________________
૩૧૨
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ છે તેથી તે ચાર બાળકો અત્યંત રૌદ્ર આકારવાળા છે અને જીવના વિવેકનો નાશ કરનારા છે અને તેને વશ થયેલા જીવો ક્વચિત્ ધર્મની પ્રવૃત્તિ કરે તો પણ ભાવથી તત્ત્વમાર્ગને પામતા નથી; કેમ કે અનંતાનુબંધી કષાય જીવને આત્માના નિરાકુળ સ્વભાવનું પારમાર્થિક દર્શન કરવા દેતા નથી. તેથી સુખના અર્થી જીવોને સુખ બાહ્ય પદાર્થોમાં જ દેખાડે છે. તેથી અનંતાનુબંધી કષાયને વશ થયેલા જીવો તુચ્છ બાહ્ય સુખના અર્થે સંસારના સર્વ આરંભો કરે છે તેમ ધર્મની પ્રવૃત્તિ પણ તુચ્છ બાહ્ય સુખો અર્થે જ કરે છે. ક્યારેય પણ આત્માના પરમ સ્વાસ્થને અભિમુખ ઊહ માત્ર પણ તેઓ કરી શકતા નથી. જ્યારે તે અનંતાનુબંધી કષાય કંઈક ક્ષીણ થાય છે તેથી નાશને અભિમુખ બને છે ત્યારે જ પારમાર્થિક આત્માના સ્વરૂપ વિષયક કંઈક માર્ગાનુસારી ઊહ તે જીવોમાં પ્રગટે છે અને અનંતાનુબંધીના નાશથી જ તે જીવો આત્માના નિરાકુળ પારમાર્થિક સ્વરૂપને જોઈ શકે છે. તેથી આત્માના તે નિરાકુળ સ્વરૂપની આગળ સંસારનાં શ્રેષ્ઠ સુખો પણ તે જીવોને અસાર જેવાં જણાય છે. તોપણ અપ્રત્યાખ્યાનીય નામના અન્ય ચાર બાળકો રૂ૫ ચાર કષાયો જેઓમાં વર્તે છે તેઓ બાહ્ય ત્યાગ કરવા માટે લેશ પણ તત્પર થતા નથી. વિષયોનું અસાર સ્વરૂપ જાણવા છતાં તેઓનું ચિત્ત વિષયોમાં પ્રવર્તે છે. તેનું કારણ અપ્રત્યાખ્યાનીય કષાયોનો ઉદય છે. તેથી જ્યાં સુધી અપ્રત્યાખ્યાનીય કષાયો ઉદયમાં છે ત્યાં સુધી લેશ પણ પાપની નિવૃત્તિ ભાવથી કરી શકતા નથી. તોપણ અનંતાનુબંધીના ક્ષયોપશમને કારણે તત્ત્વમાર્ગને સ્વીકારે છે. તેનાથી તેઓને અંતરંગસુખ થાય છે, તોપણ પાપની વિરતિજન્ય વિશેષ પ્રકારના સુખને તેઓ પ્રાપ્ત કરી શકતા નથી. વળી, તેનાથી પણ કંઈક નાના ચાર બાળકો છે જે પ્રત્યાખ્યાનીય કષાયો સ્વરૂપ છે, જેઓ જીવને કંઈક પાપથી વિરતિ કરવા છતાં સંપૂર્ણ પાપની નિવૃત્તિ કરવા દેતા નથી અને જે જીવોની ચિત્તવૃત્તિમાં તે બાળકો રમે છે તે જીવો સંપૂર્ણ પાપની નિવૃત્તિના ઇચ્છુક હોવા છતાં સંપૂર્ણ પાપની વિરતિને ભાવથી તે બાળકો કરવા દેતા નથી. તેથી તે કષાયો રૂપ બાળકો કંઈક સંતાપના કારણ છે. વળી તેનાથી પણ નાના ચાર બાળકો છે જે સંજ્વલન કષાય સ્વરૂપ છે, જેઓ પાપથી વિરામ પામેલા મુનિઓને પણ ઉપસર્ગો અને પરિષહોમાં અતિચારો કરીને ઇશદ્ ફ્લેશ કરાવનારા છે. તેથી આ સોળે બાળકો જીવ માટે સુંદર નથી. વળી, રાગકેસરીની આગળ વિષયાભિલાષ નામનો મંત્રી બેઠેલો છે જે લોકોને પાંચ ઇન્દ્રિયોના વિષયો તરફ આકર્ષણ કરીને રાગકેસરીનું નગર સમૃદ્ધ રાખે છે; કેમ કે પાંચ ઇન્દ્રિયોના વિષયોને પ્રાપ્ત કરેલો જીવ તે તે પ્રકારના રાગો કરીને રાગની વૃદ્ધિ કરે છે. શ્લોક :
रागकेसरिणो राज्यं, तन्त्रयन्निखिलं सदा ।
परबुद्धिप्रयोगेण, नैवैष प्रतिहन्यते ।।४७७।। શ્લોકાર્ચ -
રાગકેસરીના અખિલ રાજ્યની તંત્રણા કરતો વ્યવસ્થા કરતો, સદા પરબુદ્ધિના પ્રયોગથી શ્રેષ્ઠ બુદ્ધિના પ્રયોગથી, આ=વિષયાભિલાષ, હણાતો નથી જ. ll૪૭૭ની