________________
૧૭૬
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ સાધવા માટે પ્રયત્ન કરવો જોઈએ તેવી પ્રેરણા તેના મૃત્યુથી ગ્રહણ કરતા નથી જે મતિમોહ સ્વરૂપ છે. તેથી શોક સાથે મતિમોહનો ઘનિષ્ટ સંબંધ છે. આથી જ સંસારી જીવોને સંસારમાં કોઈ આપત્તિ આવે છે ત્યારે શોક કરે છે. વસ્તુતઃ પૂર્વના મારા કર્મથી જ મને આ પ્રકારની આપત્તિ આવી છે માટે “ફરી તેવાં કર્મો હું ન બાંધું જેથી સંસારમાં મને અનર્થો પ્રાપ્ત થાય નહીં” એ પ્રકારે વિવેકી જીવો તે આપત્તિના બળથી વિચારે છે તેમ શોકાતુર જીવો વિચારતા નથી પરંતુ આના કારણે આ આપત્તિ આવી છે તેમ બાહ્ય નિમિત્તોને જ દોષ આપે છે.
શોક સાથે મતિમોહનો ઘનિષ્ઠ સંબંધ છે તે બતાવવા અર્થે અહીં કહે છે કે શોક પોતાના અત્યંત વલ્લભ એવા મતિમોહને મળવા માટે આવે છે. આથી જ વિચક્ષણને તે જીવમાં વર્તતા શોક પાસેથી જ મહામોહ, દ્વેષગજેન્દ્ર અને રાગકેસરી વગેરે સંતોષને જીતવા ગયા છે તેવા સમાચાર પ્રાપ્ત થાય છે; કેમ કે વિચક્ષણ પુરુષો શોકને જોઈને જ તત્ત્વનો યથાર્થ નિર્ણય કરી શકે છે તેથી તેમને જણાય છે કે જે જીવોને સંતોષ પ્રગટ્યો છે તેઓને કોઈ પ્રકારના મોહના ઉપદ્રવો થતા નથી અને તેવા સંતોષવાળા પણ જીવો નિમિત્ત પામીને મહામોહ આદિ અંતરંગ શત્રુઓથી ક્યારેક ઉપદ્રવને પ્રાપ્ત કરે માટે તેઓમાં વર્તતા સંતોષને જીતવા રાગકેસરી વગેરે ગયેલા છે. આથી જ વિચક્ષણ પુરુષ વિચારે છે કે આ ચિત્તરૂપી અટવીને જોવાથી રાગકેસરી આદિનો વાસ્તવિક બોધ થશે. આથી વિમર્શ શોક દ્વારા ચિત્તરૂપી અટવીમાં રાગકેસરી આદિ ગયા છે તેની માહિતી મેળવીને જવા તત્પર થાય છે. વળી વિમર્શ શોકને પૂછે છે કે મતિમોહ કેમ દેવની સાથે તે અટવીમાં ગયો નથી ? તેથી શોક કહે છે – આ તામસચિત્તનગરનું રક્ષણ મતિમોહથી થઈ શકે છે તેથી ઢેષગજેન્દ્ર રાજાએ તેને અહીં રાખેલ છે.
આનાથી એ પ્રાપ્ત થાય કે જે જીવોમાં મતિમોહ વર્તે છે તે જીવો હંમેશાં તામસી પ્રકૃતિવાળા હોય છે તેથી તેઓને ક્યારેય તત્ત્વ દેખાતું નથી. અને તેના કારણે સુખપૂર્વક દ્વેષગજેન્દ્રની આજ્ઞામાં તેઓ સદા રહે છે, ક્વચિત્ ધર્મપ્રવૃત્તિ કરે તોપણ મતિમોહને કારણે બાહ્ય પદાર્થોમાં જ ધર્મબુદ્ધિ કરીને સર્વત્ર ક્લેશ, ક્રોધાદિ કરીને પોતે દુઃખી જ થાય છે અને અન્યને દુઃખી કરે છે. પરંતુ સંતોષના સારને જાણતા નથી કે સદાગમ સંતોષ માટે જે ઉપદેશ આપે છે તેના પરમાર્થને સમજતા નથી. તેથી મતિમોહને કારણે સર્વત્ર તેઓ ક્લેશ જ કરે છે. ગૃહસ્થ અવસ્થામાં હોય તોપણ તેઓ તે તે નિમિત્તોથી દ્વેષ, શોક, અરતિ આદિ ભાવોને કરે છે. અને સંયમવેશમાં હોય તો સંમૂચ્છિમની જેમ ધર્મક્રિયા કરીને તે તે નિમિત્તોથી અરતિ, શોક, ખેદ, ઉદ્વેગ આદિ ભાવોને કરીને અનર્થની પરંપરાને પામે છે, તેથી તેઓમાં વર્તતા મતિમોહને કારણે તેઓ તામસચિત્તનગરમાં સદા નિવાસ કરે છે. ક્યારેય સદાગમથી કે સંતોષના સેવનથી તેઓ તામસચિત્તનગરમાંથી બહાર નીકળતા નથી.
વળી, વિમર્શ અને પ્રકર્ષ ત્યારપછી તે ચિત્તરૂપી અટવીમાં જાય છે તે ચિત્તરૂપી અટવી સાધનાના આધારભૂત છે એમ કહ્યું અને ત્યાં જઈને તેઓ અત્યંત દૂરથી નહીં પરંતુ કંઈક દૂરથી તે મહાટવીને અને તેમાં રહેલ મહાનદી આદિ સર્વને જુએ છે એમ કહ્યું તેથી એ પ્રાપ્ત થાય કે વિચક્ષણ પુરુષો પોતાની બુદ્ધિના વિમર્શશક્તિથી સંસારી જીવોની ચિત્તરૂપી અટવી જુએ છે જે મતિજ્ઞાનના ઉપયોગ સ્વરૂપ છે અને તે ચિત્ત