________________ બોલાવે છે. સ્વપ્ન પાઠક પાસેથી ફળ પૂછવું (જાણવું) છે, તે પણ એમને એમ પૂછાય નહિ. માટે સ્વપ્ન પાઠકોનું પણ બહુમાન કરે છે અને તે પછી મહારાણીને આવેલાં સ્વપ્નનું કથન કરે છે. પાઠકો બરાબર પરસ્પર વિમર્શ કરીને સ્વપ્નફળનું વિગતવાર વર્ણન કરે છે. બધા સ્વપ્નપાઠકોને અંદરોઅંદર મતભેદ ન થાય તેવો નિર્ધાર છે, માટે બધા એક મત થઈને આવેલા છે. તેમનો એક નાયક નક્કી કરેલ છે. સ્વપ્ન કેટલા કેટલા પ્રકારનાં હોય, કેવાં કેવાં હોય અને તે દરેકનો ફળાદેશ શું હોય તે જણાવે છે અને મહારાણીને આવેલ 14 મહાસ્વપ્નોના ફળરૂપે યોગ્ય સમયે મહારાણી ઉત્તમ પુત્રરત્નને જન્મ આપશે, જે તીર્થકર બનશે, તેમ જણાવે છે. જે જાણી સૌને અપાર હર્ષ થાય છે. સામાન્ય રીતે આવેલા ઉત્તમ સ્વપ્નનો ઉત્તમ ફળાદેશ જાણીને પણ જો આપણને અપાર હર્ષ થતો હોય તો, આવાં 14, 14 મહાસ્વપ્નોનું શ્રેષ્ઠતમ ફળ જાણીને પરમાત્માના માતા-પિતા વગેરેને કેવો અપૂર્વ હર્ષ થયો હશે, તે કલ્પી શકાય તેવી વાત છે. આજે આપણે આપણા હૃદયમાં, આત્મામાં તીર્થકરના તીર્થકરત્વનું અવતરણ કરવાનું છે. અંતરાત્મામાં તીર્થંકર પરમાત્માનો વાસ કરવાનો છે. જેમ માતાએ તીર્થકરના આત્માનું લાલન-પાલન કર્યું, તેમ આ દશ્યના માધ્યમથી અંતરાત્મામાં અવતરેલા તીર્થંકર પરમાત્માનું આપણે પણ લાલન-પાલન કરવાનું છે. માતાને સખીઓ કેટ-કેટલી શિખામણો આપે છે. તેમ જ્ઞાની ભગવંતો આપણને પણ શીખામણ આપે છે કે તમારા અંતરાત્મામાં અવતરેલા તીર્થંકર પરમાત્માના રક્ષણ માટે તમારે અનેક અનુચિત પ્રવૃત્તિઓથી બચવાનું છે. એ માટે તમારે તમારાથી બનતી તમામ કાળજી રાખવાની છે. તમારાથી હિંસા ન થાય, જૂઠું ન બોલાય, ચોરી ન કરાય, વિષય કષાયને આધીન ન થવાય. પરિગ્રહની પાછળ પાગલ ન થવાય. રાગ, દ્વેષ, મિથ્યાત્વ, અવિરતિ, કષાય, પ્રમાદથી બચતા રહેવાનું છે. આ બધું બનશે તો જ હૃદયમાં અવતરેલા તીર્થકરનું જતન થઈ શકશે. આ કોઈ નાટક નથી - પૌદ્ગલિક ભાવનાને પોષવાની આ કોઈ પ્રવૃત્તિ નથી, આ તો તીર્થકરના તીર્થકરત્વને હૃદયમાં પ્રગટાવવાનું ઉત્તમમાં ઉત્તમ માધ્યમ છે. આના માધ્યમથી પરમાત્મા પ્રત્યેના અનન્ય ભાવને કેળવવાનો છે. એવા વિશિષ્ટ કોટિના ભાવને પ્રગટ કરી સમ્યગ્દર્શનને પ્રગટ કરવાનો અને પ્રગટી ચૂકેલ સમ્યગ્દર્શનને નિર્મળ અને સ્થિર કરવાનો આ રૂડો અવસર છે. એને હૈયાના ઉલ્લાસપૂર્વક ઉજવી એના ફળરૂપે સમ્યગ્દર્શનાદિને પામી, નિર્મળ બનાવી સ્થિર કરી સ્વ-પરના શ્રેયને સાધનારા બનો એ જ અભ્યર્થના. - - -- અંજનશલાકાનાં રહસ્યો