________________ આ બધા દશ્યો આંખમાં જડાઈ જાય, હૃદયમાં સંસ્કારિત થઈ જાય તો એ શુભધ્યાનનું બીજ બની જાય. આ બધા પ્રસંગોના કળશરૂપ આ પછીના દિવસની ક્રિયા છે. કાલે જગતનું દારિદ્રય ફેડવા પરમાત્મા જે વર્ષીદાન આપે છે તેના પ્રતીકરૂપે પરમાત્મા વતી માતા-પિતા આદિ સ્વજનો વર્ષીદાન આપશે. ત્યાર પછી જગદ્ગુરુ પ્રભુ સર્વવિરતિ લેશે, સર્વસંગનો ત્યાગ કરશે. માતા-પિતા, કુળમહત્તરા અને ભાઈ પ્રભુને વિદાય આપશે. તે વખતે સંસારી જીવોની સંવેદના, ‘નમો સિદ્ધા' પદના ઉચ્ચારપૂર્વક સિદ્ધ ભગવંતોને નમસ્કાર કરીને પરમાત્માની સર્વવિરતિ સ્વીકારની મહાપ્રતિજ્ઞા અને એ મહાપ્રતિજ્ઞા સ્વીકારની સાથે જ પરમાત્માનું ચોથે ગુણસ્થાનકેથી સીધા સાતમે ગુણસ્થાનકે પ્રયાણ, મન:પર્યવજ્ઞાનની ઉત્પત્તિ અને નિરતિચાર, નિરપવાદ ચારિત્રધર્મની સાધનાનો મંગળ પ્રારંભ થશે. એ જ સંદર્ભમાં આગળ વધીને અંજનશલાકા વિધિમાં રાત્રે અધિવાસના અને - અંજનવિધાન આદિ વિધિ થશે, તે પછીની વહેલી પ્રભાતે પ્રભુની કેવળજ્ઞાનની ઉજવણી, તે નિમિત્તે સમવસરણમાં દેશના વગેરે થશે અને તે પછી નિર્વાણ કલ્યાણકની ઉજવણી નિમિત્તે 108 અભિષેક કરાશે. આ રીતે પાંચેય કલ્યાણકોની વિધિ કરવા દ્વારા પ્રભુ પ્રતિમામાં ભગવભાવનું આઈજ્યનું અને સિદ્ધત્વનું અવતરણ કરાશે. જેથી પ્રભુની પ્રતિમા પ્રભુવત્ પૂજ્ય બનશે. તે પછી પ્રભુ પ્રતિમાની મંદિરમાં પ્રતિષ્ઠા વિધિ કરાશે. જ્યારે જિનમંદિરમાં જિનપ્રતિમાની પ્રતિષ્ઠા થાય તે પહેલાં જ સૌ સાધકોએ પોતાના હૈયામાં પરમાત્માની પ્રતિષ્ઠા કરવાની હોય છે. એ માટે હૃદયની વેદિકાને શુદ્ધ-વિશુદ્ધ બનાવવાની હોય છે. એ શુદ્ધિ-વિશુદ્ધિ સાધવાની જ એક પ્રક્રિયા આ પંચકલ્યાણકોની ઉજવણી છે. આ રીતે નિર્મળ થયેલા હૃદયમાં પ્રભુની પ્રતિષ્ઠા કરી જિનમંદિરમાં પ્રભુ પ્રતિમાની પ્રતિષ્ઠા કરી પ્રભુની દ્રવ્ય-ભાવાદિ ભેદે ઉત્તમ ભક્તિ દ્વારા પ્રભુમય બની તમો સૌ પણ પ્રભુસ્વરૂપ બનો એ જ એકની એક સદાની શુભાભિલાષા. પાઠશાળાગમન અને રાજ્યાભિષેક