________________ પરમાત્મા શ્રી વર્ધમાનકુમાર યુવાન થયા. પોતાના મહેલમાં તેઓ મિત્રો સાથે બેસીને વાર્તાલાપ કરી રહ્યા હતા. એ દરમ્યાન સામેથી ત્રિશલા માતાને આવતાં જોયાં તો પરમાત્મા સિંહાસન ઉપરથી ઉભા થઈ ગયા, સામે ગયા, માતાને પોતાના સિંહાસન પર બેસાડ્યાં, પોતે વિનમ્ર બનીને ઉભા રહ્યા અને વિનયથી બે હાથ જોડીને કહ્યું, “માતાજી ! આપે અહીં આવવાનું કષ્ટ કેમ લીધું ? મને કેમ યાદ ન કર્યો ? મને યાદ કર્યો હોત તો હું જ આપની સેવામાં ઉપસ્થિત થાત.” પરમાત્માને આવો વિનય કરવાનું શું કારણ ? માતા-પિતાના જીવનમાં જે કાંઈ ઋદ્ધિ-સિદ્ધિ સમૃદ્ધિ હતી તે કોના પ્રભાવે ? છપ્પન દિકકુમારિકાઓ જે આવી તે કોના પ્રભાવે ? ઈન્દ્રોના અચળ સિંહાસનો જે કંપ્યાં તે કોના પ્રભાવે ? ચોસઠ-ચોસઠ ઈન્દ્રોએ અસંખ્ય દેવો સાથે મેરુપર્વત ઉપર નવરાવ્યા તે કોને નવરાવ્યો ? પ્રભુના માતા-પિતા વગેરેના જીવનમાં જે કાંઈ ઋદ્ધિ-સિદ્ધિ વર્તાઈ તે કોના પ્રભાવે ? આમ છતાં પ્રભુએ પોતાના નાનકડા વ્યવહારથી પણ એવું ક્યાંય જણાવા નથી દીધું કે આ બધું પોતાના પ્રભાવે છે અને સદૈવ તેઓ માતા-પિતા અને વડીલજનોના પરમ વિનયપૂર્વક જીવ્યા. આની સામે તમે સૌ તમારી આંતરિક ભૂમિકા અને જીવન વ્યવહારને આંખ સામે લાવો. આજે તો દીકરો જરા બે પૈસા કમાતો થયો તો એ પોતાના બાપાને કહી દે, તમે આટલાં વર્ષો શું કર્યું ? બધાંનાં વૈતરાં જ કર્યા ! જુઓ ! આમ કમાવાય ?" આ કાંઈ વિનય છે ? માવતર એ માવતર છે. દુનિયામાં બધી વસ્તુ ખરીદીને લાવી શકાય છે, પણ માવતર ખરીદીને લાવી શકાતાં નથી. એ તો પુણ્યથી જે મળે તે જ સ્વીકારવાનાં હોય છે. તેમની તો આરાધના જ કરવાની હોય છે. તેમનો વિનય જ કરવાનો હોય છે. તેમનું ઔચિત્ય જ કરવાનું હોય છે. ત્રણલોકના નાથ પણ જો માતા-પિતાનું આ રીતે ઔચિત્ય કરતા હોય તો આપણે તો કેવું કરવું જોઈએ ? વિચારો ! આ અંજનશલાકાના પ્રસંગમાં પ્રભુને પારણામાં ઝુલાવવાની અને અનામી એવા પ્રભુનું નામ પાડવાથી લઈને બધી જ ક્રિયાઓ થવાની છે. માતા-પિતા પરમાત્માને પારણામાં ઝૂલાવે છે, પણ પરમાત્મા તો પરમ વિરક્તિના ઝૂલે ઝૂલતા હોય છે. -- -- -- -- -- -- _ -- _ _ _ _ 26 અંજનશલાકાનાં રહસ્યો