________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ
૧૫૩ વળી, વિવેકી શ્રાવકો નિસ્પૃહી મુનિઓના ચિત્તને જોનારા છે તેથી હંમેશાં નિઃસ્પૃહી મુનિઓને સંતોષનું સુખ કેવું શ્રેષ્ઠ છે તેવું ભાવન કરીને સ્વભૂમિકાનુસાર દેશવિરતિ પાળીને પણ ભોગાદિમાં અનિચ્છાનો પરિણામ વૃદ્ધિ પામે તે રીતે જ યત્ન કરનારા છે. અને તેઓને સંતોષનું સુખ જ પારમાર્થિક સુખ દેખાય છે. તોપણ તેવા શ્રાવકોને અને તેવા મુનિઓને પણ નિમિત્તને પામીને રાગાદિ ભાવો થાય છે, તે રાગકેસરી પોતાના સૈન્ય સાથે તેઓમાં વર્તતા સંતોષને જીતવા માટે યત્ન છે. તેને બતાવે છે આથી જ ચૌદપૂર્વધરો પણ રોગના હુમલા નીચે આવે છે ત્યારે તેઓનું સંતોષસુખ નાશ પામે છે. રસગારવ, ઋદ્ધિગારવ આદિને વશ થઈને તેઓ પણ ફરી રાગકેસરી રાજાનું સામ્રાજ્ય સ્વીકારી લે છે, તેથી તેઓ નરક આદિ ગતિઓમાં પણ પરિભ્રમણ કરે છે.
વળી વિમર્શ જ્યારે મિથ્યાભિમાનને પૂછે છે કે તમારો રાગકેસરી દેવ વર્તમાનમાં ક્યાં છે ? ત્યારે મિથ્યાભિમાનને શંકા થાય છે કે આ વિમર્શ ચરપુરુષ છે તેથી યથાર્થ કથન કરતો નથી અને કહે છે કે મને સ્પષ્ટ ખબર નથી. વસ્તુતઃ રાગકેસરી અહીંથી તામસચિત્તનગર ગયેલ અને ત્યાંથી તે સંતોષને હણવા માટે નીકળેલ છે. તેથી એ પ્રાપ્ત થાય કે વિચક્ષણ પુરુષ પોતાની વિમર્શશક્તિથી રાગકેસરી સંતોષને જીતવા ક્યાં ગયેલ છે તેનો નિર્ણય કરવા માટે પ્રયત્ન કરે છે પરંતુ સ્પષ્ટ નિર્ણય થતો નથી. અને મિથ્યાભિમાન વિમર્શમાં શંકા ઉત્પન્ન કરે છે. તેથી એ પ્રાપ્ત થાય કે વિમર્શના સ્વામી એવા વિચક્ષણમાં હજી પણ મિથ્યાભિમાન સવર્થો નાશ પામ્યું નથી. વળી તે વિચક્ષણ પુરુષે તે મિથ્યાભિમાનનું અવલોકન કરીને આ સર્વનો નિર્ણય અત્યાર સુધી કર્યો પરંતુ આ રાગકેસરી સંતોષને જીતવા ક્યાં ગયેલ છે તેનો નિર્ણય કરવામાં તેને દિશા મળતી નથી. ફક્ત મિથ્યાભિમાનના બળથી તેને જ્ઞાન થાય છે કે આ રાગકેસરી રાજા તામસચિત્ત નગરે ગયેલ છે. અને ત્યાં થઈને સંતોષને જીતવા ક્યાંક ગયેલ છે. તેથી મિથ્યાભિમાન પાસેથી પ્રકર્ષ અને વિમર્શને રાગકેસરી અત્યારે ક્યાં છે તેની માહિતી મળતી નથી તો પણ તેને જાણવાનો ઉપાય તામસચિત્તનગર છે તેવી વિમર્શશક્તિ પ્રગટેલ છે. તેથી તે બંને= પ્રકર્ષ અને વિમર્શ બંને, તામસચિત્તનગરનું અવલોકન કરવા જાય છે ત્યારે મિથ્યાભિમાન તેને કહે છે આ રીતે તમારા પ્રયોજનની સિદ્ધિ થાઓ. તે સાંભળીને વિમર્શ હર્ષિત થાય છે, તેથી એ પ્રાપ્ત થાય કે વિચક્ષણમાં વર્તતું મિથ્યાભિમાન નષ્ટપ્રાયઃ છે અને તે જાણે તેને પોતાના પ્રયોજનની સિદ્ધિ થવાના આશીર્વાદ આપતું ન હોય તેવું મંદ વર્તે છે અને તે જોઈને વિચક્ષણ પુરુષનો વિમર્શ હર્ષિત થાય છે; કેમ કે તેને જણાય છે કે તામસચિત્તનગરના અવલોકનથી અમને વિશેષ પ્રકારનો નિર્ણય થશે.
વળી તે નગરથી નીકળીને વિમર્શ અને પ્રકર્ષ વિચારે છે કે મિથ્યાભિમાન દ્વારા આપણને એટલો નિર્ણય થયો છે કે વિષયાભિલાષના માણસોની મધ્યમાં આ રસના છે. તેથી હવે તેઓ તામસચિત્તનગરનું અવલોકન કરવા જાય છે. તેથી એ પ્રાપ્ત થાય કે આત્માના અંદરનાં રાજસચિત્ત અને તામસચિત્ત બે ચિત્ત વર્તે છે, તેમાં જે જીવોમાં બહુલતાએ રાજસી પ્રકૃતિ છે અને ભોગવિલાસની સામગ્રીને પામીને વિષયોમાં વિલાસ કરનારા છે તે જીવો રાજસચિત્તનગરમાં વર્તે છે અને જે જીવોનું ચિત્ત તામસી પ્રકૃતિવાળું છે તેથી તેઓ ક્વચિત્ ધનસંપત્તિવાળા પણ હોય, ક્વચિત્ દુઃખી પણ હોય પરંતુ તેઓનું ચિત્ત હંમેશાં શોક, ક્લેશ,