________________ આજે અવસરે અમે કોઈને પૂછીએ કે, “ભાઈ ! ધાર્મિક અભ્યાસ કેટલો કર્યો છે ?' તો અમને કહે, “મહારાજ સાહેબ ! ભણવા જેવું લગભગ બધું ભણી ગયો છું” અને મારા પરમતારક, પરમશ્રદ્ધેય, પરમગુરુદેવને 85-95 વર્ષની ઉમરે પણ સૂત્રો ગોખતા અને નવા નવા ગ્રંથોનું અધ્યયન કરતા અમે જોયા છે. એમને ભણતા જોઈને એકવાર કોઈકે પૂછ્યું કે, “સાહેબ ! આપ તો મહાજ્ઞાની છો, ગીતાર્થ મૂર્ધન્ય છો, આપને હવે શું ભણવાનું બાકી હોય ?' તો એ મહાપુરુષ કહેતા, “ભાઈ ! હવે જ તો ભણવાની શરૂઆત કરી છે. સાગરમાંથી હજુ બિંદુ જેટલું ભણ્યા છીએ, મહાસાગર જેટલું બાકી છે.” અને બે-ચાર પુસ્તકો વાંચીને અમારા આ પુણ્યાત્માઓ કહે કે “સાહેબ ! કરવા જેવો લગભગ બધો અભ્યાસ કરી લીધો છે !' ભગવાન મહાવીર પરમાત્માના જીવનમાં જ શાળાગમનની આ ઘટના બની હતી. બીજા કોઈ પરમાત્માના જીવનમાં બની નથી, પણ અંજનવિધાનમાં સર્વસામાન્ય વિધિરૂપે આ વિધાન કરાય છે. પરમાત્મા યુવાવસ્થામાં આવ્યા, યુવાવસ્થાની જેટલી વિકૃતિઓ કહેવાય તેમાંથી એક પણ વિકૃતિ પરમાત્માને સ્પર્શતી નથી. એકપણ વિકૃતિ મનમાં વચનમાં કે કાયામાં સ્પર્શતી નથી. તેમના આત્માના પ્રદેશ પ્રદેશે અને શરીરને પ્રત્યેક રૂંવાટે સતત વિરક્તિનો મહાસાગર રેલાતો હોય છે. માતા-પિતાને એમની સામે લગ્નનો પ્રસ્તાવ મૂકવો હોય તો પણ મૂંઝવણ થાય કે એમની સામે લગ્નની વાત કેવી રીતે કરવી ? એમની માતા-પિતા ઉપર ધાક ન હતી. પરમ વિનીત હતા. છતાં તેમની આંતરિક પરિસ્થિતિ જ એવી હતી કે વિરક્તિના મહાસાગર આગળ રાગની વાત મૂકવી કેવી રીતે ? વર્ધમાનકુમાર સમક્ષ મા ત્રિશલાદેવી એ લગ્નનો પ્રસ્તાવ મૂકવો હતો તો સીધો પોતે ન મૂકી શક્યા, તેથી મિત્રો દ્વારા મુકાવ્યો. એમાં માતાએ સૂર પૂરાવ્યો, “અમારી પણ ઈચ્છા એવી તો ખરી જ !" શબ્દો ઓછા હતા, પણ શબ્દોમાં ભાર હતો. એ ભાર જોઈને પરમાત્માએ નિર્મળ અવધિજ્ઞાનનો ઉપયોગ મૂક્યો. પોતાનું ભોગાવલી કર્મ નિકાચિત જાણ્યું. મૌન રહ્યા. પોતાના કર્મ લગ્ન કરવાથી જ ખપે તેમ જોયાં. તેથી જ મૌન રહ્યા, નહિતર લગ્નનો નિષેધ જ કર્યો હોત. મિત્રો અને માતા-પિતાએ મૌનને સંમતિ માનીને લગ્નની તૈયારી કરી. લગ્ન લેવાણા. કર્મ ખપાવવા માટે પરમાત્માએ લગ્ન કર્યા અને કર્મ ખપ્યું ત્યાં સુધી લગ્ન જીવન જીવ્યા. 28 અંજનશલાકાનાં રહસ્યો