________________
મોટામોટા હાથીઓને પણ રમતમાત્રમાં હું મહાત કરતો. આજે એક સ્ત્રીએ મને હરાવ્યો. ગૌહત્યાનું પાપ મને તત્કાળ ફળ્યું લાગે છે.
શોકાતુર થયેલા રાજાને તે દેવી બોલી, “હે મૂઢ ! પૂર્વે કરેલા ધર્મના પ્રભાવે તને ઐશ્વર્ય મળ્યું, એમાં ભાન ભૂલેલો તું ધર્મને ભૂલી ગયો ? હવે દુઃખ આવી પડ્યું એટલે ધર્મ યાદ આવે છે ? તો પણ તને હજી સાચી ધર્મબુદ્ધિ જાગી નથી. એ વાત ગાય રૂપે તારી પરીક્ષા કરીને મેં જાણી છે.'
રાજાએ પૂછ્યું, ‘તમે કોણ છો ?'
દેવી બોલી, “હું અંબિકા નામે તારી ગોત્રદેવી છું. તને સત્યધર્મનો બોધ આપવા તારી પાસે આવી, પણ તારું મન હજી કલુષિત છે. તું ધર્મને લાયક નથી. માટે દેશોદેશ ફરી, કષ્ટો સહન કરી, પાપકર્મ ખપાવીને યોગ્યતા પ્રાપ્ત કર. ત્યાર પછી સમય આવ્યે હું જરૂર તને ધર્મસહાય કરવા આવીશ.”
ગોત્રદેવીના દર્શનથી રાજા અત્યંત ખુશ થયો. માતા જેવા વાત્સલ્યયુક્ત તેના વચનોએ રાજાના હૈયામાં દિવ્યપ્રકાશ પાથર્યો. તેનો તાપ-સંતાપ દૂર થયો. પાપો ખપાવવા અને આત્મકલ્યાણ સાધવા રાજા આગળ ચાલ્યો.
ફરતાં ફરતાં તે કોલ્લાક પર્વતે આવ્યો. ત્યાં એક ઝાડ નીચે રાતવાસો કર્યો. લગભગ રાત પસાર થવા આવી ત્યારે હાથમાં ગદાધારી કોઇક યક્ષ રાજા સન્મુખ આવ્યો અને ક્રોધથી બોલ્યો, “યાદ છે ? તે મને મારી નાંખીને મારી પત્નીનું હરણ કર્યું હતું. હવે હું તને નહીં છોડું.” એમ કહી રાજાને ખૂબ માય, ખૂબ પછાડ્યો.
ત્યારે એકમાત્ર આત્મકલ્યાણની ઇચ્છાવાળા રાજાએ જરાપણ સામનો ન કર્યો. સમતાભાવે સહન કર્યું. આથી છેવટે થાકીને તે યક્ષ રાજાને પર્વતની ગુફામાં મૂકીને અદ્રશ્ય થયો.
મારથી રાજા બેભાન થઇ ગયો હતો તે શીતલ પવનથી થોડીવારે ભાનમાં આવ્યો. ત્યારે પણ એ જ વિચારે છે કે, “મેં જે પાપરૂપી વૃક્ષ વાવ્યું છે, એનો તો આ અંકુરો છે. નરકાદિ દુર્ગતિના દુ:ખરૂપી પુષ્પ અને ફળ તો હજી બાકી છે.” આમ, આત્મનિંદા કરતો... સંવેગ અને સમતારસથી પ્રસન્ન મુખવાળો રાજા ત્યાંથી આગળ ચાલ્યો.
ત્યાંજ તેની ગોત્રદેવી ફરી પ્રગટ થઈને કહેવા લાગી, “હે વત્સ ! તારા પૂર્વજોની ભક્તિથી હું રંજિત થયેલી છું. આથી જ પૂર્વે એક શ્લોક મેં તને બતાવ્યો હતો. ત્યારપછી ગાય રૂપે તારી પરીક્ષા કરી અને આજે ફરી તારી પાસે આવી છું. તું ધન્ય છે. તારામાં હવે યોગ્યતા પ્રગટ થઇ છે. માટે તું શત્રુંજયગિરિએ જા. ત્યાં તારું કલ્યાણ થશે.
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૫