યથી કેમ ન થઈ શકે ? એ પ્રશ્ન જ ન થાય. પ્રભુની પૂજા વળી પ્રભુના પૈસાથી ? પ્રભુભક્તથી “દેરાસર નિભાવ ફંડ' - આ શબ્દ વપરાય ? દેરાસર કાંઈ નિભાવવાની વસ્તુ છે ? નિભાવ શબ્દ તો તે બોલે કે જેને પ્રભુ માથે પડ્યા લાગે. જે એમ કહે કે, ભગવાન તમારા એકલાના નથી, અમારા પણ છે, એમની ભક્તિનો લાભ એકલા તમે લઈ લો એ ન ચાલે, અમને ય એનો લાભ મળવો જોઈએ.’ આમ બોલી સામેથી રકમ આપવા આવે એના હૈયામાં ભક્તિના ઉછાળા હોય, ‘ભાઈ, દેરાસર માટે ફંડ આપો.” એમ વહીવટદારોને સંઘ આગળ કહેવું પડે. એ સૂચવે છે કે સંઘ ગણાતી વ્યક્તિઓના હૈયામાં ભક્તિ જ નથી, હૈયામાં પ્રભુનો વાસ જ નથી. પ્રભુભક્તના હાથમાં દેરાસરે જતાં પેટી ન હોય, પણ મોટો થાળ હોય. એમાં પણ કેવી સજાવટ હોય ? જેવી તમારી શક્તિ ને ભક્તિ એવી સામગ્રી હોય. ફરી ગોખી રાખો કે, પ્રભુ માટે કશું જ કરવાનું નથી, આપણે નહીં કરશું તો કોણ કરશે ? પ્રભુ બિચારા અપૂજ રહી જશે. આવા કોઈ તરંગોમાં રાચતા હો તો તે ખ્યાલ કાઢી નાખજો. પ્રભુ તો વીતરાગ છે, તમારી ભક્તિથી ન એ રાજી થાય અને ઉપેક્ષાથી ન એ નારાજ થાય. પ્રભુપૂજા તો પ્રભુના માધ્યમથી પ્રભુને નહિ પણ પોતાની જાતને રીઝવવા માટેનો એક પ્રયાસ છે. પ્રભુની ઉત્તમ પૂજા થાય ને આત્મા ખુશ થાય. પ્રભુનાં અંગ ઉપર અલંકાર લાગે ને એ જોઈ આત્મા ઝૂમી ઉઠે. પરમાનંદનું બીજ પરમાત્મભક્તિ 109