________________
૧૫૧
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ / ચતુર્થ પ્રસ્તાવ શક્તિ છે તે પદાર્થનો વિમર્શ કરીને તેનો નિર્ણય કરે છે. તેથી શુભોદય આદિની સલાહને ગ્રહણ કરીને વિચક્ષણે પોતાના વિમર્શને અને પ્રકર્ષને તેનો નિર્ણય કરવા માટે કહ્યું. તેથી વિચક્ષણની વિમર્શશક્તિ અને બુદ્ધિની પ્રકર્ષશક્તિ તે બંને પ્રથમ સંસારના ક્ષેત્રમાં રસનાની મૂળશુદ્ધિ માટે અવલોકન કરે છે ત્યારે તેઓને હેમંતઋતુ અને શરદઋતુમાં જીવો સુંદર આહારાદિ કરતા દેખાય છે તેને સામે રાખીને તે બે ઋતુનું અવલોકન કર્યું. તેનાથી લોકો તે ઋતુમાં રસનેન્દ્રિયનું પોષણ કરે છે તેટલું જ દેખાય છે પરંતુ રસનાનું મૂળ ક્યાં છે તેનો કોઈ નિર્ણય થતો નથી. તેથી વિમર્શ અને પ્રકર્ષ બંને અંતરંગ દુનિયામાં પ્રવેશ કરે છે.
અંતરંગ દુનિયામાં તેઓએ રાજસચિત્તનગર જોયું. તેથી એ પ્રાપ્ત થાય કે રસનાને વશ થયેલા જીવો રાજસચિત્તવાળા હોય છે અને તે રાજસચિત્તનગરમાં રાગકેસરીનું સામ્રાજ્ય વર્તે છે. તેથી એ પ્રાપ્ત થાય કે જેઓનું ચિત્ત રાગથી આક્રાંત છે તે જીવો ઉપર રાગના તે તે પરિણામોનું સદા પ્રભુત્વ વર્તે છે. તે રાગકેસરી રાજા છે અને તે રાજસચિત્તનગર વિરલ લોકને કારણે શૂન્ય જેવું દેખાતું હતું. તેથી તેઓને જિજ્ઞાસા થઈ કે આ નગરમાં લોકો ઘણા ઓછા છે તોપણ આ નગર ઉપદ્રવ વગર પોતાની શોભાને ધારણ કરે છે, તેથી નક્કી આ નગરની શોભાને રક્ષણ કરનાર અન્ય કોઈક વિદ્યમાન છે. આનાથી એ પ્રાપ્ત થાય કે જે જીવોનું ચિત્ત રાગથી આકુળ છે તે જીવોનું રક્ષણ કરવા અને શત્રુનો પરાજય કરવા રાગ સાક્ષાત્ વ્યાપાર કરતો નથી. પરંતુ જે જીવો રાગના સંકજામાંથી દૂર થઈને ભગવાનના વચનાનુસાર સંતોષસુખને અભિમુખ થયા છે તેઓની સામે રાગ અને સંતોષનું યુદ્ધ વર્તે છે તેથી સર્વ જીવ સાધારણ એવો જે રાગનો પરિણામ છે, તે પોતાને આધીન જીવોમાં સંતોષરૂપ શત્રુથી રક્ષણ કરવા યત્ન કરતો નથી પરંતુ મિથ્યાભિમાન નામના મહત્તમને તે કાર્ય સોંપેલું છે જેનાથી તે નગરની શોભા તે જાળવી રાખે છે.
આ નગરમાં રાગ પોતાના સૈન્ય સાથે સંતોષને જીતવા માટે ગયેલ છે તેથી રાગનાં અન્ય પાત્રો જે જીવોમાં સ્પષ્ટ રૂપે કાર્ય કરતાં જણાતાં નથી. પરંતુ જે જીવો સાધના કરીને સંતોષસુખમાં મગ્ન છે તેવા જીવોને યોગમાર્ગથી ભ્રષ્ટ કરવા માટે ગયેલ છે. પરંતુ જેઓ દેહના સુખને સુખરૂપે માને છે અને દેહજન્ય સુખ જ પોતાનું હિત છે તેવા સ્થિર વિશ્વાસવાળા છે અને પુણ્યના ઉદયથી પોતાના પુણ્યને અનુસાર જે ભોગસામગ્રી મળી છે તે ભોગસામગ્રીમાં રક્ત છે અને મિથ્યાભિમાન ધારણ કરે છે કે અમે આ ભોગના બળથી સુખી છીએ, તેઓમાં સંતોષનો પ્રવેશ જ નથી. તેથી સંતોષને જીતવા માટે રાગકેસરી કે તેના અન્ય સૈનિકોની ત્યાં આવશ્યકતા નથી; કેમ કે મિથ્યાભિમાનના બળથી જ તે સર્વ જીવો રાગકેસરીના સામ્રાજ્યનો પૂર્ણ રીતે સ્વીકાર કરે છે અને તેની આજ્ઞા પ્રમાણે વર્તે છે. અને તે મિથ્યાભિમાન અહંકાર આદિ કેટલાક પુરુષોથી ઘેરાયેલો તે નગરમાં રહેલો છે તેથી જે જીવો ભોગજન્ય સુખમાં જ સારમતિવાળા છે, આત્માના નિરાકુળ સ્વભાવની જેઓને ગંધ નથી તેઓ તુચ્છ પુણ્યથી મળેલા ભોગમાં અને ભોગસામગ્રીમાં અહંકાર આદિને ધારણ કરે છે અને મિથ્યાત્વના ઉદયથી તેઓમાં મિથ્યાભિમાન વર્તે છે કે અમે સુખી છીએ વળી, આ જ નગરમાં જેઓ કોઈક રીતે ભગવાનના વચનના ઉપદેશ પામીને રાગના સંકજામાંથી કંઈક મુક્ત થયા છે અને સંતોષને કંઈક અભિમુખ થયા છે તેમાં રાજસચિત્ત વર્તતું નથી. પરંતુ તત્ત્વાતત્વની વિચારણાને અભિમુખ ચિત્ત વર્તે છે અને તેઓમાં પ્રગટ થયેલ સંતોષના પરિણામને નાશ કરવા અર્થે રાગકેસરી પોતાના સૈન્ય સાથે ત્યાં ગયો છે.