________________ ધર્મદેશના ઝીલી, તે રાજા હોય કે મંત્રી, શ્રીમંત હોય કે સામાન્ય, દરેકને સંસારની અસારતાની એકસરખી પ્રતીતિ થઈ. દરેકના હૈયામાં સર્વવિરતિની પ્રતિષ્ઠા થઈ ગઈ, દરેકના હૈયામાં મુક્તિ મેળવવાની તાલાવેલી લાગી. માટે અનેક રાજવીઓએ રાજ્યનો ત્યાગ કર્યો. અનેક શ્રીમંતોએ સંપત્તિનો ત્યાગ કર્યો, ગરીબોએ દીનતાનો ત્યાગ કર્યો અને પરમાત્માનું સ્વામીત્વ સ્વીકાર્યું. સાધના કરી અને પરમપદ મેળવ્યું. જેની એ તાકાત ન હતી, તેમણે દેશવિરતિ સ્વીકારી. સર્વવિરતિના મનોરથ મજબૂત કર્યા અને મુક્તિનો પાયો મજબૂત કરી લીધો. ભૂમિકા સર્જી. ભગવાને મળેલા ભોગ સુખોનો ત્યાગ કરવાનું ભાન કરાવ્યું. પરમાત્માની એ અનુપમ વાણી જેણે જેણે ઝીલી, તે બધાનું જીવન સાર્થક થઈ ગયું. પરમાત્માએ જ્ઞાન દ્વારા નિર્વાણકાળ નજીક જાણ્યો અને વિહાર કરીને અપાપાપુરીમાં પધાર્યા. દેવે રચેલ સમવસરણમાં પરમાત્માએ અવિરતપણે સોળ પ્રહરની દેશના આપી. ચોવિહારો છટ્ટ પરમાત્માને હતો. તે ધર્મદેશનામાં જે જે વાત પરમાત્માએ કરી, તેમાંથી કેટલીક વાતો ઉત્તરાધ્યયન સૂત્રમાં સંકલિત કરવામાં આવી છે. તેમાં પરમાત્મા કહી રહ્યા છે કે, જ્યાં સુધી વિચારક દશા પેદા થતી નથી, ત્યાં સુધી સંસારની અસારતાની પ્રતીતિ થતી નથી. સંપત્તિવાળો હોય કે વિપત્તિવાળો હોય, પણ વિચારક દશાના અભાવે સંસારની અસારતાની પ્રતીતિ થતી જ નથી. જેમ સંસારની અસારતાની પ્રતીતિ થતી નથી, તેમ મોક્ષની મહાનતાની પ્રતીતિ પણ થતી નથી. જ્યારે વિચારે છે, ત્યારે આ બંને વાત સમજાય છે. આજે ઘણાના જીવનમાં ગમે તેટલા આપત્તિના ડુંગર તૂટી પડે, છતાં પણ તેમને સંસારની અસારતાની પ્રતીતિ થતી નથી. તેનું કારણ એક છે કે, વિચારક દશાનો અભાવ છે. જેને વિચારક દશાના પ્રભાવે સંસારની અસારતાની પ્રતીતિ થાય છે, તેને જ મુક્તિની મહાનતા સમજાય છે. જેને મુક્તિની મહાનતા સમજાય છે, તેને મુક્તિનાં સાધનો લેવાનું મન થાય છે. જેને મુક્તિનાં સાધનો લેવાનું મન થાય છે, તેને મુક્તિનાં સાધનો જ્યાં તે જાણવાનું મન થાય છે. બાકીનાને મનુષ્ય જીવનની દુર્લભતા, ધર્મશ્રવણની આવશ્યકતા, શ્રદ્ધાતત્ત્વની અનિવાર્યતા અને ચારિત્ર જીવનની શ્રેષ્ઠતા સમજાતી જ નથી. જે આત્માને સંસારની અસારતા અને મોક્ષની મહાનતા સમજાઈ હશે, તેને સંસારથી છૂટીને મુક્તિને પામવાની તીવ્ર તાલાવેલી લાગી હશે, મુક્તિને પ્રાપ્ત કરવા માટેના સાધનો કયાં ? તેવી જિજ્ઞાસા જેના અંજનશલાકાનાં રહસ્યો 53