________________
૨૫૧
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ કૃત્યો કરે તોપણ માન, ખ્યાતિ, કષાયોના ક્લેશોથી ચિત્તને આકુળ રાખીને આ પ્રકારના મૂઢતાથી લેવાયેલા ધર્મના બળથી હું મોક્ષને પામીશ તેવો ભ્રમ ધારણ કરે છે.
વળી, તત્ત્વને જોવામાં વિપર્યાસના કારણે કેટલાક જીવો માત્ર ભોગવિલાસ જ જીવનનો સાર છે, ભોગવિલાસ સિવાય જીવનું કંઈ હિત નથી તેવી અત્યંત વિપરીત બુદ્ધિ ધારણ કરીને તે પ્રવૃત્તિમાં જ પોતાનું જીવન પૂર્ણ કરે છે. બાહ્ય ભોગની ઇચ્છા સ્વયં સંક્લેશ રૂપ છે. અનિચ્છામાં સુખ છે. ઇચ્છાથી વ્યાકુળ થયેલો જીવ ઇચ્છાના વિષયભૂત પદાર્થને મેળવવા શ્રમ કરે છે જે શ્રમ પણ ક્લેશરૂપ છે. પુણ્યના સહકારથી ઇચ્છા પ્રમાણે વસ્તુ મળે છે ત્યારે ક્ષણિક શાંતિ થાય છે ત્યાં અનેક નવી નવી ઇચ્છાના ક્લેશને પ્રાપ્ત કરે છે. તે ક્લેશને ક્લેશરૂપે જોવાની નિર્મળ મતિ જેને પ્રગટી નથી, ક્લેશ જ સુખરૂપ તેને દેખાય છે. વળી, વીતરાગતા, વીતરાગતામાં વિશ્રાંત થવા માટે યત્ન કરનારા મુનિઓ સુખી છે તે પ્રકારના તત્ત્વને જોવામાં વિપર્યાસ કરાવનાર મિથ્યાદર્શન જ છે. આથી જ ગુણ રહિત એવા અપાત્રમાં બાહ્ય ત્યાગને જોઈને કે ગુણનું આરોપણ કરીને પાત્રબુદ્ધિ કરે છે, પરંતુ સર્વ બાહ્ય પદાર્થો પ્રત્યે જેઓનું ચિત્ત અત્યંત અનુત્સુક છે એવા નિઃસ્પૃહી મુનિઓના નિઃસ્પૃહભાવને જોવાની પ્રજ્ઞા જેનામાં નથી તે સર્વ મિથ્યાદર્શનનો પ્રભાવ છે.
વળી, વિપર્યાસને કારણે જેટલા સંસારના હેતુઓ છે તે મોક્ષના હેતુ જણાય છે, સંસારમાં ધનઅર્જન આદિના ક્લેશો સુખના ઉપાયરૂપ જણાય છે. વળી, સંસારમાં પણ હું કુટુંબનું પાલન કરું છું, આ બધાના હિતને કરનારો છું ઇત્યાદિ પ્રકારે ધર્મબુદ્ધિ કરે છે, અનેક જીવોને ધનઅર્જનમાં સહાયક થનારો છું માટે આ જ શ્રેય કાર્યો છે તેવી વિપર્યાસ બુદ્ધિ મિથ્યાદર્શન કરાવે છે. જે પ્રવૃત્તિઓમાં આરંભ-સમારંભ ન હોય, જે પ્રવૃત્તિઓમાં કષાયોનો ક્લેશ ક્ષય પામતો હોય, જે પ્રવૃત્તિ જોઈને યોગ્ય જીવોને તત્ત્વને અભિમુખ પરિણામ થાય તેમ હોય તેવી વિવેકવાળી પ્રવૃત્તિ સમ્યગ્દષ્ટિ જીવો કરે છે. તેનાથી જે કંઈ વિપરીત બુદ્ધિથી સંસારની ક્રિયા કે ધર્મની ક્રિયા કરાય છે તે સર્વ સંસારનું જ કારણ છે. મિથ્યાત્વને કારણે તે સર્વ કર્તવ્ય દેખાય છે.
વળી ક્ષમા, માર્દવ, સંતોષ, આદિ દશ પ્રકારના યતિધર્મના પરમાર્થને જાણવા માટે જિજ્ઞાસા પણ જીવોને થતી નથી. તે મિથ્યાદર્શનનો જ પ્રભાવ છે. આથી જ સમ્યગ્દષ્ટિ જીવો હંમેશાં દશ પ્રકારના ક્ષમાદિ ભાવોનું સ્વરૂપ વારંવાર સૂક્ષ્મ સૂક્ષ્મતર બુદ્ધિથી જાણવા યત્ન કરે છે; કેમ કે વીતરાગને નમસ્કાર કરતી વખતે પણ હે ક્ષમાશ્રમણ ! હું વંદન કરવા ઇચ્છું છું એમ બોલીને ખમાસમણની ક્રિયા કરે છે અને સુસાધુને પણ હે ક્ષમાશ્રમણ ! હું વંદન કરવા ઇચ્છું છું એમ બોલીને જે ખમાસમણની ક્રિયા કરે છે તેના પરમાર્થને જાણવાની પણ ઇચ્છા થતી નથી. અને હું કોને નમસ્કાર કરું છું, કોણ સુસાધુ છે, ઇત્યાદિક વિષયક યથાર્થ જોવાની દૃષ્ટિ માત્રનો અભાવ તે મિથ્યાદર્શનનો જ પ્રભાવ છે. માત્ર બાહ્ય વેશ અને બાહ્ય ત્યાગમાં ધર્મબુદ્ધિ કરે છે. ક્ષમાદિ ભાવોમાં લેશ પણ યત્ન ન થાય તેવી ક્રિયામાં ધર્મબુદ્ધિ કરે છે તે સર્વ મિથ્યાદર્શનનો પ્રભાવ છે. વળી, જીવ, અજીવ આદિ નવતત્ત્વનું પારમાર્થિક સ્વરૂપ શું છે તેને જાણવાની જિજ્ઞાસા પણ થતી નથી. માત્ર શબ્દોથી જાણે છે અને કઈ રીતે આશ્રવનો નાશ કરવો જોઈએ, કઈ રીતે સંવરમાં યત્ન કરવો જોઈએ તે વિષયક માર્ગાનુસારી ઊહ થવામાં બાધક પણ મિથ્યાદર્શન જ છે. તેથી અન્ય દર્શનમાં કે