________________
૧૨૭
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ જ્યારે તેઓ મોક્ષમાં જાય છે ત્યારે તેની જીભ મૃત્યુ પામે છે. માટે લોલુપતા કહે છે કે આ જીભ તમારી ચિરપરિચિત છે તેથી તેનું તમારે સારી રીતે પાલન કરવું જોઈએ. લોલુપતાના તે વચનથી જડને તોષ થાય છે; કેમ કે જડ જીવોને રસનેન્દ્રિયની લોલુપતામાં સુખાકારી જણાય છે તેથી લોલુપતા જે પ્રકારે રસનેન્દ્રિયને અનુસરવાનું કહે એ પ્રકારે જ તેને અનુસરવામાં સુખની અનુભૂતિ થાય છે.
વળી, જડે લોલુપતાને પૂછ્યું કે તારી સ્વામિનીનું કઈ રીતે લાલન કરવું જોઈએ ? તેથી કહે છે કે સુંદર ખાદ્યપદાર્થો આપો. મધ, માંસ વગેરે સુંદર રસો આપો. તેથી જેઓ સુખના સાધનભૂત એવી આ રસના છે. એમ માને છે તેઓ ધર્મ, અર્થ, મોક્ષથી વિમુખ પશુ જેવા રસનેન્દ્રિયના લાલનમાં યત્નવાળા હોય છે, અન્ય કંઈ વિચારતા નથી. આથી જ ભક્ષ્યાભઢ્ય આદિનો વિચાર કર્યા વગર ધર્મથી વિમુખ હોય છે. જીભને વશ થઈને અર્થનો પણ યથાતથા વ્યય કરે છે અને સમભાવથી અત્યંત વિમુખ હોવાથી મોક્ષની ગંધ માત્ર પણ તેઓને નથી. માત્ર રસનાના સુખમાં જ પોતાને સુખી માને છે અને તત્ત્વને જોવામાં જડ જીવો ગાઢ મિથ્યાત્વના ઉદયવાળા હોય છે. તેથી શરીરથી ભિન્ન આત્મા છે તેનો કોઈ વિચાર કરતા નથી. માત્ર ઇન્દ્રિયના સુખને જ સુખ માને છે અને સર્વ પ્રકારનાં પાપો કરે છે. તેથી વિવેકી લોકોના હાસ્યપાત્ર થાય છે. તોપણ જડતા હોવાને કારણે રસનાના સુખથી અન્ય કંઈ સુખને જોતા નથી.
વળી વિચક્ષણ લોલુપતાનાં વચનોને સાંભળીને મધ્યસ્થ માનસવાળો આ પ્રમાણે વિચારે છે. આ જીભ મારા મુખરૂપી કોટરમાં છે. તેથી મારી ભાર્યા છે એમાં સંશય નથી. તોપણ રસનાના પોષણ માટે જે આ લોલુપતા કહે છે તેનો વિચાર કર્યા વગર મારે તેનો સ્વીકાર કરવો જોઈએ નહીં, કેમ કે વિચક્ષણ પુરુષ હંમેશાં કોઈનું પણ કથન નિપુણતાપૂર્વક જોનારા હોય છે અને પોતાની જીભ પોતાને લોલુપતા કરાવે છે તોપણ વિચક્ષણ પુરુષો વિચારે છે કે જીભને વશ થવું ઉચિત નથી. પરંતુ હિતાહિતનો વિચાર કર્યા વગર કૃત્ય કરવું જોઈએ નહીં. તેથી જીભની લાલસા “ખાવાની યાચના કરે છે... ત્યારે વિચક્ષણ પુરુષ ગાઢ આસક્તિ કર્યા વગર કાંઈક ખાવાનું આપે છે અને શું કરવું જોઈએ એનો યથાર્થ નિર્ણય કરવા માટે કાલક્ષેપ કરે છે. તેથી રાગાદિ રહિત થઈને જીભ રૂપી ભાર્યાનું મારે પાલન કરવું જોઈએ. શુદ્ધ આહાર આપવો જોઈએ. લોલુપતા નિવારણ કરવી જોઈએ. અવિશ્વાસ મનવાળા એવા મારે લોકયાત્રાના અનુરોધથી અને અનિંદિત માર્ગથી રસનાનું અનુસરણ કરવું જોઈએ. આ પ્રકારે વિચક્ષણતાને કારણે તે જાણી શકે છે. આ રીતે વિવેકપૂર્વક ધર્મ, અર્થ, કામને સેવતો વિચક્ષણ જ્યાં સુધી વિશેષ નિર્ણય ન થાય ત્યાં સુધી રસનાને વશ થયા વગર જીવે છે.
વળી, વિચક્ષણ પુરુષમાં મિથ્યાત્વનો ક્ષયોપશમ, પારમાર્થિક સુખની અર્થિતા અને હિતાહિતનો વિચાર કરી શકે તેવી નિર્મળમતિ છે. તેથી વિચક્ષણ પુરુષની તેવી તેજસ્વિતાને જોઈને તેના ભાવને જાણનારી લોલુપતા પણ કાંઈ યાચના કરતી નથી; કેમ કે વિચક્ષણ પુરુષ નિપુણતાથી વિચારીને પ્રવૃત્તિ કરનારા હોય છે તેથી તેવા જીવોને ખાદ્યપદાર્થોમાં તેવી લોલુપતા જ થતી નથી. પરંતુ પોતાના સંયોગાનુસાર ઔચિત્યનો વિચાર કરીને દેહનું પાલન કરે છે તેવી માર્ગાનુસારી બુદ્ધિ વિચક્ષણ પુરુષમાં હોય છે. તેથી લોલુપતા વગર રસનાને પાલન કરતો પણ વિચક્ષણ સંપૂર્ણ ક્લેશથી હીન સંપૂર્ણ સુખપૂર્વક રહે છે; કેમ કે ગૃહસ્થઅવસ્થા