________________ पूजनात् पूरकः श्रीणाम् / અર્થ : ‘એમનું પૂજન કરો ને દરેક રીતે આત્માને ન્યાલ કરનાર અત્યંતર-બાહ્ય બધી જ સમૃદ્ધિ મળે છે.” કલ્પવૃક્ષ તો આરાધો ત્યારે જ ફળ આપે, મારા પ્રભુ તો સ્વયં - દાતાર છે. જ્યારે મેં મારા પ્રભુને ઓળખ્યા પણ ન હતા, પીછાણ્યા પણ ન હતા, આરાધ્યા પણ ન હતા. ત્યારે પણ મારા એ પ્રભુએ, મારા એ નાથે મારા આત્મવિકાસની ચિંતા કરી હતી, મારા હિતની ચિંતા કરી હતી. જ્યારે હું છેક નિગોદમાં હતો ત્યારે પણ મારા એ પ્રભુએ મારા ઉદ્ધારનો સંકલ્પ કર્યો હતો. મેં હજી એમનાં દર્શન પણ કર્યા ન હતાં, પણ હું એમનાં દર્શન કરી શકું તેવી સ્થિતિમાં મારો એ પ્રભુ જ મને લઈ આવ્યો. મેં મારા પ્રભુની હજી પૂજા પણ કરી ન હતી, પણ હું એમની પૂજા કરી શકું એ સ્થિતિમાં મારો એ નાથ જ મને લઈ આવ્યો. મને પૂજાની ભૂમિકાએ પહોંચાડવાનું કામ પણ મારા પ્રભુના જ અનુગ્રહ થયું. એટલે કલ્પવૃક્ષ સાથે જ્યારે મારા પ્રભુને સરખાવું છું, ત્યારે એ સરખામણી માટે મારું હૈયું ઝટ કબૂલ નથી કરતું. છતાં એટલું કહીને સંતોષ માનીશ કે, મારા પ્રભુમાં જે કાંઈ છે, તે બધું ભલે કલ્પવૃક્ષમાં નથી, પણ કલ્પવૃક્ષમાં જે કાંઈ સારું છે, તે બધું તો મારા વીતરાગ-સર્વજ્ઞ પરમાત્મામાં છે જ. જ્ઞાની ભગવંતોએ કહ્યું છે કે, ઉપમા હંમેશા એકદેશીય હોય છે. એટલે જેની ઉપમા અપાતી હોય તેના એકાદ સારા કે નરસા અંશ સાથે જ સરખામણી શક્ય થતી હોય છે. સર્વાશે ઉપમા શક્ય જ નથી. સર્વાશે જ સરખામણી કરવી હોય તો કહી શકાય કે, મારા નાથ-સર્વજ્ઞ વીતરાગ પરમાત્મા એ સર્વજ્ઞ વિતરાગ પરમાત્મા જેવા છે. પ્રભુની તુલના-સરખામણી પ્રભુ સાથે જ થાય, બીજા સાથે નહીં. આ પ્રભુનાં દર્શન-વંદન-પૂજન અને પૂજાના તમામ પ્રકારો, દ્રવ્યપૂજા અને ભાવપૂજામાં સમાઈ જાય છે. ઘણા ગ્રંથોમાં પ્રભુપૂજાના ચાર ભેદ-પ્રકારો બતાવવામાં આવ્યા છે. 1 - અંગપૂજા, 2 - અગ્રપૂજા, 3 - ભાવપૂજા અને 4 - પ્રતિપત્તિપૂજા. આ ચાર ભેદ પૈકી પહેલા બે ભેદ : અંગપૂજા અને અગ્રપૂજાનો સમાવેશ દ્રવ્યપૂજામાં થાય છે અને ભાવપૂજા અને પ્રતિપત્તિપૂજાનો સમાવેશ ભાવપૂજામાં થાય છે. = -- -- -- -- -- -- -- -- -- -- -- -- -- -- અંજનશલાકાનાં રહસ્યો