________________ પ્રભુ ! તેં મને આંગળી પકડીને મારા સ્વરૂપનું ભાન કરાવ્યું, મારા આત્મિક સૌંદર્યની મને પીછાણ કરાવી, એમાં ઠરવાનો માર્ગ બતાવ્યો, આ બધો ઉપકાર પ્રભુ ! તારો જ છે. સાચું કહું તો અબજોની સંપત્તિ તારે ચરણે ધરી દીધા પછી પણ શી રીતે તારા ચરણે મેં મારું કાંઈક ધર્યું છે ? મારું હતું જ શું કે, તારા ચરણે ધરું. જે કાંઈ મને મળ્યું એ તો તારા પ્રભાવનું પરિણામ હતું. એટલે તારું જ હતું અને તારું જ તને સમર્પિત કર્યું. એમાં મેં શું કર્યું ? તારા જ પ્રભાવે મળેલી સામગ્રી, સાધનો અને સંપત્તિમાં મારાપણાની બુદ્ધિ કરીને હું પાપ બાંધતો હતો. એ મારાપણાની બુદ્ધિરૂપ પાપનો નાશ કરવા માટે તારું જ તને સમર્પિત કરવાનો પ્રભુ ! હું પ્રયત્ન કરું છું. તારી કૃપાના બળે પ્રભુ! મારો એ પ્રયત્ન સફળ થાઓ. ઉપકાર માનું છું પૂર્વાચાર્યાદિ મહાપુરુષોનો કે, પુદ્ગલની દુનિયામાં અટવાયેલા મને એ પુદ્ગલની દુનિયાથી છૂટવા તારી પૂજાનાં અનેક પ્રકારો બતાવ્યા છે. તેના સહારે પ્રભુ આજે તારી કેટલીક પૂજા કરવી છે, એ દ્વારા મારે મારા હૃદયને કાંઈક સંતોષવું છે. પૂ. મહોપાધ્યાયશ્રી સકલચંદ્રજી મહારાજા, કે જેની પ્રતિકૃતિ વચ્ચે બિરાજમાન છે. લાહોરમાં એ મહાપુરુષે જ્યારે પ્રતિષ્ઠાકલ્પની રચના કરી, હે પ્રભુ! તારા બિંબ-જિનાલયની કાયમી ભક્તિનું સંઘને એક મહાન આલંબન આપ્યું હતું. એ જ મહાપુરુષે એ સત્તરભેદી પૂજાની પણ રચના કરી હતી. એક રાત્રે કાયોત્સર્ગધ્યાનમાં રહી તારી ભક્તિના ભાવોમાં ઓળઘોળ થઈને સહજ અનુભૂતિના જ શબ્દો સરી પડ્યા. તેને કાવ્યમાં સાંકળી તેઓશ્રીએ આ પૂજા રચી હતી. એ સત્તરભેદી પૂજાની રસાળતા, મહાનતા તેમાં ધરબાયેલા ભાવોની અનુભૂતિ, એને જ્યારે અમને અને તમને સ્પર્શવા મળશે, ત્યારે થશે - કદાચ અહીં ગમે તેવા ઉત્તમ દ્રવ્યો લવાયાં હશે, પણ આ શબ્દો સાંભળીશું ત્યારે લાગશે કે, આ દ્રવ્યો કરતાં મહાપુરુષોના અનુભૂતિના આ શબ્દોની કિંમત કઈ ગુણી વધારે છે. કુમતની જાળમાં ફસાઈને જેમણે પોતાના જીવનમાં પરમાત્મા અને પરમાત્માના સ્થાપના નિક્ષેપાની ઘોર આશાતના કરી હતી, તેમને જ જ્યારે પ્રભુનો સાચો માર્ગ મળ્યો, નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવરૂપે રહેલા પ્રભુને જાણ્યા. ચારે ય નિક્ષેપે રહેલા પ્રભુ સાથે જ્યારે એકરૂપતા માણી, ભાવરૂપે નહીં મળેલા પ્રભુને સ્થાપનારૂપે પામીને ભાવાનુભવ કરવારૂપ ધન્યતા અનુભવી, પ્રભુપ્રતિમામાં રહેલા સાક્ષાત્ પ્રભુનો એમને જ્યારે સ્પર્શ થયો, ત્યારે શ્રી લગની લાગી છે પ્રભુ ! તારા મિલનની... 81