________________ શ્રી તીર્થકર ભગવંતોની લગ્ન ક્રિયા અને લગ્ન જીવન એ બન્નેય એવાં હોય છે કે તેમને માટે કહેવાય કે આ લગ્ન છે, બંઘન નથી, પણ મુક્તિનો એકરાર છે.” જેમ ભગવાન શ્રી મહાવીરે દીક્ષા પછી જોયું કે, અહીં આર્યદેશમાં આવતા ઉપસર્ગોથી મારાં કર્મો ખપે તેમ નથી તે ખપાવવા માટે અનાર્ય દેશમાં જવું જરૂરી છે, તેથી તે કર્મોને ખપાવવા પરમાત્મા અનાર્યદેશમાં ગયા. તેમ દીક્ષા પૂર્વે પણ પરમાત્માએ જોયું કે, મારું ભોગાવલી કર્મ લગ્ન કર્યા વગર ખપે તેમ નથી માટે એ કર્મને ખપાવવા જ પરમાત્માએ લગ્ન કર્યા. અંજનશલાકા વિધિ દરમ્યાન જે પરમાત્માની લગ્ન, રાજ્યાભિષેક વગેરે ક્રિયા કરાય છે, એ પ્રભુની પ્રતિમાને દરેક પર્યાયમાંથી પસાર કરી વીતરાગતા સુધી પહોંચાડવા માટે કરાય છે. આ બધા પર્યાયો જોવાના, જાણવાના, માણવાના છે. તે જોતી-જાણતી વખતે પરમાત્માની મનની પરિસ્થિતિનું, આંતરિક પરિણતિનું, એમના ગુણવૈભવનું અને એમના વૈરાગ્યરૂપી મહાસાગરનું ચિંતન કરવાનું છે, તેનું ધ્યાન કરવાનું છે. આ અવસર્પિણીના ભરત ક્ષેત્રના ચોવીસ પરમાત્મામાંથી બાવીસ પરમાત્માનાં જ લગ્ન થયાં છે. શ્રી મલ્લિનાથ અને શ્રી નેમિનાથ પરમાત્માએ લગ્ન કર્યા નથી. તીર્થંકર પરમાત્માને આ લગ્ન સંસાર વિસર્જન માટે હોય છે. સંસાર સર્જન માટે હોતા નથી, માટે જ સંસાર ત્યાગી આચાર્યો અને સાધુ-સાધ્વીજી ભગવંતો પણ પરમાત્માની પ્રતિમાના પંચ કલ્યાણકોત્સવ ઉજવણી દરમ્યાન ઉજવાતી લગ્નની ક્રિયામાં હાજર રહે છે અને એમના પરમ વિરક્તિભર્યા પર્યાયોનું ધ્યાન ધરે છે. લગ્ન વિધિ પછી પરમાત્માના રાજ્યાભિષેકની વિધિ કરાય છે. પરમાત્માનો જ્યારે રાજ્યભિષેક થવાનો હોય, થતો હોય અને થયા પછી જ્યારે તેઓ રાજ્ય સંચાલન કરતા હોય ત્યારે દરેક સમયે તેઓમાં અદ્વિતીય નમ્રતા અને વિરક્તિ ધબકતી હોય છે. ભીમ-કાંત ગુણોથી યુક્ત પ્રભુ ન્યાયપૂર્ણ, ઔચિત્યપૂર્ણ, પરમકરુણા સભર વ્યવહાર દ્વારા સૌનો સાચો યોગ ક્ષેમ કરતા હોય છે. સત્તા તેમને સ્પર્શતી નથી અને કર્તવ્ય તેઓ ક્યારેય ચૂકતા નથી. ભગવાન શ્રી શાંતિનાથ પરમાત્મા, શ્રી અરનાથ પરમાત્મા અને શ્રી કુંથુનાથ પરમાત્મા આ ત્રણ પરમાત્મા તો પખંડના સ્વામી હતા. બત્રીસ હજાર મુકુટબદ્ધ રાજાઓ, તેઓની આજ્ઞાને શિરસાવંદ્ય - પાઠશાળાગમન અને રાજ્યાભિષેક 29