________________ પરમાત્મા તો સ્વયં અનામી છે. છતાં વ્યવહાર-ક્રમ મુજબ પરમાત્માનું નામ પડશે. એમનું જે નામ પાડશે તે પરિવાર પણ ધન્ય બની જશે. એ પરમાત્માનું જે નામ પાડશે એ નામ લઈને કેટલાય આત્માઓ કર્મક્ષય કરશે. પરમાત્માના સ્થાપના નિક્ષેપાની જેમ નામનિક્ષેપો પણ પરમ પવિત્ર છે, મંત્ર તુલ્ય છે. કહ્યું છે કે “નાગપિ દિ મંતસમં ' તે નામ લઈને પણ અગણિત આત્માઓ તરી ગયા છે અને તરી જવાના છે. ભગવંત ભાવનિક્ષેપે તો એમનું આયુષ્ય હોય ત્યાં સુધી જ વિચરે છે. સ્થાપના નિક્ષેપે પ્રતિમા હોય ત્યાં સુધી રહે છે અને નામ નિક્ષેપે તો ત્રણ-ત્રણ ચોવીશી સુધી જગતના જીવોનું કલ્યાણ કરે છે, આ નામનો પ્રભાવ છે. સંસારમાં બીજાનાં નામ પાડો તેમાં તે નામ ધરીને તે વ્યક્તિ જે જે પાપો કરે તેમાં તમારી ભાગીદારી નોંધાય અને અહીં તો ભગવાનનું નામ પાડનારને પરમાત્માના નામે જેટલા આત્માઓ ધર્મસાધના કરી આત્મશુદ્ધિ કરે, આત્મવિકાસ કરે, તેના પુણ્યનો સરવાળો મળે. જન્મથી જ મહાજ્ઞાનીને, જ્ઞાનના મહાસાગરને, જ્ઞાનના તેજસ્વી સૂર્યને અજ્ઞાની પંડિત પાસે જ્યારે ભણવા મુકવામાં આવ્યા ત્યારે પણ પરમાત્મા કશું બોલ્યા નથી. ગંભીરતાની એ મૂર્તિને માતા-પિતાએ જેમ દોરવ્યા તેમ દોરવાયા. માતા-પિતાએ જેમ ચલાવ્યા તેમ ચાલ્યા. કેવો વિનય ! માતા-પિતાને એમણે કહ્યું નથી કે, “આ ખોટો શ્રમ શું કામ લો છો ! કોની પાસે મને ભણાવો છો ? હું કેટલું ભણેલો છું જાણો છો ? આવા તો સો પંડિતોને ભણાવી શકું તેમ છું અને મને તમે ભણવા મોકલો છે ?" આવી એક વાત પ્રભુએ કરી નથી. આજે આપણને કોઈ આવી રીતે આપણા કરતાં ઓછા વિદ્વાન પાસે ભણવાનું કહે તો શું કહીએ ? “આ બધું તો મને આવડે છે, આ તો મારા માટે રમત વાત છે.” આ આપણી અગંભીરતા અને એની સામે પરમાત્માની કેવી મહાસાગર જેવી ગંભીરતા ! પરમાત્માને માતા-પિતાએ ભણવાનું કહ્યું તો ભણવા માટે તૈયાર, ભણવા માટે લઈ ગયા તો ત્યાં જવા માટે પણ તૈયાર અને ભણવા બેસાડ્યા તો ભણવા પણ બેસી ગયા. બોલ્યા નથી કે, “મારી પાસે નિર્મળ મતિ, શ્રુત અને અવધિજ્ઞાન છે.” ભરેલા ઘડા કદિ ન છલકાય અને અધૂરા ઘડો છલકાયા વિના ન રહે. પાઠશાળાગમન અને રાજ્યાભિષેક