________________ પરમાત્માનું સૂતિકર્મ કરવા આવ્યા છીએ. આપ અમને અનુમતિ આપો.' પરમાત્માને અડવું હોય તોય માતાની અનુમતિ જોઈએ. એ આવીને કેવાં કેવાં કામ કરે છે એ તમે જોયું હશે ? દેવલોકની દેવીઓ આવીને મોરપીંછી લઈ સંવર્તક વાયુ વિકુર્તી, સૂક્ષ્મતમ રજકણ પણ ન રહે એ રીતે પ્રભુનો મહેલ, આંગણું વગેરે સ્વચ્છ કરે છે. સુગંધી જળની વૃષ્ટિ કરે છે, બીજાને કહેતી નથી કે આ કામ કરી દો. જાતે જ કરે છે. ઉત્તમ તીર્થજળથી કળશાઓ ભરે છે, દર્પણમાં પ્રભુ મુખ જુવે છે, ચામર ધરે છે, પ્રભુને પંખો નાંખે છે, રક્ષાબંધન કરે, દીપકો પ્રગટાવી આલોક કરે, એ વખતે એમનો આનંદ-ઉમંગ કેટલો હશે એ આપણી કલ્પનાનો વિષય નથી. આ અમારા પરમતારક છે, વિશ્વના પિતા છે, વિશ્વના તારણહાર છે, જગતના ઉદ્ધારક છે, એવો એવો ભાવ હોય છે. પરમાત્માને અને માતાને કેળનાં ઘર બનાવી તેમાં લઈ જાય, ત્યાં પરમાત્માના જન્મ સંબંધી નાળચ્છેદ, સ્નાન, વસ્ત્રાલંકારનું પરિધાન વગેરે કાર્યો કરે અને એ બધું કાર્ય પૂર્ણ કરી પરમ આનંદ સાથે પોતપોતાના સ્થાનમાં જાય. આ બાજુ ઈન્દ્રાસન કંપે છે અને ઈન્દ્ર નીચે આવે છે ને પ્રભુનો જન્મોત્સવ કરે છે. તે બધી વાત તમારે અમારે હવે જોવાની છે, શા માટે ? એ ભક્તિનો ભાવ હૈયામાં કેળવવા માટે. વામાદેવી માતાના મહેલમાં સૂતિકર્મ કઈ રીતે થયું તે બધું જોવાનું શા માટે ? પરમાત્માના તે-તે પર્યાયોના ધ્યાનમાં લીન બનવા માટે . સાવ અજાણ-અબુધ બાલિકાઓ જો આવી રૂડી ભક્તિ કરતી હશે અને સભાને પરમાત્મ ભક્તિના ભાવમાં તરબોળ કરી દેતી હશે તો વિવેકને વરેલી સમ્યગ્દષ્ટિ સર્વકળાકુશળ દિશાદેવીઓ જ્યારે પરમાત્માની ભક્તિ કરે ત્યારે ભક્તિ ભાવની કેવી છોળો ઉછળતી હશે ? આ પ્રસંગને પામી તમે અમે આપણે સૌ પરમાત્મ ભક્તિના વિશિષ્ટ ભાવોના સમુદ્રમાં ગરકાવ થઈને તે ભક્તિના પરમ ફળરૂપે ભગવદ્ સ્વરૂપને પામીએ એ જ એક અભિલાષા. - - - - અંજનશલાકાનાં રહસ્યો