________________ આ પૂજા પત્યાં બાદ સૌધર્મેન્દ્રની જેમ જ ઈશાનેન્દ્ર પણ પાંચ રૂપ કરી પ્રભુને ખોળામાં લેવા વગેરે બધી ક્રિયા કરે છે અને સૌધર્મેન્દ્ર સ્ફટિક મણિના હોય તેવા ચાર ઊંચા વૃષભોના રૂપો બનાવે છે. એના આઠ ઉત્તુંગ શિંગોમાંથી પ્રભુ પર જળધારાનો પ્રપાત કરે છે. ત્યાર બાદ દેવદૂષ્યથી પ્રભુના અંગને લુછે છે. રત્નના બાજોઠ ઉપર રૂપાના અખંડ અક્ષતોથી અષ્ટ મંગલો આલેખે છે. ઉત્તમ અંગરાગથી વિલેપન કરે છે. ઉજ્વળ દિવ્ય વસ્ત્રો પહેરાવે છે, વજ-માણેકનો મુગટ પ્રભુના શિર પર સ્થાપિત કરે છે, સૂર્ય-ચંદ્ર જેવાં તેજસ્વી બે કુંડલો પ્રભુના કર્ણમાં પહેરાવે છે, દિવ્ય મોતીની માળા ગળે આરોપિત કરે છે, અન્ય સર્વ પ્રકારના અલંકારોથી પ્રભુની અલંકાર પૂજા કરે છે અને એ અલંકારો પ્રભુના સૌંદર્યથી વધુ અલંકૃત બની જાય છે. ત્યાર બાદ પ્રભુના ગળામાં પારિજાત-પુષ્પોની માળા પહેરાવે છે. પ્રભુથી કાંઈક દૂર થઈ આરતી ઉતારે છે. ત્રણવાર આરતી ઊતાર્યા બાદ ઈન્દ્ર પ્રભુની સ્તવના સ્તુતિ કરે છે. અંતે સૌધર્મેન્દ્ર ફરીથી પાંચ રૂપો બનાવી ઈશાનેન્દ્રના ઉલ્લંગમાંથી એક રૂપથી પ્રભુને ગ્રહણ કરે છે અને પૂર્વની જેમ જ માતાના મહેલમાં આવીને, માતાની નિદ્રાને દૂર કરે છે. પ્રભુના ઓશીકે દિવ્ય અને રેશમી વસ્ત્રો પધરાવે છે. રત્નમય કુંડલ મૂકે છે. સુવર્ણ અને રત્નોનો દડો ઉપર લટકાવે છે. | કુબેરને આજ્ઞા કરી પ્રભુના વાસભવનમાં બત્રીસ કરોડ સુવર્ણ, બત્રીશ કરોડ હિરણ્ય, બત્રીસ-બત્રીશ નંદાસન-ભદ્રાસનાદિ સુખદાયી દિવ્ય સાધન સામગ્રી વરસાવે છે. પ્રભુ અને પ્રભુની માતાનું કોઈ અશુભ ચિંતવશે તેનું મસ્તક સાત પ્રકારે ભૂદાઈ જશે” એવા ઉદ્ઘોષણા કરે છે. પ્રભુના અંગુષ્ઠમાં અમૃતનો સંચાર કરે છે અને પ્રભુનું લાલન-પાલન કરવા માટે પાંચ અપ્સરાઓને ધાવમાતા બનીને પ્રભુની સમીપ રહેવાનો આદેશ આપે છે. પ્રભુના સ્નાત્રાભિષેકનો આનંદ હૈયામાં સમાતો નથી. તેથી ઈન્દ્રો સપરિવાર નંદીશ્વર દીપે જાય છે. ત્યાં શાશ્વતા ચૈત્યોમાં રહેલી જિનપ્રતિમાઓની આઠ દિવસ સુધી અપ્રમતપણે ભક્તિ કરી પોતપોતાના દેવલોકમાં જાય છે. પ્રભુના મેરુ-અભિષેકની આ આછેરી ઓળખ છે. દેવોની શક્તિ અપાર હોઈ તે શ્રેષ્ઠતમ શૈલીથી આ ઉત્સવ ઉજવી શકે છે. માનવગણની એવી શક્તિ હોતી નથી. છતાં જે પણ શ્રેષ્ઠ સામગ્રી જ્યાંથી ય મળે ત્યાંથી મેળવી હૃદયના વર્ધમાન ઉછળતા ભાવોથી પ્રભુનો સ્નાત્ર-અભિષેક કરી આત્માને નિર્મળ બનાવવાનો સુપ્રયત્ન કરવાનો હોય છે. એ માટે જ આવાં અનુષ્ઠાનો વિહિત કરેલાં છે. સૌ કોઈ એવા ભાવથી આ મહોત્સવને ઉજવી શ્રેયને સાધે એ જ અભિલાષા. -- પ્રભુનો સ્નાત્રોત્સવ 13