________________
૧૮૦
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ તેવા જીવોમાં પણ કોઈક નિમિત્તથી ચિત્તવિક્ષેપ પ્રગટે છે ત્યારે તે એકાગ્રતા નાશ પામે છે. જેમ સિંહગુફાવાળા મુનિનું ચિત્ત સામાયિકના પરિણામમાં વર્તતું હોવા છતાં સ્થૂલિભદ્ર મુનિની પ્રશંસા સાંભળીને વિક્ષેપવાળું થયું તો ક્રમસર તેમની તત્ત્વ વિષયક એકાગ્રતા નાશ પામી. જેઓ આ ચિત્તવિક્ષેપ મંડપનું વીર્ય જાણતા નથી, તેઓ જ મહામોહના વશથી ફરી ફરી તે મંડપમાં પ્રવેશ કરે છે. આથી જ ધર્મની પ્રવૃત્તિ કરનારા પણ જીવો મહામોહના વશથી નિરર્થક મન-વચન-કાયાની પ્રવૃત્તિ કરીને ચિત્તને સદા વિક્ષેપવાળું રાખે છે, પરંતુ જાણતા નથી કે આ મંડપ સર્વ વિનાશનું બીજ છે માટે તેનાથી દૂર રહેવું જોઈએ. વળી જે મહાત્માઓ તત્ત્વના યથાર્થ બોધરૂપ ક્ષયોપશમભાવરૂપ પુણ્યકર્મ વડે આ ચિત્તવિક્ષેપ મંડપને યથાર્થ જાણે છે તે પુરુષો આ મંડપમાં ક્યારેય પ્રવેશ કરતા નથી. આથી જ તેવા મહાત્માઓ ગૃહવાસમાં હોય તોપણ ચિત્તનો કોલાહલ શાંત થાય તે રીતે સર્વ ઉચિત પ્રવૃત્તિઓ કરે છે.
વળી, આ ચિત્તવિક્ષેપ મંડપમાં તૃષ્ણા નામની વેદિકા છે અને આ મહામોહના રાજા માટે ભાગ્યએ નિર્માણ કરેલી છે. આ તૃષ્ણા એ અનેક પ્રકારની ઇચ્છા સ્વરૂપ છે તેથી માન-સન્માનની તૃષ્ણા હોય, ભોગાદિની તૃષ્ણા હોય કે અન્ય પણ બાહ્ય પદાર્થ વિષયક તૃષ્ણા હોય તે સર્વમાં જીવને અજ્ઞાન જ વર્તે છે; કેમ કે તૃષ્ણા સામાયિકના પરિણામથી વિરુદ્ધ ભાવ સ્વરૂપ છે જ્યારે જીવને સમ્યજ્ઞાન સામાયિકના રહસ્યને બતાવીને સામાયિકનો પ્રકર્ષ કઈ રીતે વીતરાગતામાં વિશ્રાંત થાય છે તેને જાણવા યત્ન કરાવે છે. વળી, મહામોહ રાજાને બેસવા માટે તૃષ્ણા વેદિકા નિર્માણ થયેલી છે. તેથી આ તૃષ્ણા વેદિકા ઉપર મહામોહથી સહિત તેનું સર્વ કુટુંબ બેઠેલું છે અને જે અન્ય રાજાઓ છે જે મહામોહની સેવામાં છે તેઓ મુત્કલ મહામંડપમાં બેઠેલા છે. તેથી એ પ્રાપ્ત થાય કે તૃષ્ણા જીવમાં મૂઢતા, રાગ, દ્વેષના ભાવો સદા ઉત્પન્ન કરે છે. આથી જ તૃષ્ણાવાળા જીવો તૃષ્ણાની વિહ્વળતાને જોઈ શકતા નથી. પરંતુ તૃષ્ણા જ તેઓને મધુર જણાય છે અને તૃષ્ણાને કારણે પુણ્યના સહકારથી ભોગો મળે છે ત્યારે તે જીવોમાં રાગાદિ વૃદ્ધિ પામે છે અને તૃષ્ણાને કારણે જેની ઇચ્છા થઈ છે તેને પ્રાપ્ત કરવામાં નિષ્ફળ થાય છે ત્યારે દ્વેષાદિ ભાવો કરે છે, તેથી તૃષ્ણા ઉપર મહામોહનું કુટુંબ સ્થિર થઈને બેઠેલું છે. આના ઉપર બેઠેલો=આ વેદિકા ઉપર બેઠેલો, મહામોહ ગર્વપૂર્વક લોકને જુએ છે. તેથી એ પ્રાપ્ત થાય કે જેમાં તૃષ્ણા વર્તે છે તેઓને આત્માની કષાયથી અનાકુળ અવસ્થા સારરૂપ છે. કષાયથી આકુળ અવસ્થા આત્માની વિડંબના છે એ પ્રકારના પારમાર્થિક બોધનું અજ્ઞાન વર્તે છે. આથી જ સુખના અર્થી એવા તેઓ તૃષ્ણાને વશ થઈને મહામોહથી વ્યાપ્ત દૃષ્ટિવાળા વર્તે છે. અને અનુકૂળ ભાવોમાં રાગ અને પ્રતિકૂળ ભાવોમાં દ્વેષ કરીને સદા આત્માની અસ્વસ્થતાનો અનુભવ કરે છે. છતાં મહામોહને વશ તુચ્છ બાહ્ય લાભોમાં હું સુખી છું તેવો વિશ્વમ ધારણ કરે છે. તેથી તૃષ્ણા ઉપર જ મહામોહનું કુટુંબ સ્થિર થઈને રહે છે. વળી, સંસારી જીવો આ તૃષ્ણા રૂપી વેદિકા ઉપર આરોહણ કરે છે ત્યારે તેઓના ભાવપ્રાણ નાશ થાય છે, તેનાથી ક્લિષ્ટ કર્મો બાંધીને દુર્ગતિની વિડંબના પ્રાપ્ત કરે છે. વળી, આ તૃષ્ણા વેદિકા પ્રમત્તતા નદી પાસે રહેલા પુલિન ઉપર રહીને જ હંમેશાં આખા જગતને ભમાવે છે. તેથી એ પ્રાપ્ત થાય કે જીવોમાં પ્રમાદનો સ્વભાવ છે તે રૂપ નદી તેનું