________________ હવે આ ધ્યાન કરવું કઈ રીતે એનો જવાબ ચૈત્યવંદન મહાભાષ્ય નામના મહાગ્રંથમાં વાદિવેતાળ આચાર્યશ્રી શાંતિસૂરીશ્વરજી મહારાજા આપી રહ્યા છે. અદ્ભુત રચના છે એ એમની. એમાં પરમાત્માનાં પરિકરનું શું મહત્ત્વ છે, તે ધ્યાનમાં કેવી રીતે ઉપયોગી બને છે - ભાવનાયોગમાંથી ધ્યાનયોગમાં લઈ જવાની સક્ષમતા એમાં કઈ રીતે છે, તે બધી વાતો એ મહાપુરુષે એમાં વિગતવાર કરેલી છે. અરિહંત પરમાત્માની પ્રતિમાને અરિહંત તરીકે પૂજવી હોય તો એમના પરિકરની અનિવાર્યતા છે. જો એ જ અરિહંત પરમાત્માના બિંબને સિદ્ધ તરીકે પૂજવું હોય તો પરિકરની આવશ્યકતા નથી. પ્રસંગવશાત્ બીજી પણ એક વાત કરી દઉં. જિનાલયના શિખર ઉપર ધજા હોય. એમાં જિનાલયના મૂળનાયક જો અરિહંત સ્વરૂપી હોય અર્થાત્ કે પરિકરવાના હોય તો ધજામાં જે પટ્ટા કરવામાં આવે છે, તેમાં સૌથી વચલો પટ્ટો અરિહંતના શ્વેત વર્ણાનુસાર શ્વેત-સફેદ રાખવો અને બાકીના પટ્ટા લાલ રાખવા. જો મૂળનાયક સિદ્ધ સ્વરૂપી હોય અર્થાત્ કે પરિકર વિનાના હોય તો વચલો પટ્ટો સિદ્ધના વર્ણાનુસાર લાલ રંગનો અને બાકીના શ્વેત રંગના કરવા. આ મુજબ છે જે ભગવાનનાં શિખરો હોય તેના ઉપરની ધજાઓમાં વચ્ચે તે રંગનો પટ્ટો રાખવો. આ વિધિની પાછળ પણ એક મહાન હેતુ રહેલો છે. દૂરથી જ ધજાના દર્શન કરનારને આ અહંતુ ચૈત્ય છે કે સિદ્ધ ચૈત્ય છે તેની ખબર પડી જાય. આ પરિકરમાં ભગવાનના જીવન સંબંધી દરેક મુખ્ય ઘટનાઓનું નિદર્શન કરવામાં આવેલું હોય છે. આજ સુધી કદાચ તમારું લક્ષ્ય કાળજીથી એ તરફ ગયું નહિ હોય, પણ હવે પછી જ્યારે પણ તમે જિનાલયમાં જાઓ અને પરિકરનાં દર્શન કરો ત્યારે આ વાત ખાસ કાળજીથી નોંધજો. પ્રભુને ઈન્દ્રો મેરુ ગિરિ પર સ્નાત્રાભિષેક માટે લઈ જાય છે, તે બાલ્યાવસ્થાનું ધ્યાન ધરવા માટે પરિકરમાં સૌથી ઉપર કળશધારી દેવો બતાવવામાં આવેલા હોય છે. પરમાત્માની આંગી-શોભા-અંગ શૃંગાર જ્યારે કરવામાં આવે છે, પ્રતિમાને અલંકાર-મુકુટ આદિથી વિભૂષિત કરવામાં આવે છે, એ પરમાત્માની રાજ્યવસ્થા છે. સમગ્ર રાજ્યવસ્થાનું એનાથી ધ્યાન ધરવાનું છે. એ રાજ્યવસ્થાનું ધ્યાન પણ કઈ રીતે કરવું તે ધર્મગ્રંથોમાં બતાવવામાં આવેલું છે. પ્રભુના મસ્તક પર કેશ ન હતા. પ્રભુએ પંચમેષ્ઠી કેશલોચ કરેલો. માટે કેશરહિત મસ્તકની અવસ્થા જોઈને પરમાત્માની શ્રમણાવસ્થાનું ધ્યાન ધરવાનું છે. અંજનશલાકાનાં રહસ્યો