________________
૧૫૨
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ / ચતુર્થ પ્રસ્તાવ
આ સર્વ વિચક્ષણ પોતાના બુદ્ધિના વિમર્શ અને પ્રકર્ષના બળથી જાણી શકે છે; કેમ કે સંસારી જીવોને
પોતાના દેહમાં અને ભોગસામગ્રીમાં મિથ્યાભિમાન વર્તે છે તે પ્રકારનો બોધ વિમર્શ અને પ્રકર્ષને મિથ્યાભિમાન સાથેના વાર્તાલાપથી થાય છે અને તેઓને જણાય છે કે આ નગરમાં રહેલા જીવો મિથ્યાભિમાનવાળા છે તેથી તેઓના રક્ષણ અર્થે ચિંતાની આવશ્યકતા નથી, પરંતુ આ મિથ્યાભિમાનને કારણે આ જીવો હંમેશાં ઇન્દ્રિયોને પરવશ થઈને ભોગવિલાસ કરે છે. વળી, મિથ્યાભિમાન પાસેથી તેઓને જાણવા મળે છે કે રાગકેસરીનો વિષયાભિલાષ નામનો મહત્તમ પુરુષ છે તેને સ્પર્શન આદિ પાંચ ઇન્દ્રિયો જગતને વશ કરવા માટે આપેલ છે. તેથી વિમર્શશક્તિથી યોગ્ય જીવને નિર્ણય થાય છે કે આ પાંચ ઇન્દ્રિયો એ કર્મથી જન્ય છે તોપણ રાગકેસરીનો જે મહત્તમ પુરુષ વિષયાભિલાષ છે તે વિષયાભિલાષે લોકોને આ પાંચ ઇન્દ્રિયો દ્વારા વશ કર્યાં છે. તેથી આ પાંચ ઇન્દ્રિયોને વશ થઈને સર્વ જીવો રાગકેસરી રાજાની આજ્ઞાનું પૂર્ણ પાલન કરે છે જેનાથી કર્મો બાંધીને ચારગતિરૂપ સંસારમાં રહે છે, પરંતુ સંસારનો ઉચ્છેદ કરવા સમર્થ બનતા નથી, રાગકેસરી રાજાનું આ પ્રયોજન છે કે સંસારી જીવો તેની આજ્ઞાનું પાલન કરે તો તેઓના સંસારની વૃદ્ધિ થાય છે.
વળી, મિથ્યાભિમાને કહેલું કે આ નગરનો રાગકેસરી રાજા છે તેનો પિતા મહામોહ છે, તેના વિષયાભિલાષ આદિ ઘણા મહત્તમ મંત્રીઓ છે તેથી એ પ્રાપ્ત થાય કે જીવમાં જે ગાઢ અજ્ઞાન વર્તે છે જેના કારણે જીવ પોતાના ૫૨મ સ્વાસ્થ્યરૂપ નિરાકુળ સ્વભાવને જોવામાં સમર્થ નથી એવું જે અજ્ઞાન વર્તે છે તે મહામોહ છે. તેના કારણે જ સુખનો અર્થી જીવ આત્માના સ્વાભાવિક સુખને છોડીને રાગને વશ થયો છે માટે જીવમાં વર્તતો ગાઢ અજ્ઞાનરૂપ મહામોહ રાગને ઉત્પન્ન કરે છે. તે રાગકેસરી રાજાને સલાહ આપનારા વિષયાભિલાષ આદિ અનેક મંત્રીઓ છે. તેથી વિષયાભિલાષ આદિ ભાવો તે નગરને સુરક્ષિત રાખે છે અને તે વિષયાભિલાષે જ પોતાના રસનાદિ પાંચ માણસોને જગતને જીતવા માટે સર્વત્ર પ્રવર્તાવ્યા છે; કેમ કે આત્માના સુખને છોડીને વિષયાભિલાષવાળા જીવો જ તે પાંચ ઇન્દ્રિયોને વશ થઈને રાગપરિણતિની વૃદ્ધિ કરે છે અને સંસારમાં ભટકે છે.
વળી, મિથ્યાભિમાન સંતોષને હતકઘાતક, કહે છે તેનું કારણ જીવમાં પ્રગટ થતો અનિચ્છાના પરિણામરૂપ સંતોષ રાગનો નાશ કરનાર છે આથી જ જેઓ જિનવચનથી ભાવિત થયા છે તેઓને સર્વ ઇન્દ્રિયોના વિષયોમાં સંતોષ વર્તે છે અને તેવા મહાત્માઓ જિનવચનનું દૃઢ અવલંબન લઈને સદા સર્વ પ્રકારની ઇચ્છાનો ઉચ્છેદ થાય તેવો પ્રશમનો પરિણામ આત્મામાં સ્થિર કરવા યત્ન કરે છે, તેથી તે સંતોષ મિથ્યાભિમાનનો અને રાગકેસરીનો પ૨મ શત્રુ છે; કેમ કે જે જીવોને જેટલો જેટલો સંતોષનો પરિણામ પ્રગટે છે તેટલા તેટલા અંશથી તેઓમાં રાગનો પરિણામ નાશ થાય છે અને દેહમાં, ભોગસામગ્રીમાં કે સ્વજન આદિમાં આ મારા છે ઇત્યાદિ મિથ્યાભિમાન નાશ થાય છે અને જેઓને તેવો વિવેક પ્રગટ્યો નથી તેઓ શ્રાવક આચાર પાળતા હોય, સાધુ આચાર પાળતા હોય છતાં શિષ્ય વર્ગમાં, ભક્ત વર્ગમાં કે પોતાના સ્વજનાદિમાં કે શરીરની શાતા આદિમાં રાગને ધારણ કરે છે અને તે સર્વ તેઓને સુખના સાધનરૂપ જણાય છે, તેથી તેઓ મિથ્યાભિમાનવાળા જ છે. સંતોષજન્ય સુખ શું છે તેની ગંધ માત્ર પણ તેઓને નથી.