________________ સામ્રાજ્યનો જ એ પ્રભાવ હોય છે કે દુર્જનોને દુર્જનતા કરવાનું મન જ થતું નથી. દુર્જનો જેમ શાંત થાય તેમ સજ્જનોને તમામ સુખ-સુવિધા ઉપલબ્ધ થાય. માટે રાજ્યમાં રહેલ તમામને પરમાત્મા ઉપર અનન્ય લાગણી અને અહોભાવ, આદરભાવ, ભક્તિભાવ પેદા થાય. એમનાં માતા- પિતા-સ્વજન-પરિવારજનોને તો એમના પર લાગણી હોય તે તો સમજ્યા પણ સમગ્ર દેશવાસી-પરદેશવાસી જનોને પણ પરમાત્મા પ્રત્યે એવો ને એવો પ્રીતિ-ભક્તિનો ભાવ હોય છે. દ્રવ્ય ઉપકાર પણ પરમાત્મા દરેક ઉપર વિશિષ્ટ કોટિનો કરે છે. માટે એ દરેક પ્રભુ સાથે તાણેવાણે બંધાયા હોય એવો અનુભવ કરે છે. આથી જ તેઓ પ્રભુ વિનાના જીવનની કે રાજ્યની કલ્પના પણ કરી શકતા નથી. શ્રી પાર્શ્વનાથ પ્રભુના જીવનમાં રાજ્યાભિષેકનો પ્રસંગ બન્યો નથી. પણ વિધિમાં સર્વ તીર્થકરોની અંજનશલાકા હોઈ અને અન્ય તીર્થકરોના જીવનમાં રાજ્ય સ્વીકારનો પ્રસંગ બનેલો હોઈ આ ઉત્સવ પણ ઉજવાય છે. એકવાર ઉદ્યાનમાં પ્રભુ પ્રભાવતી સાથે ગયા હતા. ત્યાં આવેલા મહેલમાં સુંદરતમ ચિત્રશાળા હતી. પ્રભુને જોવા જેવું જગતમાં કશું જ હોતું નથી. બધું જ એમણે જોયેલું છે. છતાં... સ્વજનોના ઉપરોધથી જ પ્રભુ જોવા-કરવાની પ્રવૃત્તિ આદરે છે. પ્રભુના માતા-પિતા જિનધર્મના પાલક હતા. પ્રભુ શ્રી નેમિનાથના શાસનનાં એ શ્રાવક-શ્રાવિકા હતાં. તેમના મહેલમાં નેમિનાથ પ્રભુનાં ચિત્રો હતાં. શ્રાવકના ઘરમાં કોનાં ચિત્ર જોવા મળે ? અને આજે તમારા ઘરમાં કોનાં ચિત્રો જોવા મળે ? રાજીમતીને મૂકીને નેમિનાથ પ્રભુ રથને પાછો વાળી ગઢ ગિરનાર જઈ સંયમ લઈ રહ્યા છે, એવું ચિત્ર એમના જોવામાં આવ્યું. રાજીમતી કારમો વિલાપ કરી રહ્યાં છે. છતાં પ્રભુ શ્રી નેમિનાથ પૂરી વિરક્ત દશાનો અનુભવ કરી રહ્યા છે, પ્રશમભાવમાં લીન છે. આ દશ્ય જોતાં જ પ્રભુ શ્રી પાર્શ્વનાથને પણ થયું કે, “બસ ! હવે આ સંસારમાં રહેવું નથી !' ભોગાવલી પૂરું થવા આવ્યું હતું અને આ નિમિત્ત મળ્યું. દરેક તીર્થકર ભગવંતોને આવું કોઈ નિમિત્ત મળે જ એવું નથી હોતું. નિમિત્ત મળે કે ન મળે, પણ જ્યારે પ્રભુનું ભોગાવલી કર્મ પૂરું થાય ત્યારે લોકાંતિક દેવો પ્રભુની પાસે આવીને ધર્મતીર્થ પ્રવર્તાવવા વિનંતી કરવા આવે છે. આ વિનંતીનો સ્વીકાર કરીને પ્રભુ વાર્ષિક દાનનો પ્રારંભ કરે છે. સ્વયં સંબુદ્ધ પ્રભુને પણ બોધ પામો કહેવાનું સૌભાગ્ય આ લોકાંતિક દેવોનું હોય છે. 43 અંજનશલાકાનાં રહસ્યો