________________
૩૩૭
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ ભાવાર્થ :
પૂર્વમાં કહ્યું કે આ વિષયાભિલાષ રસનાનો જનક છે. વળી, તે રાગકેસરી રાજાનો મંત્રી હોવાથી પોતાની બુદ્ધિના પ્રયોગથી હંમેશાં રાગકેસરી રાજાનું રાજ્ય સમ્યગુ પાલન કરે છે. તેથી એ પ્રાપ્ત થાય કે સંસારી જીવોના વિષયાભિલાષનો પરિણામ છે તેનાથી હંમેશાં વિષયોનો રાગ જીવોમાં વર્તે છે તેથી સંસારી જીવો રાગકેસરીના સામ્રાજ્યને છોડીને સદાગમ દ્વારા કર્મથી મુક્ત કરાવી શકાતા નથી. તેનું કારણ જીવમાં વર્તતો વિષયાભિલાષનો જ પરિણામ છે. વળી, સંસારી જીવો ક્વચિત્ શાસ્ત્રો ભણે, સંયમાદિ ગ્રહણ કરે તોપણ તેઓ ત્યાં સુધી જ પોતાનું હિત સાધી શકે છે જ્યાં સુધી આ વિષયાભિલાષ પોતાના વીર્યથી તેઓને દૂર ફેંકતો નથી. આથી જ સિંહગુફાવાસી મુનિ પણ રૂપકોશા વેશ્યાને પામીને ક્ષણભર યોગમાર્ગથી દૂર ફેંકાયા. વળી, જ્યારે જીવમાં વિષયાભિલાષ ઊઠે છે ત્યારે પ્રાજ્ઞ પુરુષો પણ બાલિશ જેવા, તેના કિંકર જેવા થાય છે. અને વ્રતનો આગ્રહ છોડીને લજ્જા વગરના થાય છે. આથી જ સદાગમને પામીને ઘણા મહાત્માઓ મોહ નાશ કરવા માટે પ્રવૃત્ત થયા હોય છતાં કોઈક નિમિત્તને પામીને વિષયાભિલાષ પ્રગટે છે ત્યારે તેઓ તેનાથી પોતાનું રક્ષણ કરવા અસમર્થ બને છે.
વળી, આ વિષયાભિલાષરૂપ મંત્રી રાગકેસરી અને મહામોહના સામ્રાજ્યને જ વધારે છે અને સંસારી જીવોને અનેક પ્રકારનાં દુઃખો આપે છે અને આત્મામાં ઊઠેલા વિષયના અભિલાષથી તેઓ અનેક પાપો કરીને આ લોકમાં અને પરલોકમાં દુઃખી થાય છે. તેથી આ વિષયાભિલાષ મંત્રી રાગકેસરીનો અતિનિપુણ કુશળ મંત્રી છે જેથી તેના રાજ્યનો ક્ષય ન થાય તેને માટે જ નિપુણતાથી યત્ન કરે છે. વધારે શું? આખા મહામોહ રાજાના સામ્રાજ્યને સંપૂર્ણ જીવાડનાર વિષયાભિલાષરૂપ મંત્રી જ છે. તેથી તેની વિડંબનાને જાણીને જેઓ વિષયાભિલાષને શમન કરવા યત્ન કરે છે તેઓ જ તેની વિડંબનાઓથી રક્ષણ પામી શકે છે.
વળી, પ્રકર્ષ એ બુદ્ધિનો પ્રકર્ષ છે તેથી જે વિમર્શે આ સર્વ અંતરંગ શત્રુઓના ગુણો બતાવ્યા તેને આકારદર્શન માત્રથી જ તેને પ્રતિભાશમાન થાય છે, કેમ કે તત્ત્વને જોનારી બુદ્ધિ જ્યારે સંસારી જીવોની ચિત્તરૂપી અટવીનું અવલોકન કરે છે ત્યારે તેઓની ચિત્તરૂપી અટવીમાં વર્તતા વિષયાભિલાષના, મહામોહના કે રાગાદિ દોષોના જે ગુણો વિમર્શ બતાવ્યા તે બુદ્ધિના પ્રકર્ષવાળા જીવો અવલોકન માત્રથી જ જોઈ શકે છે. ફક્ત વિમર્શ દ્વારા તે તેમજ છે તેનો નિર્ણય કરવા અર્થે બુદ્ધિનો પ્રકર્ષ પ્રશ્ન કરે છે અને વિમર્શ દ્વારા તેનો સ્પષ્ટ નિર્ણય કરે છે. આથી જ વિમર્શ કહે છે કે બુદ્ધિમાન પુરુષો વસ્તુને જોઈને તેના ગુણો જાણી શકે છે તેમ જેઓ નિપુણતાથી જીવોમાં વર્તતા મોહના પરિણામને, કષાયોને અને વિષયાભિલાષને જોવા યત્ન કરે છે તેઓને તે સર્વ જે પ્રકારે જીવની કદર્થના કરનારા છે તે સ્વરૂપે જ દેખાય છે. મૂઢ જીવોને તે સર્વ સુખના કારણરૂપે દેખાય છે.
વળી, પ્રકર્ષ પૂછે છે કે આ વિષયાભિલાષની જે આ ભાર્યા છે તે કયા નામવાળી છે અને કેવા ગુણવાળી છે ? તેથી વિમર્શ કહે છે ભોગતૃષ્ણા વિષયાભિલાષની પત્ની છે. ગુણોથી વિષયાભિલાષ જેવી જ છે અને બધા અન્ય રાજાઓ તેને હંમેશાં નમસ્કાર કરનારા છે. તેથી એ પ્રાપ્ત થાય કે જીવમાં જેમ વિષયોનો