________________
૨૭૫
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ
વળી, આ મિથ્યાદર્શનની ભાર્યા કુદૃષ્ટિ છે અને તે કુદેવમાં દેવબુદ્ધિ કરાવે છે, કુસાધુમાં સુસાધુની બુદ્ધિ કરાવે છે, અધર્મમાં સુધર્મની બુદ્ધિ કરાવે છે. તેથી તે કુદૃષ્ટિના વશથી અન્ય દર્શનવાળા દેવ-ગુરુ-ધર્મના સ્વરૂપમાં અને મોક્ષના સ્વરૂપમાં વિપર્યાસવાળા છે તેમ સ્વદર્શનમાં પણ જેઓને ભગવાનના વચનનો પરમાર્થ પ્રાપ્ત થયો નથી તેઓને કુદૃષ્ટિની પ્રાપ્તિ થઈ છે, તે સર્વ મિથ્યાદર્શનની ભાર્યા કુદૃષ્ટિનું વિલસિત છે. આ રીતે મિથ્યાદર્શન અને તેની ભાર્યાનું સ્વરૂપ બતાવ્યા પછી વિમર્શ પ્રકર્ષને રાગકેસરીનું સ્વરૂપ બતાવે છે –
રાગકેસરી મહામોહનો પુત્ર છે, કેમ કે મહામોહ એ જીવમાં વર્તતું અજ્ઞાન છે અને અજ્ઞાનને કારણે જ જીવમાં ક્લેશાત્મક રાગ મધુર જણાય છે, જેથી સંસારી જીવો રાગને પરવશ બને છે અને તે રાગકેસરી વિપર્યાસ નામના સિંહાસન ઉપર બેઠેલો છે અને મહામોહે પોતાના રાજ્યનો ભાર આ રાગ-કેસરીને આપ્યો છે તેથી જીવમાં વર્તતું અજ્ઞાન જીવને સતત રાગને પરવશ રાખે છે અને રાગને પરવશ થયેલા જીવો સંસારના પરિભ્રમણમાંથી મુક્ત થઈ શકતા નથી તેથી તેઓનો સંસાર યથાર્થ ચાલે છે, જેથી મહામોહનું સામ્રાજ્ય તેઓમાં સદા વર્તે છે. વળી તે રાગકેસરી કેવો છે ? તે બતાવતાં કહે છે – જ્યારે જીવમાં રાગ વર્તતો હોય ત્યારે તે જીવોને સુખનો સંગ ક્યાંથી હોય ? અર્થાતુ ક્યારેય સુખ પ્રાપ્ત થાય નહીં, કેમ કે રાગ ઇચ્છાને પ્રગટ કરીને જીવને આકુળ કરે છે અને બાહ્ય પદાર્થોમાં અત્યંત પ્રીતિ ઉત્પન્ન કરે છે તેથી સંક્લિષ્ટ પુણ્યથી જન્ય અને સ્વરૂપથી સંક્લેશવાળા અને સંક્લેશના જનક એવા પદાર્થોમાં રાગ જીવને બાંધી રાખે છે. તેથી એ પ્રાપ્ત થાય કે જે જીવોમાં કોઈક રીતે પુણ્યની પ્રાપ્તિ થઈ છે પરંતુ તે પુણ્ય વિષયોમાં રાગ કરાવીને આનંદ આપે તેવું છે. પ્રશમના સુખને આપે તેવું નથી. તેથી સંક્લિષ્ટ પુણ્યથી જન્ય એવા ભોગો છે અને ભોગોનું સ્વરૂપ પણ સંક્લેશરૂપ છે, કેમ કે ભોગની પ્રવૃત્તિકાળમાં ભોગની ક્રિયા શ્રમ ઉત્પન્ન કરે છે. વળી, ભોગને અનુકૂળ પદાર્થો જીવને પ્રાપ્ત થાય છે ત્યારે જીવમાં તે તે પદાર્થો પ્રત્યે રાગ ઉત્પન્ન થાય છે તેથી તે વિષયો સંક્લેશના જનક છે. તેવા વિષયોમાં રાગ જીવને બાંધી રાખે છે માટે રાગ-વાળા જીવને સુખ સંભવે નહીં.
વળી, આ રાગ ત્રણ સ્વરૂપે રહેલો છે. દૃષ્ટિરાગ, સ્નેહરાગ, અને વિષયરાગ, તત્ત્વને જોવામાં વિપર્યાસકારી દૃષ્ટિરાગ છે. જેના કારણે જ સંસારી જીવોને તે તે દર્શનમાં રાગ થાય છે. તત્ત્વનો રાગ થતો નથી. વળી, કેટલાક જીવોને સ્નેહરાગ અતિશય વર્તે છે તેથી સ્નેહમાં જ સુખ-બુદ્ધિ થાય તો તે પણ વિપર્યાસનું જ કારણ બને છે. વળી, કેટલાક જીવોને ઇન્દ્રિયોના વિષયો પ્રત્યે રાગ વર્તે છે અને તે રાગ જ સુખાકારી જણાય અને આત્માની નિરાકુળ અવસ્થા જોવામાં બાધક તે રાગ બને તો તે પણ વિપર્યાસનું જ કારણ બને છે. તેથી ત્રણ સ્વરૂપે ત્રણ મિત્રવાળો રાગકેસરી વિપર્યાસ નામના સિંહાસનમાં બેઠેલ છે તેમ કહેલ છે. વળી, રાગ જીવમાં મૂઢતા ઉત્પન્ન કરે છે. તેથી જ તેને તત્ત્વ દેખાતું નથી. માટે તે મૂઢતાને રાગકેસરીની સાથે એકતાને પામેલ ભાર્યા છે તેમ કહેલ છે. તેથી જીવમાં રાગનો પરિણામ અને મૂઢતાનો પરિણામ પરસ્પર અનુવિદ્ધ થઈને સદા જીવની વિપર્યાસ બુદ્ધિ સ્થિર કરે છે.