________________ આ એક જ એવો પરમપૂજ્ય નાથ છે કે, જે પૂજાના માધ્યમે ભક્તને-પૂજકને પોતે પોતા-સરખો બનાવે. પૂજાનાં અનેક પ્રકાર છે. જેવો સાધક, જેવી તમન્ના, એની તત્પરતા, અંતરંગ પરિણતિ, પરિણામધારા અને એનો વેગ. એના દ્વારા પૂજાનાં અસંખ્ય પ્રકારો બને છે. મહાપુરુષોએ આપણા જેવા બાળને આંગળી પકડી-પકડીને પ્રભુની સાથે સંબંધનો તાર સાધવા અનેક પૂજાનાં પ્રકારો બતાવ્યા છે. પુદ્ગલની દુનિયામાં રાચનારા આપણે પુદ્ગલની દુનિયાથી દૂર થઈને આત્મામાં ઠરી શકીએ એ માટે પુગલના સહારે થતી પ્રભુપૂજાનાં દ્રવ્ય પ્રકારો પણ બતાવ્યા છે અને જ્યારે પુદ્ગલનો સહારો છોડી આત્મભાવોમાં જ ઠરી શકીએ ત્યારે ભાવસામ્રાજ્યના સહારે થતી ભાવપૂજાનાં અનેક પ્રકારો પણ બતાવ્યા છે. દ્રવ્ય પણ એક આલંબન છે અને ભાવ પણ એક આલંબન છે. જેનાં સહારે ભક્ત પ્રભુની સાથે પોતાનો નાતો જોડી પ્રભુમય બનવાનું છે અને આગળ વધીને એના જ આલંબને - સ્વયં પ્રભુરૂપ બનવાનું છે. જ્યાં સુધી જીવન પુદ્ગલની દુનિયા સાથે બંધાયેલું છે, ત્યાં સુધી ઉત્તમ પુદ્ગલોનું પ્રભુનાં ચરણે સમર્પણ કરીને પુદ્ગલોની વાસનાઓનું વિસર્જન કરવાનું છે. પ્રભુનું આત્મસ્વરૂપ, પ્રભુનું આંતરસૌંદર્ય, સ્વભાવદશા, સ્વરૂપની પરિણતિ - આ બધું પ્રભુની પાસેથી આપણે પામવાનું છે. આપણા પ્રભુ કેવા મહાન છે ? એમણે જ બધું આપ્યું છે, છતાં પણ એ કહે છે - હું તમને કાંઈ આપતો નથી. બધું તમારી પોતાની પાસે જ છે અને એને તમારે પોતે જ પ્રગટ કરવાનું છે. આપણે ભગવાનને કહીએ કે, “હે પ્રભુ ! અગર જો આપે અમને રત્નત્રયીનો માર્ગ આપ્યો ન હોત, અમારી ચેતનાનું ભાન કરાવ્યું ન હોત, અમારા સ્વરૂપનો ખ્યાલ કરાવ્યો ન હોત તો બધું અંદર હોવા છતાં એ ખ્યાલ ન હોવાના કારણે, ચાર ગતિ ને ચોર્યાસી લાખ યોનિઓમાં અમે આજે પણ ચપ્પણીયું લઈને ભટકતા જ હોત અને એમ છતાં એ ભટકવાનું અમને ભાન ન હોત. અબજોપતિનો એકનો એક દીકરો, ઘરમાં અબજોની સંપત્તિ ભરેલી હોવા છતાં એનું જ્ઞાન-ભાન ન હોવાનાં કારણે હાથમાં ચપ્પણીયું લઈને ઘર-ઘર ભીખ માંગતો ભટકે તે કેવી કરુણાંતિકા ? ઠીક તેવી જ મારી પરિસ્થિતિ હોત. આજે મને ભટકવાનું જે ભાન થયું, તે ઉપકાર પ્રભુ, તમારો જ છે. ---------- અંજનશલાકાનાં રહસ્યો