________________
રાખે છે. તો બીજે પક્ષે જે કેવળ શ્રદ્ધાન્વિત છે તેમણે પૂર્વપરંપરાથી જે પ્રાપ્ત તેને શ્રદ્ધાપૂર્વક અપનાવી જ લીધું હોઈ તેને બૌદ્ધિક-વૈજ્ઞાનિક રીતે તપાસવા-સમજવાનું વિચારતા જ નથી.
નિરંજનની શોધ પ્રવૃત્તિમાં શ્રદ્ધાના સ્વીકારે વૈજ્ઞાનિક અભિગમની મર્યાદાને ટાળી છે. જ્યારે વૈજ્ઞાનિક અભિગમે શ્રદ્ધાપ્રાપ્ત વલણને બૌદ્ધિક ભૂમિકા પૂરી પાડી છે !
નિરંજન “વર્ધમાન'ને શોધે છે. “ભગવાન મહાવીરને ઉપાસે છે ! આવા જોખમકારક પ્રયત્નનું એક કારણ એ પણ છે કે મનુષ્યમાંથી મહાત્માની ભૂમિકાએ વિક્સનાર ગાંધીજીના સમયમાં ઉછરનાર, તેમને સાક્ષાસ્વરૂપે જોનાર-જાણનાર આ શોધક “વર્ધમાનમાંથી “ભગવાન મહાવીરના વિકાસની ભૂમિકાઓ જાણવા મથે છે ! લોકોત્તર વ્યક્તિત્વ ભક્તિનું ભાજન બને તે આશ્વાસ અને પ્રેરક અવશ્ય બને. પરંતુ લૌકિક મનુષ્યમાંથી માનવોત્તમનો વિકાસમાર્ગ મનુષ્યને ઉર્ધ્વતર થઈ શકવાની શ્રદ્ધા, પ્રેરણા અને માર્ગદર્શન આપે ! – ભગવાન ઋષભદેવ પછી ચોવીસે ચોવીસ ભૂમિકાઓ સિદ્ધ કરીને “વર્ધમાન', અહંત પદે કેમ વિકસ્યા તેની જાણ “નમો અરિહંતાણમ્'ના ઉચ્ચારમાં વધુ ભાવભક્તિ ઉમેરે !
એટલે કે નિરંજનની શોધ ઐતિહાસિક વ્યક્તિ વર્ધમાનના “ભગવાન મહાવીર'ની કક્ષાપર્વતના વિકાસની સોપાન શ્રેણીની હતી...
આ પ્રયત્ન જોખમકારક તો ખરો જ કારણ કે શોધ કરનારની શ્રદ્ધા ન સમજાય તો શ્રદ્ધાળુ હૃદયને આઘાત પણ થાય ! વાચનારનું ચિત્ત નિરપેક્ષ અને મોકળું ન હોય તો વિવાદ પણ સર્જાય, વિરોધ પણ ઊભરે !...
વર્તમાનમાંના ગાંધીજી અને અતિતના ભગવાન મહાવીર અને ભગવાન બુદ્ધ સૌને જાણે એક રેખા પરનાં પ્રસ્થાન બિન્દુઓ તરીકે સમજવા અને સમજાવનારાના પ્રયત્નો કરનાર નિરંજનનો પ્રયત્ન યોગ્ય પરિપ્રેક્ષ્યમાં અવલોકાય તેથી જ આટલું પ્રાકકથન !
બાકી તો અભ્યાસીઓ જાણે-પ્રમાણે તે ખરું !
- વિનોદ અધ્વર્યુ