________________ તો થાય. જ્યારે જિન બિંબ સૌને માટે સુલભ માધ્યમ છે. બાળ હોય કે બુધ હોય, બાળ હોય કે વૃદ્ધ હોય સૌ કોઈ માટે તરવાનું મઝાનું આલંબન જિનબિંબ છે. માટે જ શાસ્ત્ર કહે છે, દરેક સાધકના આંગણે જિનમંદિર જોઈએ, જિનબિંબ જોઈએ. મારે મારા પરમાત્મા સાથે હૈયાફૂટી વાત કરવી છે... ક્યાં કરાય ? સંઘમંદિરમાં તો ઘણી મર્યાદાઓ નડે. તો એના માટે ઘરમંદિર છે. ત્યાં તમે ગમે ત્યારે તમારા પ્રભુ સાથે વાતો કરી શકો છો. મારે મારા પરમાત્માની આગળ રાવણ અને મંદોદરીએ નૃત્ય-વાજિંત્ર પૂજા કરી તેમ કરવું છે. સંઘ મંદિરમાં ન કરી શકો. એ માટે ઘરમંદિર જોઈએ. કષાય વ્યાપી ગયો. ધમધમાટી થઈ ગઈ. શાંત થવું છે. કલાક-બે કલાક ઉપશમના રસમાં ઝીલવું છે. સંઘમંદિરમાં તેટલી અનુકૂળતા કદાચ ન રહે, એ માટે ઘરમંદિરની જરૂર છે. હૈયું ભરાઈ આવ્યું - રડી લેવું છે - પોક મૂકીને હૈયું ખાલી કરવું છે, પરમાત્મા આગળ. પણ ક્યાં રડું ? સંઘમંદિરમાં બધાની સામે ભાવ પ્રગટતો નથી તેવો. અલાયદી મુલાકાત જોઈએ પ્રાણપ્યારા પરમાત્મા સાથે. ક્યાં મળશે ? તો ઘરમંદિરમાં. મારા ઘરનાં નાનાં નાનાં ભૂલકાંઓને નાનપણથી જ દર્શન-પૂજાના સંસ્કારો આપવા છે, એ માટે પણ ઘરદેરાસર અનુકૂળ રહે. ઘરના બધા મેમ્બર ભેગા મળી ભક્તિ કરે એવી ભાવના થાય છે તો ઘરના આંગણે જિનમંદિર બનાવવું જ જોઈએ. જેથી ભક્તિના તમારા તમામ મનોરથ પૂરા થઈ શકે. સાધુ-સાધ્વીજી ભગવંતની ઘરે પધરામણી કરવી છે. વિનંતી કરું છતાં ય લાભ મળતો નથી. મેળવવો છે લાભ ? જો ઘરમાં જિનમંદિર હોય તો જરૂર લાભ મળે. પૂજ્ય ગુરુ ભગવંતો તમારા ગૃહાંગણે જરૂર પધારી શકે. આવા તો કેટલાય ફાયદા છે ગૃહમંદિરના. મહાનુભાવ તમારો આ લોક અને પરલોક બેય સુધરી જશે, એક ઘરમંદિરની સ્થાપના કરવાથી. પઉમચરિય નામનો એક અદ્ભુત ગ્રંથ આપણે ત્યાં છે. જૈન રામાયણનો આદ્ય ગ્રંથ. પૂ.આ.શ્રી વિમલસૂરિજી મહારાજે બનાવેલો. એમાં વર્ણન આવે છે. ગામમાં મરકી-મારી ફેલાઈ ગઈ. લોકો ટપોટપ મરવા લાગ્યાં. પણ જે ઘરમાં જિનમંદિર-જિનપ્રતિમા હતી એ ઘર એમાંથી બાકાત રહ્યાં. બાહ્ય ઉપદ્રવોને ટાળવાની જો આવી તાકાત વિધિથી સ્થાપેલ ઘરમંદિરો ધરાવતાં હોય તો અત્યંતર રાગ-દ્વેષ-ઈન્દ્રિયોની ગુલામી-કષાયોની પરવશતા આ બધા દોષોને ભસ્મસાત્ કરી જીવનને નંદનવન જેવું કેમ ન બનાવી શકે એ ગૃહમંદિરો? પ્રત્યેક શ્રાવકે કમ સે કમ એક જિનમંદિર અને જિન મૂર્તિનું જીવનમાં અવશ્ય નિર્માણ કરાવવું જોઈએ. શ્રાવકનું જીવનનું એ એક અનિવાર્ય કર્તવ્ય છે. શ્રાદ્ધ અંજનશલાકાનાં રહસ્યો 7)