________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ
૧૭૯ વળી, સંસારથી અત્યંત ભય પામ્યા છે તેવા સુસાધુઓ, સુશ્રાવકો, કે નિર્મળ દૃષ્ટિવાળા જીવો પોતાની ભૂમિકાનુસાર પ્રમાદનો પરિહાર કરીને આ નદીનાં વમળોથી આત્માનું રક્ષણ કરે છે. તેથી તેઓ ક્રમસર સંસારસમુદ્રમાંથી નીકળીને સદ્ગતિઓની પરંપરાને પ્રાપ્ત કરે છે, છતાં તેઓ પણ ક્યારેક તત્ત્વના વિષયમાં માર્ગાનુસારી ઊહના અભાવરૂપ નિદ્રાતટનો આશ્રય કરે તો તેઓ પણ તે નદીઓના વમળમાં જઈને પડે છે અને જો તરત સાવધાન થઈને તે નદીઓના વમળમાંથી બહાર ન નીકળે તો કષાયોરૂપી પ્રવાહમાં તણાઈને દુરંત સંસારમાં જઈને પડે છે. આથી જ ચૌદ પૂર્વધરો પણ રસગારવ, ઋદ્ધિગારવ આદિને વશ થઈને દુરંત સંસારમાં જઈને પડે છે. માટે વિવેકીએ પોતાની ચિત્તવૃત્તિ અટવીમાં વર્તતી પ્રમાદની પરિણતિરૂપ તે નદીના તટ પાસે જવું જોઈએ નહીં. પરંતુ કલ્યાણમિત્ર આદિનો આશ્રય કરીને સદા અપ્રમાદભાવથી આત્માનું રક્ષણ કરવું જોઈએ.
વળી, તે નદીના તટ પાસે રેતાળ જમીન છે જે તદ્ વિલસિત નામનું પુલિન છે અર્થાત્ પ્રમાદ વિલસિત નામનું પુલિન છે. જેમ નદીના તટ પાસે લોકો હાસ્ય, વિલાસ આદિ કરતા હોય છે અને આનંદપૂર્વક ફરતા હોય છે તેમ જે સંસારી જીવો તે તે પ્રકારની સંસારની આનંદપ્રમોદની પ્રવૃત્તિઓ કરે છે તે સંસારી જીવો તે પુલિન ઉપર વસનારા છે. વળી, આ પુલિન બાલિશ જીવો માટે મનોરમ છે અને વિજ્ઞાત તત્ત્વવાળા જીવો તેનાથી દૂર રહે છે. જેમ અવિવેકી જીવો તે તટ ઉપર બેસીને પોતાની તુચ્છ વૃત્તિઓ પોષે છે અને વિવેકી જીવો તે નદીથી તો દૂર રહે છે પરંતુ તદ્ વિલસિત પુલિનથી પણ દૂર રહે છે.
વળી, તે પુલિન ઉપર એક મહામંડપ છે. જેનું નામ ચિત્તવિક્ષેપ મંડપ છે. તેથી જે જીવોના ચિત્તમાં વિક્ષેપ વર્તે છે તે સર્વ જીવોનું ચિત્ત તે મહામંડપ સ્વરૂપ છે. અને જેઓ ચિત્તવિક્ષેપ મંડપમાં પ્રવેશ કરે છે તેઓને પોતાના ગુણોનું વિસ્મરણ થાય છે. આથી જ અકષાયવાળી અવસ્થા તેઓને તત્ત્વરૂપે દેખાતી નથી. વળી, ચિત્તવિક્ષેપવાળા જીવોને મહાપાપનાં સાધનોમાં બુદ્ધિ પ્રવર્તે છે; કેમ કે ભોગ અને ભોગનાં સાધનો તેઓને હિત સ્વરૂપે દેખાય છે. આ મહામોહ આદિના કાર્ય માટે તેવા પ્રકારનાં કર્મો વડે આ ચિત્તવિક્ષેપ મંડપ નિર્માણ કરાયો છે; કેમ કે જે જીવોના ચિત્તમાં વિક્ષેપ વર્તે છે ત્યાં જ મહામોહ, રાગ, દ્વેષ, આદિ ભાવો સ્વસ્થતાથી નિવાસ કરી શકે છે. વળી, બહિરંગ લોકો મહામોહને વશ થાય ત્યારે આ મહામંડપમાં પ્રવેશ કરે છે અને આ મહામંડપમાં પ્રવેશીને તેઓ વિભ્રમ, સંતાપ, ચિત્તનો ઉન્માદ, વ્રતનો લોભ પ્રાપ્ત કરે છે એમાં સંદેહ નથી; કેમ કે ચિત્તવિક્ષેપ રૂપ મંડપનું આ કાર્ય છે. આથી સંયમ ગ્રહણ કરીને પણ ચિત્તવિક્ષેપ નામના મહામંડપમાં પ્રવેશેલા સાધુઓ સંયોગાનુસાર સંતાપ, ઉન્માદ આદિ ભાવોને પ્રાપ્ત કરે છે. વળી મહામોહ, રાગ, દ્વેષ આ મંડપને પામીને તુષ્ટ માનસવાળા રહે છે, કેમ કે જે જીવોના ચિત્તમાં વિક્ષેપ વર્તતો હોય તે જીવોમાં અજ્ઞાનતા અને રાગ-દ્વેષ સતત વૃદ્ધિ પામતા હોય છે. વળી, સંસારી જીવો મોહથી આ ચિત્તવિક્ષેપ મંડપમાં પ્રવેશીને દુઃખસાગરને પ્રાપ્ત કરે છે; કેમ કે ચિત્તવિક્ષેપને કારણે તેઓ સદા ખેદ, ઉદ્વેગ આદિ ભાવોને જ પામતા હોય છે. વળી આ ચિત્તવિક્ષેપ મંડપ ચિત્તના નિર્વાણને કરનાર એકાગ્રતાનો નાશ કરનાર છે, તેથી જેઓ સામાયિકના પરિણામને અભિમુખ પરિણતિવાળા છે તેઓનું ચિત્ત નિર્વાણને અભિમુખ જનારું છે અને તત્ત્વના ભાવનથી સુખની પ્રાપ્તિનું પરમબીજ એવી એકાગ્રતાને પ્રાપ્ત કરે છે