________________
૩૩૮
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ અભિલાષ છે તેમ બાહ્ય પદાર્થોના ભોગોમાં તૃષ્ણાનો પરિણામ વર્તે છે જે વિષયાભિલાષ જેવો જ પરિણામવિશેષ છે. અને તે ભોગતૃષ્ણાને કારણે જીવમાં દુષ્ટઅભિસંધિ આદિ ભાવો થાય છે. વળી, મહામોહના પુત્ર રાગકેસરી-દ્વેષગજેન્દ્ર વગેરે ભોગતૃષ્ણા દ્વારા સર્વ કૃત્યો કરે છે એમ કહ્યું તેમાં પણ વિષયાભિલાષ જ પ્રબલ કારણ છે; કેમ કે જીવમાં ભોગતૃષ્ણાનો પરિણામ છે તેથી વિષયોનો અભિલાષ થાય છે, તેના કારણે જ દ્વેષાદિ ભાવો થાય છે તેથી તે સર્વમાં પ્રબલ કારણ ભોગતૃષ્ણા છે.
વળી, આ રીતે જીવના અંતરંગ પરિણામરૂપ ભોગતૃષ્ણા આદિ ભાવો બતાવ્યા પછી જીવ સાથે કથંચિત્ એકત્વને પામેલ કાર્પણ શરીર છે. અને તે કાર્મણ શરીર આઠ કર્મો રૂપ છે. તેમાં મોહનીયકર્મથી મહામોહ આદિ સર્વ ભાવો પ્રગટ થયા છે તે સિવાયનાં જે સાત કર્યો છે તેના સ્વરૂપ વિષયક જિજ્ઞાસા થવાથી પ્રકર્ષ પ્રશ્ન કરે છે કે આ સાત રાજાઓ દેખાય છે તે કોણ છે ? એથી વિમર્શ કહે છે કે મહામોહ રાજાના બહિર્ભત આ સેનાપતિઓ છે.
આનાથી એ પ્રાપ્ત થાય કે જ્ઞાનાવરણીય આદિ સાત કર્મોના બળથી જ નિમિત્તને પામીને જીવમાં મોહાદિ ભાવો થાય છે. તેથી જીવના પરિણામથી બહિર્ભત એવાં સાત કર્મો મહામોહના ભાવોની વૃદ્ધિ કરવામાં અને તેનું રક્ષણ કરવામાં પ્રબલ કારણ છે. તેમાં જ્ઞાનાવરણીયકર્મ જીવને અંધ કરે છે. દર્શનાવરણીયકર્મ જીવને અત્યંત આંધળા અને ઊંઘતા કરે છે. વેદનીયકર્મ જીવને શાતા-અશાતા ઉત્પન્ન કરીને રાગાદિ ભાવોની વૃદ્ધિ કરે છે તેથી મહામોહ આદિ ભાવો સુરક્ષિત રહે છે. વળી, આયુષ્યકર્મ ચાર ગતિનાં આયુષ્યો તે તે ભવની પ્રાપ્તિ કરાવીને જીવને તે તે ભવની વિડંબના પ્રાપ્ત કરાવે છે. વળી નામકર્મ જીવનાં અનેક સ્વરૂપો કરીને જીવની વિડંબના કરાવે છે. છતાં કેટલીક પુણ્યપ્રકૃતિઓથી જીવને કંઈક સુખાકારી પણ થાય છે અને તીર્થંકર નામકર્મ જીવને ઉત્તમ પુરુષ સ્વરૂપે નિર્માણ કરે છે. વળી ઉચ્ચ-નીચ ગોત્ર જીવને ઉત્તમ અને હીન કુળમાં ઉત્પન્ન કરીને વિડંબના કરે છે. વળી પાંચ પ્રકારનાં અંતરાય કર્મો ઇષ્ટ સર્વ પદાર્થની પ્રાપ્તિમાં વિઘ્ન કરે છે. આ રીતે વિમર્શ દ્વારા કર્મોનું વાસ્તવિક સ્વરૂપ જાણીને બુદ્ધિમાન એવો પ્રકર્ષ પ્રશ્ન કરે છે કે પૂર્વમાં વર્ણન કરાયેલા રાગકેસરી આદિ રાજાઓ અને તેનો પરિવાર ક્રમસર જોવામાં આવે તો પૃથક દેખાય છે પરંતુ સન્મુખ રહેલા બે ઘડાઓ સ્પષ્ટ રીતે પૃથક્ એક સાથે દેખાય છે તેમ મહામોહ આદિ અને તેનો પરિવાર સ્પષ્ટ પૃથક દેખાતા નથી. તેથી વિમર્શ સ્પષ્ટતા કરે છે કે દરેક પદાર્થો સામાન્ય રૂપ અને વિશેષ સ્વરૂપ છે તેથી જ્યારે તે પદાર્થો સામાન્ય રૂપે દેખાય ત્યારે વિશેષ દેખાય નહીં અને વિશેષ દેખાય ત્યારે સામાન્ય દેખાય નહીં. પરંતુ ક્રમસર સામાન્ય વિશેષ રૂપે દેખાય છે. જેમ આંબા આદિનાં વૃક્ષો વૃક્ષરૂપે જોવામાં આવે ત્યારે સર્વ વૃક્ષો વૃક્ષરૂપે જ દેખાય છે. અને જ્યારે આ આંબો છે, આ અન્ય વૃક્ષ છે ઇત્યાદિ રૂપે જોવામાં આવે ત્યારે વિશેષરૂપે જ દેખાય છે. સામાન્ય રૂપે દેખાતું નથી. તે રીતે અંતરંગ સર્વ રાજાઓ પોતાના પરિવાર સાથે સામાન્ય વિશેષ રૂપે રહેલા હોવાથી ક્રમસર દેખાય છે આથી જ વિષયાભિલાષા દેખાય છે ત્યારે પાંચેય ઇન્દ્રિયોના સ્વતંત્ર અભિલાષ દેખાતા નથી અને પાંચ ઇન્દ્રિયો જ્યારે સ્વતંત્ર અભિલાષ રૂપે દેખાય છે ત્યારે વિષયાભિલાષ દેખાતો નથી. તેથી તે સર્વનો યથાર્થ બોધ કરવા અર્થે સામાન્યરૂપ તે તે રાજા અને વિશેષરૂપ તેનો પરિવાર પૃથક રૂપે અત્યાર સુધી બતાવાયો છે.