________________ કાંઈક જુદી જ વસ્તુ છે. સુખની પાછળ દુઃખ અને દુઃખની પાછળ સુખ : આ ચકરાવો ચાલ્યા જ કરે છે. પરંતુ આનંદમાં આ ચકરાવો હોતો નથી. આવો આનંદ મોક્ષમાં હોય છે, પણ જ્ઞાનીઓ કહે છે કે સંસારમાં પણ શ્રમણાચાર પાળનારા મહાત્માઓ આવો આનંદ નિરંતર ભોગવતા હોય છે. ઉપાધ્યાયજી મહારાજ કહે છે, મેં મારા સાધના જીવનમાં સમ્યજ્ઞાન, સમ્યગ્દર્શન અને સમ્મચારિત્રની સાધના દ્વારા ઘણો આત્મિક આનંદ ભોગવ્યો છે. છેલ્લી કક્ષાનો શ્રેષ્ઠ કક્ષાનો આનંદ તે છે પરમાનંદ. આ પરમાનંદની સંપત્તિ આપવાની તાકાત કઈ સાધનામાં છે ? કયા યોગમાં છે ? કઈ ક્રિયામાં છે ? કયા અનુષ્ઠાનમાં છે ? સતત એક જ શોધ કરી કે આ પરમાનંદની સંપત્તિ મને શેમાંથી મળશે ? સમસ્ત શ્રુતસાગરનું અવગાહન કર્યું. સમુદ્રના મંથન પછી દેવોને જેમ અમૃત લાધ્યું હતું, તેમ મને શ્રુતસમુદ્રનું મંથન કર્યા પછી આ અમૃત લાધ્યું છે. એ આનંદ નહિ પણ પરમાનંદની સંપત્તિ જેનાથી મળે તેવા કલ્પવૃક્ષનું બીજ છે; પરમાત્માની ભક્તિ, વીતરાગની ભક્તિ, સર્વજ્ઞની ભક્તિ, સર્વ દોષરહિત અને સર્વ ગુણસંપન્ન એવા જગતના નાથની ભક્તિ એ સર્વશ્રેષ્ઠ આનંદને આપનારી છે. સર્વજ્ઞ ભગવાનની ભક્તિ, અચિંત્ય શક્તિના સ્વામી પરમાત્માની ભક્તિ, ભવોદધિતારક, જગતના નાથ, જગતના બંધુ, જગતના ચક્ષુ એવા પરમાત્માની ભક્તિ, એ પરમાનંદની સંપદાનું બીજ છે. બીજ શબ્દના મુખ્ય બે અર્થ છે : એક વૃક્ષને ઉત્પન્ન કરનાર બિયારણરૂપ અને બીજો અર્થ છે : મંત્ર-વિદ્યાઓને સકલસફળ બનાવતા પ્રભાવશાળી મૂળ મંત્રપદો. જિનભક્તિ એ પરમાનંદદાયી કલ્પવૃક્ષનું બીજ છે, તેમ પરમાનંદદાયી મંત્રોનું પણ બીજ છે. પરમાત્માની ભક્તિ અનેક પ્રકારની છે, પણ મુખ્યતાએ ચાર વિભાગમાં વહેંચાયેલી છે. 1 - અંગપૂજા, 2 - અગ્રપૂજા, 3 - ભાવપૂજા, 4 - પ્રતિપત્તિપૂજા. દેવ અને દેવેન્દ્રો, વિદ્યાધરો અને વિદ્યાધરીઓએ આજે પણ સદેહે વિચરતાં મહાવિદેહ ક્ષેત્રનાં 20-20 તીર્થંકર પરમાત્માની સુંદર ભક્તિ કરીને; શ્રી ઋષભદેવથી માંડીને ભગવાન શ્રી મહાવીર પરમાત્મા જ્યારે અવનિતલને પાવન કરતા હતા ત્યારે અગણિત આત્માઓએ એમની ભક્તિ કરીને ભવનિસ્તાર કર્યો છે. આ પરમાત્મા આપણને સદેહે મળ્યા નથી. આપણે તેમની ભક્તિ કઈ રીતે કરવી ? એમની ઉપાસના કઈ રીતે કરવી? કલિકાલસર્વજ્ઞ આચાર્ય ભગવંત શ્રી હેમચંદ્રસૂરિ મહારાજે આપણી એ વેદના-વ્યથા-આંસુને લૂછવા સકલાર્ડની પહેલી ગાથાની રચના કરી. . અંજનશલાકાનાં રહસ્યો