________________ સિંહાનાદિ ઉપર તેમને બેસાડે છે. ઉત્તમ વસ્ત્ર, અંગરાગ, આભૂષણોની પહેરામણી થાય છે. માંગલિક ગીતો ગવાય છે. વાજિંત્રો વાગે છે. બ્રાહ્મણો-પુરોહીતો સ્વસ્તિ વચનો બોલે છે. જયજયારવ થાય છે. પ્રભુના ફઈબા ભત્રીજાના નામસ્થાપનાનો લાભ લેવા હરખઘેલાં બની આવે છે. સ્વજનોને સાથે લાવે છે. પ્રભુ માટે વિવિધ વસ્ત્રો, અલંકારો, રમકડાં અને શ્રેષ્ઠ ભોજનો લઈ આવે છે. ભાઈ પણ બહેનનું સ્વાગત કરે છે. બનેવીને સંતોષ આપે છે. પ્રભુના જન્મ સમયના લગ્નના ટીપણાં મંડાય છે. જોષીઓ આનંદમાં આવી જન્મના ટીપણાના આધારે પ્રભુના નામના આદ્યાક્ષરો બતાવે છે. પણ પ્રભુના માતા પ્રભુનો આત્મા ગર્ભમાં અવતર્યા બાદ જે કાંઈ અનુભવ થયો હોય તેના આધારે માતા-પિતાના સંવાદમાં નિશ્ચિત્ત થયેલું નામ સ્થાપવાની અભિલાષા વ્યક્ત કરે છે. એને સ્વજનો અનુમોદે છે. જોશીઓ પણ એમની અભિલાષા પર સંમતિની મહોર છાપ લગાવે છે. ( શ્રેષ્ઠ આનંદ-મંગલની વધામણી સાથે ફઈબા લાડલા ભત્રીજાનું સુંદર નામકરણ કરી તેની ઉદ્ઘોષણા કરે છે. સકલ સ્વજનલોક એનો અંજલીબદ્ધ સ્વીકાર કરે છે. પ્રભુ એ વિશિષ્ટ નામ ધારણ કરી આપણા જેવા ભવ્ય જીવોનો ઉદ્ધાર કરે છે. સ્વજનોના આગમન વખતે મહારાજા ઉત્તમ ભોજનો, પહેરામણી તાંબુલાદિ દાનનો પ્રબંધ કરે છે. પ્રભુને ઝોળીમાં પધરાવી ઝુલાવવાનો અને ઓવારણાં લેવાનો લાભ ફઈબા મેળવે છે. પ્રભુના નામ કરણનો તેમજ એ નિમિત્તે પ્રભુના ફઈબાએ કરેલા ફઈયારાનો મંગલ પ્રસંગ પણ એ પ્રસંગ સાથે જોડાનારા પ્રત્યેક આત્માનું કલ્યાણ કરવાનું સામર્થ્ય ધરાવે છે. કવિવર શ્રી માનવિજયજી મહારાજા સાર્થક લખે છે કે - “નામ ગ્રહે આવી મિલે, મન ભીતર ભગવાન, મંત્ર બળે જિમ દેવતા, વ્હાલો કીધો આસ્વાદ.” સંસારમાં નામકરણો ઘણા કર્યા. ફઈયારાં પણ ઘણાંના કર્યા. પણ તે કરીને કેવળ કર્મબંધન અને ભવવર્ધન જ થયાં છે. હવે તે બંધનોને કાપવા અને ભવવર્ધનને રોકવા માટે પ્રભુના નામકરણાદિ શુભ પ્રસંગમાં એકતાન બની અનામી પદને પામવાની પૂર્વ ભૂમિકા રચીએ એ જ શુભાભિલાષા. 18 અંજનશલાકાનાં રહસ્યો