________________
૧૮૧
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ જે તદ્ વિલસિત તટ છે ત્યાં જ તૃષ્ણા રહેલી છે. તેથી જેઓમાં પ્રમાદ વર્તે છે તેઓમાં જ તૃષ્ણા વર્તે છે અને જેઓમાં તત્ત્વને જોવામાં પ્રમાદ નથી. તેઓની તૃષ્ણા નષ્ટ નષ્ટતર થાય છે. અને પ્રમાદ સાથે એકવાક્યતાથી બદ્ધ એવી તૃષ્ણા જગતના સર્વ જીવોને તે તે પ્રકારની પ્રવૃત્તિઓ કરાવીને કર્મબંધ કરાવે છે અને આખા જગતના જીવોને સંસારચક્રમાં ભમાવે છે.
વળી, આ તૃષ્ણા વેદિકા ઉપર વિપર્યાસ નામનું સિંહાસન છે. જેના ઉપર મહામોહ બેસે છે અને તે વિપર્યાસ સિંહાસન કર્મોએ મહામોહ માટે જ રચેલું, છે. તેથી એ પ્રાપ્ત થાય કે જીવોમાં તત્ત્વને જોવામાં વિપર્યાસ વર્તે છે તેથી જ સર્વ પ્રકારના કષાય, નોકષાયનું વેદન આત્માની વિહ્વળ અવસ્થા છે તેવું સ્વસંવેદન થતું હોવા છતાં તે વિહ્વળતા દેખાતી નથી, પરંતુ શરીર સાથે અભેદ બુદ્ધિ કરીને ઇન્દ્રિયોના પ્રતિકૂળ ભાવોમાં વિહ્વળતા દેખાય છે અને અનુકૂળ ભાવોમાં સ્વસ્થતા દેખાય છે. આથી જ સંયમ ગ્રહણ કર્યા પછી પણ મહાત્માઓમાં વિપર્યાસ વર્તે છે ત્યારે તપ-ત્યાગાદિ કરે તોપણ માન, ખ્યાતિ આદિ બાહ્ય ભાવો જ તેમને સાર દેખાય છે. લોકોના આવાગમનમાં જ તેમને ધર્મ દેખાય છે. આત્માના પરમ સ્વાથ્ય રૂપ ધર્મને અભિમુખ ભાવ થતો નથી. તે વિપર્યાસ સ્વરૂપ છે અને તેના ઉપર જ મહામોહ બેસે છે અને આ મહામોહ, અંતરંગ સર્વ રાજ્યો અને અંતરંગ સર્વ કષાય-નોકષાય છે. તે સર્વમાં આ વિપર્યાસ નામનું સિંહાસન જ કારણ છે.
આથી જ જે જીવોમાં તત્ત્વને જોવામાં વર્તતો વિપર્યાય જાય છે તેઓને સદા આત્માની મુક્ત અવસ્થા જ તત્ત્વ દેખાય છે અને તેની પ્રાપ્તિનો એક ઉપાય પરમ સામાયિકનો પરિણામ દેખાય છે. અને ભગવાનનું વચન કઈ રીતે સામાયિકના પરિણામની વૃદ્ધિ કરીને સંસારના ઉચ્છેદનું કારણ છે તેનો પરમાર્થ દેખાય છે.
ક્વચિત્ તીવ્ર અવિરતિનો ઉદય હોય તો તેવા જીવો ભોગાદિ કરે તોપણ વિપર્યાસ નહીં હોવાથી ધીરે ધીરે રાગાદિ ભાવોને ક્ષીણ કરીને સામાયિકની શક્તિનો સંચય કરે છે. વળી, જ્યાં સુધી આ રાજાનું શ્રેષ્ઠ સિંહાસન વિદ્યમાન છે અર્થાત્ વિપર્યાસ નામનું સિંહાસન વિદ્યમાન છે ત્યાં સુધી આ રાજ્ય, આ વિભૂતિઓ, આ સિંહાસન ઉપર બેઠેલા રાજાઓ બધા શત્રુથી અગમ્ય કહેવાયેલા છે અર્થાત્ સદાગમ અને સંતોષ રૂપી શત્રુથી અગમ્ય કહેવાયેલા છે; કેમ કે વિપર્યાસવાળા જીવોને સદાગમનાં વચનો કે સંતોષ સ્વસ્થતા રૂપે જણાતો નથી. પરંતુ બાહ્ય ભોગો જ સ્વસ્થતાનું કારણ દેખાય છે. જ્યારે સંસારી જીવો આ વિપર્યાસ સિંહાસનને જુએ છે ત્યારે રૌદ્ર અનર્થ પરંપરાને પામે છે. અને જ્યાં સુધી જીવો વિપર્યાસ સિંહાસનથી દૂર રહે છે ત્યાં સુધી જ સંસારી જીવોને સર્વ સુંદર બુદ્ધિ વર્તે છે. આથી જ જેઓના ચિત્તમાં વિપર્યાસ વર્તતો નથી તેઓ સદા સંસારના ઉચ્છેદ માટે યત્ન કરે છે યાવતું શાસ્ત્ર ભણીને ચૌદપૂર્વ ભણે છે. આમ છતાં કોઈક રીતે તેવા મહાત્માની પણ દષ્ટિ વિપર્યાસ સિંહાસન પ્રત્યે જાય છે ત્યારે તેઓની સુંદર બુદ્ધિ નાશ પામે છે. આથી જ રસગારવ, ઋદ્ધિગારવ આદિ સેવીને તેઓ દુરંત સંસારના પરિભ્રમણને પામે છે. વળી, જેઓ આ વિપર્યાસ સિંહાસનમાં નિબદ્ધ દૃષ્ટિવાળા છે તે પાપી જીવોને ક્યારેય સુંદર બુદ્ધિ થતી નથી. આથી જ અનાદિ મિથ્યાષ્ટિ જીવો આત્માના હિતનો પારમાર્થિક વિચાર કરતા નથી.