________________ વૈરાગ્ય એક જંબૂકુમારને થયો હતો, પણ એમની ભાવનાના પડઘા પર૭ માં પડ્યા. આઠ કન્યાઓ સાથે પોતે મળી નવ, નવનાં મા-બાપ અને રાત્રે ચોરી કરવા આવેલા 500 ચોરો એમ પ૨૭ નો એક સાથે વરઘોડો નીકળ્યો. લગ્નના વરઘોડા પછી તો સંસાર ચલાવવા માટે ઘણું બધું રાખવાનું ય હતું. દીક્ષામાં તો પાછળ કશું રાખવાનું હતું નહિ. પછી વરઘોડો કેવો નીકળે ? સંસારમાં રહેલા સમકિતીની પણ આ મનોદશા હોય તો તીર્થંકરના આત્માની દશા એ સમયે કેવી હશે ? આજે અહીં લગ્નની વિધિ થશે તે વખતે પણ આ પરમાત્માનો ચહેરો-મુખાકૃતિ નીહાળશો તો કોઈ ફેરફાર દેખાશે ? પ્રતિમાના આલંબનનું આ જ તો મહત્ત્વ છે. વીતરાગતાનું પ્રતિબિંબ વીતરાગના પ્રતિબિંબમાં નજરે ચડે. સદેહે પણ પરમાત્માની સતત વિરક્તિવાળી અવસ્થા હોય છે. સામાન્ય વૈરાગ્યને દીપકની ઉપમા આપી છે. એને ટકાવવા ફાનસની વાડ જોઈએ તેમ એ વૈરાગ્યને ટકાવવા વ્રત, મહાવ્રત, સમિતિ-ગુપ્તિ-ભાવનાઓનું રક્ષણ જોઈએ. પણ અપર કોટિનો વૈરાગ્ય વડવાનલ જેવો હોય છે. એને ટકાવવા કશાની જરૂર નહિ. તીર્થકરોનો વૈરાગ્ય અપર કોટિનો હોય છે. એમના વૈરાગ્યને ખંડિત કરવા જગતની કોઈપણ ચીજ સમર્થ ન બની શકે. માટે જ એ પરમાત્માના સંસારની પણ ક્રિયાઓની ઉજવણી કરવાની અને એમાં અમારે, સંસારત્યાગની ત્રિવિધ ત્રિવિધ પ્રતિજ્ઞા કરનારે પણ હાજરી આપવાની. આ હાજરી અમારેતમારે એટલા જ માટે આપવાની કે ફરીથી આ ભવચક્રમાં આ લગ્નનું કલંક લગાડવું ન પડે. નબળા પગ હોય, શરીરમાં જોમ ન હોય તેને ચાલવા માટે વોકર (Walker)ની જરૂર પડે. સક્ષમને વોકરની જરૂર ક્યારે પણ હોતી જ નથી. અવિરતિના તીવ્ર ઉદયવાળા સમકિતીને લગ્ન એ વોકર લાગે. વોકર વિના જીવી ન શકે ત્યારે જ, પડીને પગ ભાંગી ન જાય, વધારે નુકસાન થઈ ન જાય માટે જ એ વોકર વસાવે. પણ વોકર વસાવવું પડે ત્યારે પણ એના મનમાં તો એમ જ હોય કે વોકર વગર ક્યારે જીવી શકું. તેમ અવિરતિના ઉદયકાળમાં સમકિતીને લગ્ન કરવાં પડે તો પણ બંધનથી ક્યારે છૂટું એવો જ એનો ભાવ હોય. પરમાત્માના લગ્ન વિધિના પ્રસંગમાં પણ તમને જે આનંદ, ઉલ્લાસ, ઉમંગ આવે તે રાગના ઘરનો નહીં પણ ભક્તિના ઘરનો હોવો જોઈએ. મોહના ઘરમાં જઈને મોહને મારનારા પરમાત્મા પ્રત્યેના અહોભાવમાંથી પ્રગટેલો એ આનંદ જોઈએ. પરમાત્માના આ લગ્ન પ્રસંગને જોઈને ભોગના નિમિત્તોનો ઉપયોગ કરીને પણ યોગ સાધનાર પરમાત્મા પ્રત્યે અનન્ય કોટિનો ભક્તિભાવ પેદા થવો 40 અંજનશલાકાનાં રહસ્યો